Posted by: readsetu | મે 29, 2018

KS 35

દિવ્ય ભાસ્કર > 15 મે 2012

કાવ્યસેતુ 35   લતા હિરાણી (મૂળ લેખ)  

પાંદડાનું પડી જવું

એ પાનખર નથી

વૃક્ષનો નિર્ણય છે

હવે નવું જીવન જીવવાનું.

વિલાતી કળી વચ્ચે વિલાઇ જવું

એ ભ્રમરનું મૃત્યુ નથી

એનો પ્રેમ છે હરપળ સાથે રહેવાનું.

સાગરનું તપીને વરાળ થવું બાષ્પીભવન નથી

સૂર્યની કોશિષ છે

સાગરને નભની સફર કરાવવાનું.

તારાનું ખરી પડવું

એ તેની ગફલત નથી

એની અંતિમ ઇચ્છા છે

પૃથ્વીનું કફન ઓઢવાનું.

વેરાન જંગલો વચ્ચે, ઊંચા બનીને ઊભવું

એ પર્વતનું ગૌરવ નથી

એની મજબૂરી છે

સાવ એકલા બનીને જીવવાનું.

તૃણ પરનું પાણી એ ઝાકળ નથી

એના આંસુ છે

શું નભને મારે ક્યારેય નહીં અડવાનું ?…… છાયા શાહ

છાયા શાહનું આ ગદ્યકાવ્ય અનેક પ્રાકૃતિક પરિસ્થિતિઓને જરા જુદી દૃષ્ટિથી નિહાળે છે. ચારેબાજુ પૃથ્વી પર જે કંઇ ફેલાયેલું છે અને એના જે રૂઢ અર્થઘટનો માનવીના મનમાં ગોઠવાઇ ગયાં છે ત્યારે આ જુદો દૃષ્ટિકોણ આંખને અને મનને આકર્ષે છે. અહીં એક કવિનો, એક ચિંતકનો સ્વભાવ પ્રગટ થાય છે.

કવિતાની શરૂઆતમાં એટલે કે પ્રથમ છ લાઇન સુધી એક પોઝીટીવ એપ્રોચ પડઘાય છે. પ્રથમ બે પંક્તિ વાંચતાં જ મન પ્રસન્ન થઇ ગયું. પાંદડા ખરે એને પાનખર કહેવાય એ નાનું બાળક પણ જાણતું હોય. અહીં પાંદડાના ખરવામાં કવયિત્રીને વૃક્ષનો નવું જીવન જીવવાનો નિર્ણય દેખાય છે અને હું માનું છું કે આ શબ્દો વાચકના મન સુધીયે નવી કૂંપળની જેમ ફૂટશે. કળીની બન્ધ પાંખડીઓમાં ભ્રમરનું મૃત્યુ. આ ઘટનામાં ભ્રમરની ફૂલ સાથેની અખંડ પ્રીત, પુષ્પ સાથે જોડાયેલા રહેવાની એની અતૂટ ઇચ્છા પણ ભાવકને પ્રસન્ન કરી જાય. અને એવું જ સાગરના પાણીનું બાષ્પીભવન થવું. સૂર્ય અને સાગરની મીઠી મૈત્રી વાચકને સુહાની સફરની મોજ આપી દે છે…

હવે આખાયે કાવ્યનો પ્રવાહ બદલાય છે, મિજાજ બદલાય છે, ભાવ બદલાય છે. તારાનું ખરવું એની નિયતિ કે પ્રકૃતિ ન રહેતાં એનું પૃથ્વીના કફનમાં સમાવું બની જાય છે. જંગલોને વેરાન બતાવ્યાં છે અને એમાં એકલાં ઊભા રહેવું એ પર્વતની મજબૂરી દર્શાવાઇ છે. ઘાસ પર વેરાયેલી ઓસબુંદો, નિરાશાના આંસુ તરીકે વર્ણવાઇ છે. આમ પછીની છ પંક્તિઓમાં વેરાયેલી કલ્પના જબરી નિરાશા અને દુખ પ્રગટાવે છે. જાણે પર્વતની ટોચ પરથી ખીણમાં.. અડધું કાવ્ય સુખનું ને અડધું કાવ્ય દુખનું !!

એ હકીકત છે કે સુખ અને દુખ એ જીવનના અવિભાજ્ય અંગ છે. દિવસ છે તો રાત પણ છે અને પૂનમ પછી અમાસ છે જ. જીવનમાં હાસ્ય અને રૂદનનું સહઅસ્તિત્વ છે એમાં કોઇ અપવાદ નથી. તોયે આ કૃતિમાં આશા અને નિરાશા બન્ને સૂરની સંવાદિતા ચકાસવા જેવી ખરી. દરેક પંક્તિમાં વ્યક્ત થતી સંવેદનાનું મૂળ પ્રાકૃતિક ઘટનાઓ જ છે અને આ ઘટનાઓના અર્થઘટન ક્યાંક પોઝીટીવ અને ક્યાંક નેગેટીવ, એ એની એક કાવ્યકૃતિ તરીકેની મૂલવણીમાં નડે છે. અલબત્ત દરેકનો પોતપોતાનો અભિપ્રાય હોય કેમ કે એક નવી રચના જન્મ લે પછી એ સર્જકની નથી રહેતી. એ વાચકની બની જાય છે અને દરેક વાચક પોતાના અભિગમથી એને મૂલવે છે. એ રીતે આ કાવ્ય પોતે જ દરેક દૃષ્ટિબિંદુ સાથે સમતા સાધશે અને કૃતિને મોકળાશમાં વિહાર આપશે.

 

 

 


Responses

  1. Vaah

  2. ખૂબ ખૂબ આભાર.


readsetu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: