Posted by: readsetu | મે 30, 2018

KS 36

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 36 > 22 મે 2012

ગૃહિણી સુખી છે – લતા હિરાણી    

ગૃહિણી સુખી છે

એના હોઠ પર તરતું રહે છે સ્મિત

ગાઇ બજાવીને કહે છે કોઇ જો કડવાં વચન

ગૃહિણી ખોટું નથી લગાડતી

ફક્ત માથું નમાવી દે છે

ગૃહિણીને ભૂખ ઓછી લાગે છે

થાકતી નથી એ કોઇ દિવસ

વહેલી સવારે જ્યારે દુનિયા ગાઢ નિંદ્રામાં હોય છે

ત્યારે એના સ્વપ્નામાં આવે છે ઝાડુ

ગૃહિણી સ્વપ્નામાં પણ ઝાડુ કાઢતી રહે છે

ગૃહિણીને કોઇ જ્યારે પૂછે છે

તે કેમ છે, કેવો છે ઘર-સંસાર

ત્યારે ગૃહિણી કહે છે, સારા છે બધા

બહુ ધ્યાન રાખે છે મારું

આમ કહીને ભાગે છે ગૃહિણી

મોઢું દબાવીને નળ તરફ

મોં ધોઇને ગૃહિણી જ્યારે પાછી આવે છે

ત્યારે એના હોઠ પર તરતું રહે છે સ્મિત

ગૃહિણી બહુ સુખી છે

માત્ર નળ તરફ દિવસમાં ઘણી વાર જાય છે….. વિનોદ દાસ અનુવાદ સુશી દલાલ

ગૃહિણી, ગૃહલક્ષ્મી, ઘરની શોભા કેવાં મજાનાં વિશેષણો લગાડ્યાં છે આપણે ઘરની સ્ત્રી માટે !! આ આપણા સંસ્કાર છે, રીતરિવાજ છે, પરમ્પરા છે અને એનું આપણને ગૌરવ છે અને હોવું જોઇએ. પણ વાસ્તવિકતા શું છે ? ભારતની મોટા ભાગની મધ્યમવર્ગીય ગૃહિણીની આ હાલત છે જે ઉપરના ગદ્યકાવ્યમાં વર્ણવાયેલી છે. ગદ્યકાવ્યની વિશેષતા એ છે કે એકદમ સરળ અને સહજતાથી વહ્યે જતી વાતને અંતે એવી ચોટ છોડી દે કે ભાવક ઘડીભર ખળભળી ઊઠે !!

એક સ્ત્રી એટલે કે એક ગૃહિણી વહેલી સવારે ઊઠીને કામે ચડે, આખા ઘરની તમામ જવાબદારીઓ એને માથે ખડકાયેલી હોય અને એનો બોજો એ ઘરથી બહાર જાય ત્યારે પણ ન જ ઊતરે એ લગભગ એના શ્વાસ ચાલે ત્યાં સુધીની વાસ્તવિકતા હોય એ વાત આપણે બધાં જાણીએ છીએ. ઘરમાં કોઇ એને કડવાં વચન કહે તો એ ખોટું નથી લગાડતી કેમ કે ઘરની સુખશાંતિ એણે એકલીએ જાળવવાની હોય છે. એ ડહોળાય તો સ્વાભાવિક રીતે જ વાંક એનો ગણવામાં આવે છે તો ચૂપ કેમ ન રહેવું ? મહેમાન આવે તો સરભરાનો ભાર એનો છે. અંદર ભલેને ઝંઝાવાત ફૂંકાતા હોય, ટ્રેમાં પાણીના ગ્લાસ સાથે એણે હસતે મુખે જ હાજર થવાનું છે !! એના સ્મિત નીચે કેટકેટલી વેદનાઓ ને કેટલીયે મૂંઝવણો ધરબાયેલી છે !!

એ છેલ્લે જમે છે એટલે કંઇ ખૂટે તો જે છે એનાથી ચલાવી લેવાનું અથવા મને ભૂખ નથીનો ઓડકાર ખાઇ લેવાનો !! કોઇ આવેશ કે હલચલ વગર, કોઇ નકાર કે બુલંદીના પડઘા વગર, કોઇ રૂપક કે અલંકાર વગર એકદમ સીધીસાદી રીતે તદ્દન સામાન્ય ભાષામાં ગૃહિણીની જીવનચર્યા અહીં વર્ણવાય છે. થોડી પંક્તિઓ વાંચ્યા પછી એમ પણ થાય કે આમાં નવું શું છે ?  વાત અહીં સુધી જ હોત તો ચાલત પણ આ નજરે દેખાતી વાસ્તવિકતાના પડદા પાછળ એક કડવું ને વસમું સત્ય કાળાધબ્બ ચહેરે પડછાયા કરે છે, મુંગું મુંગું પડઘાયા કરે છે અને એ છે ગૃહિણીનું દિવસમાં અનેક વાર નળ તરફ જવું…..

ગૃહિણી બહુ સુખી છે

માત્ર નળ તરફ દિવસમાં ઘણી વાર જાય છે…..

આટલા શબ્દોમાં ન કહેવાયેલું બધું ઠલવાઇ જાય છે. એક ભારતીય મધ્યમવર્ગીય નારીની વાસ્તવિક જિંદગીનો ચિતાર રજૂ થઇ જાય છે. એ ઘરમાં રહે છે, કુટુંબમાં રહે છે પણ એની વહારે ધાનાર કોઇ હોય તો તે છે નળ !! તે કેમ છે અને તેનો ઘરસંસાર કેવો ચાલે છે એ પૂછનાર તો પોતાનાં જ છે… પણ એની પાસે સચ્ચાઇનો પડદો ખોલી શકાતો નથી. કદાચ રૂદનના રેલા એટલે જ ઊભરાય છે. પોતાની વ્યથા કહી કોને દુખી કરવા ? માતા-પિતાને ? ભાઇ બહેનને ? સખીને ? ના રે.. અને ત્યારે દબાવેલ ડુસ્કું અને સંતાડેલ આંસુના મારગ મોકળા કરવામાં એની વહારે ધાય છે આ નળ !! નળ તરફ જવામાં સામે ઊભેલી વ્યક્તિ તરફ પૂંઠ ફેરવી શકાય છે, ચહેરો સંતાડી શકાય છે. વળી નળના વહેતા પાણી સાથે બધું વહી જાય એ જુદું !!

અલબત્ત આ કાવ્યના બે પાસાં છે. આ વાત આપણી છે અને આપણી નથી. સ્ત્રીસ્વાતંત્ર્યના વાયરા સાથે શહેરની સ્ત્રીઓ જ નહીં, ગામડાંની સ્ત્રીઓય ઘણીવાર બહુ બળુકી નજરે પડે છે ખરી… એક ચોક્કસ વર્ગ છે જેને આ કાવ્ય વાંચતા અવાસ્તવિકતા પણ અનુભવાય. પણ તમે જ કહો, આજકાલની સિરીયલોમાં દર્શાવાતી સાસુ-વહુ આવા ચારેકોર પથરાયેલા વર્ગનું પ્રતિનિધિત્વ નથી કરતી ? હા, એ સિરીયલ છે એટલે એના નિર્માતા વહુને ઊંઘમાંયે શણગાર સજેલી અને મેકઅપ કરેલી ભલે બતાવે પણ સાસુનો રોફ અને દાબ કે નણંદ, દિયર, પતિના પ્રતાપ ઘટ્યાં છે ખરાં ? જવાબમાં મોટેભાગે ના જ આવે અને એ મૂળવાત હજીયે જીવાતા જીવનની છે.. કવિ કંઇ આકાશમાંથી નથી ટપકતો, કવિતાયે વાદળમાંથી નથી વરસતી… આંખ અને કાન ખુલ્લાં રાખીને આસપાસ ધબકતા જીવનને સંવેદનારા હૃદયના આ શબ્દો છે !! સ્મિત પાછળ છુપાયેલા આંસુને અને હાસ્ય પાછળ સંતાયેલા ડુસ્કાંને પીઠ પાછળથીયે જે જોઇ શકે છે, નળના પાણીના અવાજ કરતાં જે જુદા તારવી શકે છે એ હૈયાના આ શબ્દો છે. એટલે જ મારી તમારી નહીં તો યે કેટલીયે – હજારો લાખો જિંદગીનું આ સત્ય છે એ કબુલવું જ પડે !! આ કાવ્ય એક મોટા વર્ગનો આયનો છે એ સ્વીકારવું જ પડે !!  

Advertisements

Responses

  1. માફ કરજો. આ વીસમી સદી સુધીની વ્યથા કથા છે. એકવીસમીના હાલ ઊંધા છે !


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: