Posted by: readsetu | મે 26, 2018

KS 33

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 1 મે 2012

કાવ્યસેતુ 33   લતા હિરાણી

તાળું ખોલતાં જ

હાઉક કરતી નટખટ ધૂળ

અંતરંગ સખી બની વળગી પડી !

સ્વગૃહ-પ્રવેશની એક ક્ષણમાં

કડવી, નકામી સ્મૃતિઓ સરી ગઇ !

પોતીકા સ્થળે પાછા ફરવું

કેટલું સુખદ

કેટલું જાજરમાન લાગે છે ! ……….કૌમુદિની શુક્લ

એક સ્ત્રી જ લખી શકે એવી કવિતા, એક સ્ત્રી જ અનુભવી શકે એવા મનોભાવ. દરેક સ્ત્રીને પોતાની જ વાત લાગે એવી સાવ નાનકડી, સરળ છતાં સ્પર્શી જાય એવું આ કાવ્ય છે. બહારગામ જતી સ્ત્રી હંમેશા ઘરને પોતાની છાતીએ વળગાડીને સાથે જ લઇ જતી હોય છે. પોતાના જવા અંગે એ જેટલી તૈયારી નહીં કરે એટલી તૈયારી એણે પોતાનું ઘર છોડતાં કરવાની હોય છે. એના બહાર ગયા પછી જો સંતાન કે પતિ ઘરમાં રહેવાના હોય તો તો પાર વગરની સૂચનાઓ આપવાની સાથે પોતે પાછી આવશે ત્યારે ઘરની કોણ જાણે કેવી દશા હશે એ ચિંતાનું મોટું પોટલું એ લઇને જશે. જો ઘર બન્ધ કરીને જવાનું હોય દૂધવાળા, ધોબીને સુચનાઓ આપવાથી માંડીને ખાવાપીવાનો ચીજોના નિકાલ કે ફ્રિઝમાં સ્ટોરેજ, ઘરમાં બધું ઢાંકેલું રહે એ વ્યવસ્થા અને ખાસ તો બારીબારણાં એવી રીતે પેક બંધ કરવા કે ઘરમાં બહુ ધૂળ ન ભરાઇ જાય ત્યાં સુધીનું કામ એનો કેટલોય સમય લઇ લેશે !!

ઘરની સફાઇ અને વ્યવસ્થા એ એક ગૃહિણી માટે બહુ મહત્વનો મુદ્દો છે. બહારગામ જતી વખતે એ એની ઉપર પ્રખર સ્વરૂપે ત્રાટકે છે. આ કાવ્યમાં બે મજાની વાત ડોકિયું કરીને ગોઠવાઇ જાય છે અને નમણાશથી વીંટળાઇ વળે છે. એક છે પોતાની એટલે કે ગૃહિણીની ગેરહાજરીમાં ઘરમાં પ્રસરી ગયેલી ધૂળ અને બીજી વાત સ્વગૃહે સુખદ પ્રવેશ. અહીં મજાની વાત એ છે કે જે ધૂળથી ગૃહિણી રોજ કંટાળતી હોય છે એ જ ધૂળ બહારથી પાછાં ફરતાં અંતરંગ સખી લાગે છે. કારણ બસ એક જ કે ધરતીનો છેડો ઘર.

ઘરની ધૂળને નટખટ બતાવવી અને એનું હાઉક કરીને સખીની જેમ વળગી પડવું, અહીં કાવ્ય બને છે. સાવ સાદીસીધી વાતને કેવી ચોટદાર બનાવી દીધી છે !! ગૃહિણી અથવા આપણે કહીએ કે કવયિત્રી આ થોડાક શબ્દોમાં ફરીને બાળપણમાં પ્રવેશી જાય છે. નાનકડી સખીઓ એની પાસે પહોંચી જાય છે. કોઇ એની આંખ દાબે છે કે કોઇ એને હાઉક કરે છે !! અને વળી પછીની પંક્તિઓમાં એ પોતાના મૂળ સ્થાને, મૂળ રોલમાં પાછી ફરે છે.

સ્વગૃહ પ્રવેશ આમેય સુખદાયી જ હોય છે. સફરની કડવી મીઠી સ્મૃતિઓ સરી પડે છે. જો કે અહીં કડવી મીઠી સ્મૃતિઓને કશેય જોડી નથી એટલે એ બહારના પ્રવાસની હોઇ શકે અને ઘરમાં સાથે રહેતાં નાની નાની વાતોમાં એકબીજા પ્રત્યે ઊભી થતી ફરિયાદો, કડવાશો પણ હોઇ શકે. થોડા સમય માટે વાતાવરણ, જગ્યા બદલાવાથી મન હળવું થઇ જાય છે અને ઘર વધારે વહાલું લાગે છે. સરવાળે પોતાના ઘરમાં પાછા ફરવું એ પ્રસંગ બની જાય છે, એ ક્ષણો જાજરમાન બની જાય છે, યાદગાર બની જાય છે.

ઘર એમાં રહેનારાઓ માટે એ માત્ર છત, દિવાલો અને બારીબારણાં જ નથી, એક ચેતનતત્વ છે અને ગૃહિણી માટે તો એ પોતાનું અંગ જ. જે બહાર ગયા પછી એ વધારે બળુંકું અને બોલકું બની જાય છે. જરૂરી નથી કે બહાર અગવડો હોય ત્યારે આવું થાય. બહાર કદાચ ઘર કરતાં બધુ સગવડોયે હોય !! સગાંસ્નેહીઓની આગતાસ્વાગતાથી ઉભરાતા આવાસ કે બહારના ચકચકિત સફાઇદાર નિવાસ પછી ઘરની ધૂળ ચિત્તમાં વહાલથી ચોંટી પડે અને પેલું ચિંતાઓનું પોટલું આપોઆપ સરી પડે…. ત્યારે પોતીકાપણાની હૂંફ રોમેરોમમાં કેવી વીંટળાયેલી છે એનો અહેસાસ ઘેરો બને….. સ્ત્રીને માટે આ સનાતન સત્ય છે કે પ્રવાસમાં ઘર સતત સંતાકૂકડી રમ્યા કરે રાખે ને ઘરમાં પ્રવેશતાં હાઉક કરે પોતાપણું….  

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: