Posted by: readsetu | મે 29, 2018

KS 333

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 333 > 29 મે 2018

બાની વાતોલતા હિરાણી   (મૂળ લેખ)

તાવડીમાં રોટલી બળતી રહે છે

બા હવે ચિંતા ઘણી કરતી રહે છે.

સાવ ધીમે બોલવા કોશિશ કરે છે

બા કજીયાથી બહુ ડરતી રહે છે.

બા કહે છે કે ઘરથી મોટું તીર્થ શું છે ?

ને પછી ઘરમાં ફરતી રહે છે.

બા અભણ છે પણ ભણેલાના કાન પકડે

કર્મથી બા કૈ અજબ લખતી રહે છે.

એમ લાગે રાતદિવસ બા નહીં પણ

થોડી થોડી જિંદગી ખરતી રહે છે. …. દિનેશ કાનાણી

માતા પર ઘણા ગીત, ગઝલ, અછાંદસ લખાઈ ચૂક્યા છે. વિષય માતા હોય પણ દરેક કાવ્યમાં જુદી સુગંધ અનુભવાય જેમાં કાવ્યને મૂકી શકાય. હમણાં મધર્સ ડે ગયો. કવિતાઓ ને સુવાક્યોનો જાણે દરિયો ઠલવાયો. કવિએ કાવ્ય તો ઘણા સમય પહેલાં લખેલું છે. કોલમમાં એને સ્થાન જાણીને મોડુ આપ્યું. એક સરસ રચના દરિયા ભેગી તણાઇ જાય ! એવું ય બને છે કે એ દિવસે માતૃપ્રેમનો થાક લાગવા માંડે !

પોતાની બા બધાને મહાન લાગે સ્વાભાવિક છે. એમાં પ્રેમ છે અને માત્ર પ્રેમ છે ! બાકી એય ગુણદોષથી ભરેલી સ્ત્રી છે. અહીંયા બાની એવી વાત છે, જેમ કે ભણેલી નથી પણ ગણેલી છે ! પણ ગમી જાય એવી વાત છે કે એક સામાન્ય સ્ત્રીની સામાન્ય દિનચર્યામાં કવિએ જુદું જોયું છે, નોંધપાત્ર છે. જેમ કે પહેલો શેર. તાવડીમાં રોટલી બળતી રહે છે, બા હવે ચિંતા ઘણી કરતી રહે છે. બા ચિંતા કરે છે અને વિચારે ચડી જાય છે એટલે સ્વાભાવિક રોટલી બળે ! નિરીક્ષણ નોખું છે. ઘરમાં કદાચ હવે વહુ આવી ગઈ છે, દીકરાઓ પુખ્ત બનીને વહેવારો સંભાળતા થઈ ગયા છે. ઘર છે તો વાસણ ખખડેય ખરા ! મતભેદ થાય પણ ખરા. બા બાબતોથી થાકી છે. એટલે ધીમેથી બોલે છે. ડરે છે કે ક્યાંક પોતાની વાતથી કોઈનું મન દુભાઈ જાય અને ઘરમાં ઝગડો થઈ જાય ! આજની બા છે. ગઇકાલની બાએ ડરવાની જરૂર નહોતી. જે ઊગે કહી શકતી. આજની સાસુએ સંભાળીને ચાલવું પડે છે, ફૂંકી ફૂંકીને પગલાં ભરવા પડે છે. ઘર મંદિર ને ઘર તીરથ ! ક્યાંય જવાનું મન હોય કે હોય, પોતાની કોઈ ઇચ્છા વ્યક્ત કરતી નથી. ઘરમાં ફરે છે ને ઘરમાં જીવન આટોપે છે.   

આને કવિ દિનેશ કાનાણીનો સ્વસંવાદ કે ડાયલોગ કહી શકાય, બા નહીં થોડી થોડી જિંદગી ખરતી રહે છે ! સીધી પણ સ્પર્શી જાય એવી વાત છે. ઘર ઘરમાં બનતી ઘટના પણ એને જોવાની કવિની રીત ! બા બા છે. જીવન સાથે જડાયેલું તત્વ. કવિ છે એટલે એને વરતાય છે કે બાની સાથે જાણે થોડી થોડી જિંદગી ખરતી રહે છે. બા જશે ત્યારે એક ઘસરકો મુકાઇ જશે. એવું પણ થાય કે મા જાણે અચાનક ઘરડી થઈ ગઈ ! એની ચિંતાની, એના ખાલીપાની, એના ક્ષીણ થતાં જતાં દેહમનની નોંધ લેવા જેટલું સંવેદનશીલ મન હોવું જોઈએ ને ! રોજબરોજની ભાગદોડની જિંદગીમાં બા સામે નજર કરવાની ફુરસદ કેટલાને હોય છે !

જો કે તોય બાને એનો ઝાઝો હરખશોક નથી હોતો કે રાખવાનું પાલવતું નથી. ખાસ કરીને એકલી પડી ગયેલી બાને ! એના માટે ચિંતા એ છે કે જેટલી રહી છે એટલી જિંદગી અને જેટલો બચ્યો છે એટલો ટેકો ! બસ એટલું સચવાઈ રહે તો આ ભવ પાર થઈ જાય !

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: