Posted by: readsetu | જૂન 1, 2018

KS 37

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 37 > 29 મે 2012

સુગંધનો વઘાર અને સ્નેહનો તહેવાર –  લતા હિરાણી

બાસમતી ચોખાની મીઠી સુગંધ સમું ફરતું રસોડામાં કોઇ

કૂકરની સીટીમાં વહાલની સિસોટીને સાંભળીને શરમાતું કોઇ

ચાંદનીને રેડીને લોટ કોઇ બાંધે ને થાળીમાં અજવાળું થાય

ઓરસીયે રોટલીની જગ્યાએ પૂનમનો આખોય ચન્દ્રમા વણાય

દાઝી ના જાય ચૂલે એકે સંબંધ એમ પળપળને સાચવતું કોઇ…………

આખું આકાશ જાણે જમવા પધારવાનું : હૈયામાં એવો તહેવાર

ઉનાળે બાફીને અથવા ચોમાસામાં સ્મિત મૂકી થાતો વઘાર

જીવતરની મોસમને ભાણામાં પીરસીને અંદરથી ગભરાતું કોઇ …… મુકેશ જોષી

તાજાં મસાલેદાર ખુશ્બોભર્યા સ્વાદિષ્ટ ખાણાં જેવું આ મઘમઘતું આ ગીત વાંચીને મન પ્રસન્ન થઇ જાય અને મસ્તીનો ઓડકાર આવે એવું છે ને !! વાત રસોઇના પ્રતીકોથી છે, ભોજનની આડશે ભાવ પીરસાયા છે, એટલે આપણે ય એ જ ભાષામાં વાત કરીએ !! અલબત્ત નવવધુનું રસોડામાં ફરવું એ અહીં એના પ્રિયતમની દૃષ્ટિએ આલેખાયું છે, સાસુની દૃષ્ટિએ જોવામાં વળી જુદું કાવ્ય લખવું પડે !!

કવિતાના ગીતતત્વમાં લયની સોડમ ભરપૂર છે. રસોડામાં ફરતી નવવધુને બાસમતી ચોખાની મીઠ્ઠી સોડમ સાથે સરખાવતી કવિની કલ્પનશક્તિ મનમા સ્વાદના ને સંસ્મરણોના ફુવારા છોડી જાય છે. આ ગીત વાંચીને કોને પોતાના લગ્નજીવનના શરૂઆતનાં વર્ષો યાદ ન આવે ? પતિ ભલે ક્યાંક બહારના ઓરડામાં બીજા કુટુંબીજનો સાથે વ્યસ્ત હોય પણ એનું રોમેરોમ પેલી બાસમતીની સોડમથી મહેકી રહ્યું છે. પ્રિયા પડખામાંથી દૂર જ ક્યાં થઇ છે ? આખી રાતના અનરાધાર સ્પર્શે બેયને હજી પગથી માથા સુધી તરબોળ રાખ્યાં છે…. એટલે પ્રિયાની નજર સામે વાગે છે કૂકરની સીટી પણ એને સંભળાય છે પેલી વ્હાલની સિસોટી, જે રાત્રે વ્હાલમજીએ એને બાથમાં લઇને કાનમાં ફૂંકી હતી.. ત્યારેય શરમથી એના રોમેરોમ રણકી ઊઠ્યા હતા અને અત્યારે ગાલમાં શરમના શેરડા..

કવિએ રસોડાના વાતાવરણને રોમાંટિક બનાવી દીધું છે. જમતી વખતે થાળીમાં રોટલીને બદલે પૂનમના ચાંદ જેવો પત્નીનો ચહેરો દેખાય છે !! જીવનની દશે દિશામાં છવાઇ ગઇ છે પોતાની પ્રિયા !! અભિવ્યક્તિ અલગ, ક્રિયાઓ અલગ પણ વાત બન્ને પક્ષે એક જ છે…પતિને જમાડવાની વાત રૂટિન ન રહેતાં એક મીઠો તહેવાર બની જાય છે…. રસોઇ બનાવવાની પ્રક્રિયાની પાછળ નવવધુના રૂપનું ને એના હૈયાનું એવું તો રૂપાળું ને રસદાર વર્ણન છે, પછી એ લોટ બાંધવાની ક્રિયા હોય કે વઘારની !! અહીં રંગ, રૂપ ને રોમાંસનો છલકાતો તહેવાર છે.

જીવતરની મોસમને ભાણાંમાં પીરસીને અંદરથી ગભરાતું કોઇ.. પ્રેમથી ભાણું પિરસાય ત્યારે પોતાનું ઉત્તમોતમ જ એમાં હોય. સ્ત્રી પોતાના જીવનની શ્રેષ્ઠ અવસ્થા, માધુર્યથી છલકાતી મોસમ પતિના ભાણામાં અહીં પીરસી રહી છે. પ્રેમ એકત્વમાં પલટાઇ ગયો છે… એકમેકમાં ઓગળી જતી ઘડીઓનો સ્વાદ, પ્યાસ અને તૃપ્તિના સીમાડાઓને વળોટી બેય કાંઠે વહી રહ્યો છે…અને તોયે મુગ્ધાવસ્થાનો ખળભળાટ, એને ગમશે ? શું ગમશે ? એવો અંદરનો ગભરાટ હજુ ગયાં નથી.. સ્વર્ગની સીડી જેવી અવસ્થાના કલ્પનને કવિએ વાસ્તવની સીમાઓમાં સરસ રીતે લપેટ્યું છે

આ તો થઇ બાહ્ય વાતો… હૈયું એનાથીયે ચાર ચાસણી ચડે એવું છે… એટલે રોમાંસની સાથે સમજણના સાજ પર ગવાતો રૂડો રાગ પણ છે. નવવધુનો રૂપાળો ખિલેલો ચહેરો, પીરસવાનો ઉમળકો અને સાથે સાથે પારિવારિક સંબંધોના તાર સુરમાં જ ગુંજ્યા રાખે એની પૂરેપૂરી કાળજી લેવાય છે. સંબંધોને સાચવી લેવાની સ્ત્રીની આવડત રસોડાને, ઘરને ને આખા જીવનને મધુર બનાવી દે છે. પતિની આંખોમાં અંજાયેલ રહેતું પત્નીનું સ્મિત, રસોડાની બાફી નાખતી ગરમીમાંયે સાથ નથી છોડતું. કલ્પન અને પ્રતીકો રસોઇનાં છે, એની પાછળ છલકાતી રસાળતા સમગ્ર જીવનને આવરી લે છે.

આ નર્યું જીવનકાવ્ય છે. સીધી લગ્નથી શરૂઆત કરીએ તો પણ શરૂઆતનો સંવનનનો સમય એ રસોડા અને બેડરૂમની આસપાસ ભમ્યા કરે છે…. સ્વાદ ભોજનનો અને સ્વાદ શરીરનો… યાત્રા અહીંથી શરૂ થઇ ધીમે ધીમે એકબીજામાં ભળવા, ઓગળવાની ક્રિયામાંથી પસાર થતી આખરે અન્યોંન્ય સમજણ અને સંવાદિતાના મધુર સેતુ સુધી પહોંચે – એ આખોય આહ્લાદક રસ્તો અહીં કલાત્મક રીતે ચીંધી દીધો છે !!  

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: