Posted by: readsetu | જૂન 13, 2018

KS 334

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 334 > 5 જૂન 2018

ગમેલી વાતો   લતા હિરાણી

ચોક પર આકાશના રમતી બપોર !
ધોમ ધખ ધીખે ધરા ચઢતી બપોર !

જાગતાં ભાખોડિયા ભરતી બપોર !
રાતના પાછોતરે ગમતી બપોર !

ઊના ઊના વાયરે દળતી બપોર !
લાવશે વરસાદ આ કળતી બપોર !

મ્હૉર જાણે લીમડે અમરત ઝરો,
ચૈત્રના તડકા લઈ ફરતી બપોર !

જેઠ ને વૈશાખ તે ભારે કરી,
ગાલ ના કર લાલ તું બળતી બપોર ! ……….. નિશિ સિંહ

બળબળતી બપ્પોરનો અનુભવ આજકાલ સૌનો છે. પર્યાવરણની ઐસીતૈસી કરવાવાળા માનવોએ પ્રકૃતિના બેહાલ કર્યા જ છે, એનું પરિણામ સ્વાભાવિક એણે ભોગવવું જ પડે. આજે વિશ્વાપર્યાવરણદિને સૌને ઝાડનો શીતળ છાંયડો મળે એવી શુભેચ્છા આપું. અલબત્ત કામ આજથી શરૂ કરીશું તો દસેક વર્ષે એનું થોડું પરિણામ મળે ! ચૈત્ર વૈશાખના લૂ ઝરતા વાયરા પર અનેક કાવ્યો લખાયેલા છે. ખરેખરી બપોરનો અનુભવ તો મનની તમામ સંવેદનાઓને ખતમ કરી નાખે એવો આકરો હોય પણ કવિ જેનું નામ ! નિરાંતે બેસી એ સંવેદનાને ફરી વલોવી શકે ! જો કે અહીં સવારે ભાખોડિયા ભરતી બપોર અને બપોરે લીમડાનો અમ્રુત સમાન છાંયો આપતી બપોર ને પાછલી રાત (બપોર તો નહીં પણ ઠંડો પડેલો વાયુ એવો કાંઈક અર્થ ઘટાવી શકાય) પણ વર્ણવાઈ છે…..  ઊના વાયરા ને ચામડી લાલ લાલ એ સર્વસામાન્ય લક્ષણ ખરા ! ભાવની પ્રસ્તુતિમાં આ રચના ગમે એવી છે, વળી સામયિક ખરી જ.

સ્ક્રીન પરથી શોધેલી, આ કવિએ લખેલી બીજી પંક્તિઓ પણ માણીએ.       

નથી દર્દ સૌના અકારણ પ્રભુઅપેક્ષાઓ હાવી થતી હોય છે !

મરે રોજ ઈચ્છા હું કાતિલ નથીઅકુશળ આ હાથે જણી હોય છે !

હાથે કરીને દર્દ વહોરી લેવાની કળા માનવીમાં જ હોય છે. માણસનું મન જ એવું સંકુલ છે કે પાસે રહેલા સો સુખ એને ન સ્પર્શે અને કદીક આવતીકાલના વિચારે તો કદી સાવ કાલ્પનિક દુખો ઊભા કરી લેતા પણ એને સારું આવડે. આ મનની માયા ! અલબત્ત એનાથી અલિપ્ત રહેવું બહુ અઘરી બાબત છે. સંતો પણ એના મોહપાશમાંથી સાવ છૂટવા અસમર્થ હોય એમ કહી શકાય. ‘ઇચ્છા… અકુશલ હાથે જણી હોય’ આ પંક્તિ પણ સરસ થઈ છે. માત્ર ઇચ્છા કરવી જ પૂરતી નથી. એ પછી એના માટે સંકલ્પ જોઈએ અને જે પણ કરવું પડે એ કરવાની તૈયારી જોઈએ. અકુશળતા હોય હાથની ને મનની ! અહીં મન વધુ ઉપયુક્ત છે.   

છો પ્રખર પણ ઓ પવન ધીમા વહો

ઠેઠ લગ તારી થશે ના એ સુગંધ !  

અહી કવિએ સરસ અને માર્મિક વાત કરી છે. માનવસ્વભાવ પર એક ચાબખો છે. મદથી ભરેલું મન ક્યારેક સમજતું નથી કે યશ, માન, ધન હંમેશા સાથે રહેવાના નથી. આ બધું સ્વભાવથી જ બેવફા છે ! એટલે અત્યારથી જ સંભાળીને ચાલો ! એના જવાનું દુખ ન થાય કે ઓછું થાય ! 

અને આ છેલ્લી સરસ પંક્તિઓ

મારી નથી પિછાણ તને ઓળખુંય શું ?

સારી પેઠે મનેય મેં મારી કરી નથી.

જાતને જાણવાની વાત તો દૂર રહી, એની સમજ પણ બહુ ઓછામાં હોય છે. જીવન આખું વીતી જાય છે, હજારો ઓળખાણો થાય છે, સેંકડો સંબંધો બંધાય છે, અનેકો સાથે આત્મીયતા થાય છે પણ આખરે જેની પૂરેપૂરી પહેચાન થવી જોઈએ એ ‘સ્વ’ તો અજાણ્યો જ રહી જાય છે. જાતને જોવી સહેલી વાત નથી. કેટલાય અજાણ્યા ખૂણાઓ માનવીને ડરાવતા હોય છે. આશ્ચર્ય એ વાતનું છે કે આ અજાણ્યા ખૂણાઓ માનવી પોતે જ સંતાડીને બેઠો હોય છે. પોતાની મર્યાદાઓ, ઉણપો સ્વીકારવી માનવીને ગમતી નથી. એને નજરઅંદાજ  કરવામાં એ સતત પોતાની શક્તિ વેડફતો રહે છે કેમ કે આખરે એ ક્યાંક ને ક્યાક એને હરાવતી જ રહે છે. એવે સમયે માનવી એ દોષનો ટોપલો બીજે ક્યાંક ઢોળવા માટે મચી પડે છે. એમાં મળે છે ક્યારેક હાર ને ક્યારેક હતાશા !  બસ આમ જીવનનું ચક્કર પૂરું થાય છે !!   

Advertisements

Responses

  1. ખુબ સુંદર

  2. આભાર નરેનભાઈ.


NAREN ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: