Posted by: readsetu | મે 24, 2018

KS 31

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 17 એપ્રિલ 2012

કાવ્યસેતુ 31  લતા હિરાણી

સ્વપ્ન કોરી આંખ પર ડૂસકે ચડ્યું,

સાવ સૂનું આ નગર ડૂસકે ચડ્યું. 

સાંકળે ઝૂર્યા ટકોરા રાતભર

ખૂલવાને બંધ ઘર ડૂસકે ચડ્યું.

ઝુમ્મરે ચકરાઇ અજવાળાં ખર્યાં

નભ બુઝાતું રાતભર ડૂસકે ચડ્યું.

પાનખર તો વૃક્ષનું બહાનું હતું

પર્ણ છૂટ્યા સાથ પર ડૂસકે ચડ્યું.

બસ ! ઉદાસી ઉંબરે અટકી ગઇ

આંખથી વહેવા જિગર ડૂસકે ચડ્યું.

ઘા નગારા પર પડ્યો ને શું થયું

ગામ હોંકારાસભર ડૂસકે ચડ્યું……. ભારતી રાણે

ભારતી રાણેને આપણે હવે બીજી વિશ્વપ્રવાસી ગુજરાતી નારી તરીકે ઓળખી શકીએ. વિશ્વમાં પથરાયેલા ગૂઢ સૌંદર્યો જોતાં જોતાં કોઇક ક્ષણો એમની આંખ-હૃદયને ભીંજવી ગઇ હશે અને આવી ગઝલ જન્મી હશે એમ માનીએ !! મત્લા – મક્તાનો શેર કે પછી કાફિયા રદ્દીફની શાસ્ત્રીય ચર્ચાઓ કરવાને બદલે ગઝલના સંવેદન વિશ્વમાં જ ડૂબકી લગાવીએ. બની શકે કે અવાજ વગરનો પણ ભીનો ભીનો હોંકારો અંદરથી ઊભરાય !!

આખીયે ગઝલમાં વિષયનું સાતત્ય સતત જળવાય છે. ગઝલનો એક અખંડિત લય છે ધોધમાર રૂદન. એકસૂત્રે પરોવાયેલા વિષાદની ભાવસૃષ્ટિ અહીં અભરે ભરી છે. ડૂસકે ચડ્યું જેવો રદ્દીફ એમ જ ન આવે ને !! ખાળવા છતાંય ઊભરાઇ જતાં ડૂસ્કાથી આખીયે ગઝલ છલકાતી હોવા છતાં મત્લાના પ્રથમ મિસ્રામાં એટલે કે પ્રથમ શેરની પ્રથમ પંક્તિમાં જ કોરી આંખમાં સ્વપ્નને ડૂસ્કાતું બતાવી કવયિત્રીએ અભિવ્યક્તિને વ્યંજનાત્મક અને ધારદાર બનાવી છે.

ટકોરાનું ઝૂરવું, બંધ ઘરનું ખુલવા માટે ઝંખવું, અજવાળાનું ચકરાઇ ને ખરવું, નભનું બુઝાવું કે વૃક્ષનું પર્ણથી વિખુટાવું જેવા પ્રતિકો દ્વારા કવયિત્રીએ સૃષ્ટિની ચેતના સાથે પોતાની પીડાને જોડી છે. નભ ભલે બુઝાય પણ વિષાદનો ધોધમાર વરસાદ ગઝલના પ્રત્યેક શેરમાં આંસુના વિશ્વને ઉઘાડે છે. પીડા એ માનવ અસ્તિત્વનો પર્યાય છે. દેખાય કે ન દેખાય પણ પીડાના અનુભવ વગર મનુષ્યનું હોવું શક્ય નથી. બાળકનું જન્મવું એ ગમે એટલી ખુશીનો પ્રસંગ હોય, અવર્ણનીય આનંદ આપનાર હોય પણ માતા અને બાળક બંને માટે એ સમય શારીરિક પીડાની પરાકાષ્ઠા છે. એ પછી જીવનમાં ડગલે ને પગલે પીડાનો અનુભવ, એ હયાતી સાથે જોડાઇ જાય છે. સર્જનમાં પીડાની સફર દુખનો જ અનુભવ આપે એવું નથી. એ ઘણીવાર સમજણની ક્ષિતિજો પણ વિસ્તારતી હોય છે. ક્યારેક આપણી ખમવાની તાકાત પણ વધારતી હોય છે.

છ શેરની આ ગઝલના હાર્દને સ્ત્રીના અસ્તિત્વનો પર્યાય માનીએ તો એમાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય. સ્ત્રી અને આંસુ/રૂદન અભિન્ન રીતે જોડાયેલાં હોવા છતાં આ ગઝલમાં આંસુના પ્રવાહની અલગ અલગ પ્રતીકાત્મક અભિવ્યક્તિ, એક નવી અનુભૂતિ આપવામાં સફળ થાય છે. અલબત્ત જ્યાં અજવાળાં ખરી પડે છે અને નભ પણ બુઝાઇ જાય છે ત્યાં પાંચમા શેરમાં ઉદાસી ઉંબરે કેમ અટકી એવો પ્રશ્ન થાય. કારણ કે ખરેખર તો ઉદાસી આખા અસ્તિત્વમાં આરપાર પ્રસરી જાય, ધોધમાર વહી ઊઠે, ત્યારે જ આસપાસનું વિશ્વ પણ ડૂસ્કે ચડેલું અનુભવાય !! આંસુ એ તદ્દન અંગત બાબત છે. એકાંત મોટેભાગે એની પૂર્વશરત છે. અહીં આંસુનો અઢળક વિસ્તાર છે…. પીડા પંડમાં ન સમાય ત્યારે આવું બની શકે અને જાત એવું જગત અનુભવાય. અંદરનું ગોરંભાયેલું આકાશ ખાંગુ થઇને વરસે ત્યારે.. નગારા પર ઘા વાગે ને એના પડઘામાં ગામનો હોંકારો ડૂસ્કે ચડે !!  

જાત સાથે સંવાદ સાધતાં આવડે તો કવિતા રચવા-સમજવાનો સેતુ બને એટલે જ અહીંયા આંસુ નરી આંખે દેખાશે નહીં, ડૂસ્કાં કર્ણેન્દ્રિયથી સાંભળી શકાશે નહીં. હા, આખીયે ગઝલને બંધ આંખે અંદર ઉતરવા દઇએ તો બેય કાંઠે છલકાવાનું શક્ય બને !! બધા જ શેરમાં જળવાયેલી વિષયની સાતત્યતા અને અંગત અનુભૂતિના ઘટાટોપ વાદળો આ ગઝલને ઊર્મિકાવ્ય પણ સિદ્ધ કરે છે.

કવિ અશોક ચાવડાને અહીં સંભારીએ….

આંખ અવાચક કેમ જુએ અક્ષરની પીડા ? 

લખીલખી ક્યાં વ્યક્ત થશે અંદરની પીડા !

અવતરવાની પીડા કેવળ ક્ષણ બે ક્ષણની

અવતરતાની સાથ જ જીવનભરની પીડા

 

 

Advertisements

Responses

  1. છેલ્લી બે પંક્તિ વિચાર માંગી લે છે આખા એક સમૂહની અસલામતિની પરાકાષ્ટા દર્શાવે છે. ‘ઉદાસી ઉંબરે અટકી’માં ભય અને આશાનું અદ્ભૂત સંયોજન અનુભવાય. નગર અને ગામ ભયની પીડાના પ્રસારના પ્રતિક બની ડુસ્કા દ્વારા આ પીડા વ્યક્તિથી સમષ્ટિ સુધી રેલાઈને ભાવકના હ્રદયને ટકોરે છે. કવિયત્રીને દાદ 👏👏 !

  2. ભારતી રાણેને આપણે હવે બીજી વિશ્વપ્રવાસી ગુજરાતી નારી તરીકે ઓળખી શકીએ.
    ????

  3. એટલે પ્રથમ વિશ્વપ્રવાસી ગુજરાતી નારી મારી જાણકારી મુજબ પ્રીતિ સેનગુપ્તા !


સુરેશ ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: