Posted by: readsetu | જૂન 14, 2018

KS 38

કાવ્યસેતુ 38  લતા હિરાણી 

નહીં તો વહી જઇશ હું…

મન થાય છે કવિતા લખવાનું

ઘણું  મન થાય છે કવિતા લખવાનું

હવે તો લોકો પણ કહેતા થઇ ગયા છે

ચાલુ રાખજે શબ્દોને સાધવાનું

પણ હમણાંથી કોઇ પ્રાસ નથી મળતા

છંદ તો શું, કડીઓના જોડકણાં પણ નથી જડતાં

વિચારોના વાવડ લાવે એવા કલ્પનાના કાસદ પણ નથી મળતા

ખરે જ કવિતાના ખોવાયા છે હા,

પ્રેરણા, હાર્દ અને લાવણ્ય સઘળાં

જુઓને, કર્તવ્યોના કાટમાળ વચ્ચેથી

મનોવિહારના મોકળા મારગ નથી મળતા

અને એટલે જ તો આજકાલ

કાગળ ઉપર કલમના કોઇ પાદચિન્હ પણ નથી મળતા

આમ છતાંય, આમ છતાંય હું આશાવાદી છું કે

એકદા ખુદ કવિતા મને ઢંઢોળતા કહી દેશે કે

લખી લે, લખી લે મુજને,

પળ જ નહીં ચુકતી

નહીં તો વહી જઇશ હું ….. મુનિરા અમી (ઇન્ક & આઇ મુનિરાના બ્લોગ પરથી)

 

એક ગૃહિણી, જે સર્જક છે, કલમસેવી છે એની આ વ્યથા છે. કદાચ તમામ સ્ત્રી સર્જકોની વત્તેઓછે અંશે આ વ્યથા હશે. જે સર્જક છે એના હૃદયમાં અવનવા સ્ફૂરણો થયાં જ કરતાં હોય છે. ક્યાંય કૃતિ એમ જ સાંગોપાંગ ઉતરી નથી આવતી. પહેલાં મનની અંદર એક બીજ ફૂટે અને અંદર હલચલ મચાવી દે. ક્યારેક એ શાંત સળવળાટ કરે, ક્યારેક બોલકું બની જાય, ક્યારેક હળવેકથી સળી કરે, ક્યારેક ભરતીની જેમ ઉછળે. એને સાચવવું હોય તો તરત કાગળ પર ઉતારી લેવું પડે, ભલે એ કાચું હોય. પછી એને જરૂર પૂરતા ઘાટઘૂટ અપાય અને એક કૃતિ સર્જાય.

આ મૂળ તત્વ છે જે પૂરેપૂરું અંદરથી જ ઊગતું હોય. એ પોતાની અંગત સંવેદના હોઇ શકે કે આસપાસની ઘટનાનો પ્રતિભાવ. ક્યારેક બહાર બનતી ઘટના કે સંપર્કમાં આવતી બાબતોના પડઘા રૂપે પણ કશુંક નવું સૂઝે અને એ લખવું જરૂરી બની જાય. પણ મૂળ વાત એ કે એને ત્યારે જ અથવા બની શકે એટલી જલ્દી કાગળ પર ઉતારવું પડે ખરું. નહીંતર એનું બાષ્પીભવન થઇ જવાના શક્યતા પૂરેપૂરી !! 

સ્ત્રીના શિરે એના સંસારના વહનની મોટી જવાબદારી હોય છે. ખાસ તો એ કે કામના સમયે એ મોટેભાગે બાંધછોડ નથી કરી શકતી. પતિને ઓફિસે જવાનો ટાઇમ થયો હોય એટલે ગરમ ગરમ રોટલી પીરસવાની હોય, બાળકોને સ્કૂલે જવાનું હોય અને એના દફતર, વોટરબેગ, લંચબોક્સ વગેરે તૈયાર કરવાના હોય, સાસુ કે સસરાની જરૂરિયાત જરાય પાછી ઠેલી શકાય એમ ન હોય, મહેમાનો આવી ચડ્યાં હોય અને એમની બધી વ્યવસ્થા કરવાની હોય અને મધ્યમવર્ગની ગૃહિણી માટે સળગતો સવાલ તો કામવાળીને એટેંડ કરવાનો !! હવે તો પતિના ટાઇમને સાચવવા કરતાં વધારે ઇમ્પોર્ટંટ વધારે નોકરના ટાઇમને સંભાળવાનું બની ગયું છે !! નહીં તો પછી એનું ફરી નહીં આવવાનું જોખમ ઊભું જ સમજો….. આવાં ટાળ્યાં ન ટળાય એવાં કેટકેટલાં કામોની યાદી બની શકે કે જે સ્ત્રીના મનમાં કશુંક લખવાનું ઉભરાતું હોય અને એને કાગળ પર ઉતરતું રોકી લે !!

પહેલાંનાં સમયમાં શું થતું હશે ? શું ત્યારે કવયિત્રીઓ નહોતી પાકતી ? ઓફકોર્સ, એવું ન જ હોય. ત્યારેય જેમના મનમાં કવિતા સ્ફૂરતી હોય એવી સ્ત્રીઓ હતી જ… ત્યારે એ હાલરડાં, લગ્નગીતો, ફટાણાં, લોકગીતો, ગરબા, ભજન, વગેરે સ્વરૂપે પ્રગટતું. એમનાં નામો ન છપાતાં કે એમને એ રીતે પસિદ્ધિ ન મળતી એટલું જ, બાકી સર્જનનો પ્રવાહ તો અવિરત ચાલ્યો આવે જ છે..

અલબત્ત કાવ્યમાં વર્ણવેલી પરિસ્થિતિ પુરુષને પણ નડી શકે પરંતુ સ્ત્રી માટે એ વધારે નડતરરૂપ બનતી હોય છે. એ પોતાના સમયમાં એટલી સ્વતંત્ર નથી હોતી. અને એવું ચોક્કસ બની શકે કે આમ ને આમ લાંબુ ચાલ્યા રાખે તો પ્રેરણાનો પ્રવાહ સૂકાઇ જાય. સંવેદનાના ઊભરા શમી જાય. એટલે જ કવયિત્રી કહે છે કે મનોવિહારના મોકળા મારગ કર્તવ્યોના કાટમાળ નીચે દટાઇ ગયા છે. એનું જ પરિણામ છે કે છંદ, પ્રાસ કે કડીઓના જોડકણાં પણ નથી જડતાં. વિચારો આથમી ગયા છે અને કલ્પનાઓ રિસાઇ ગઇ છે. પોતે કવયિત્રી છે એટલે એનું હૃદય કકળે છે કે એની કવિતા ખોવાઇ ગઇ છે. એક સર્જકને માટે એનું સર્જન અટકવા જેટલી મોટી બીજી કોઇ ગુંગળામણ ન હોઇ શકે !!

પણ હા, વાત હજી એટલી નથી બગડી. એક સર્જક, કવયિત્રી પોતાના સર્જનકાર્યથી દૂર ન થઇ શકે.. હાથમાં સંસારની ફરજો હોય પણ હૈયામાં સર્જનના સ્ફૂરણો હોય… એના માટે એ શ્વાસ લેવા જેટલું સહજ અને એટલું જ અનિવાર્ય છે… એ કહે છે કે લખી લે, લખી લે મુજને, નહીં તો વહી જઇશ હું…….. એ શબ્દો ઓછા છે ? એ તો લોહીમાં ધબકતો લય છે…..ને એમાં શ્વસે છે, વહે છે એની કવિતા…. એ પ્રાણોમાં પરોવાયેલું પરમ તત્વ છે… એ પ્રકૃતિએ બક્ષેલું અનુપમ વરદાન છે..  

Advertisements

Responses

  1. khub sundar


NAREN ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: