Posted by: readsetu | જૂન 15, 2018

KS 39

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 12 જુન 2012

કાવ્યસેતુ 39   લતા હિરાણી  

મને એક જણ ભીડ સરીખો ભરચક લાગે

એકલપંડે ઊભો તોયે અઢળક લાગે

વાત મજાની છેડે ત્યાં તો પંખી ઊડે

જાણે કોઇ કવિતા કેરી પંક્તિ ઊડે

એ પંક્તિમાં સામે ચાલી લય બંધાયે

લયમાં ખૂબ સુરીલો એક સમય બંધાયે

પળવિપળની વાણી જાણે અબરખ લાગે

મને એક જણ ભીડ સરીખો ભરચક લાગે…………         

તપતા રણમાં ઊભો ઊભો તડકા વેઠે

પરસેવાને માણે એ તો ઝાકળ પેઠે

એના શ્વાસોમાં સૂરજ હિલ્લોળા ખાતો

આઠ પ્રહર એ ઝળહળતાનાં ગીતો ગાતો

ઝગમગ જગને પીધેલું કોઇ અચરજ લાગે

મને એક જણ ભીડ સરીખો ભરચક લાગે…….. ગાયત્રી ભટ્ટ  

આ એક મજાનું ગીત, પ્રેમમાં પડેલી સ્ત્રીનું ગીત છે. આ ગીતની વિશેષતા મને એ લાગી છે કે એ કોઇ મુગ્ધ કન્યા, સોળ વરસની તરુણીના શબ્દો નથી પણ એક પરિપક્વ સ્ત્રીના ઉદગારો છે એટલે પોતાના પ્રેમીને, મનના માનેલા એ જણ’ને જોવાની એની દૃષ્ટિ જુદી છે, કલ્પના જુદી છે, પ્રતિકો જુદાં છે અને ભાવકને એ એની રીતે ભીંજવે છે.

પોતાનો ગમતો પુરુષ, એનામાં બધું જ અભરે ભર્યું છે. એટલે એ ભીડ સરીખો ભરચક લાગે છે. એકલો છે તોયે અઢળક લાગે છે. પોતાને જે જોઇએ એ બધું જ એનામાં છે. પ્રેમ કરનાર પ્રત્યેક વ્યક્તિ એ જાણે છે કે પ્રેમમાં ત્યારે જ પડાય જ્યારે સામેની વ્યક્તિ સંપૂર્ણ લાગે, તદ્દન ખામીરહિત… (ફરિયાદો અને ખામીઓ તો પછી, ખાસ કરીને લગ્ન પછી દેખાય !! જવા દો, એ જુદી વાત છે. આપણે કવિતા રસભંગ નથી થવા દેવી.) હા, તો આ પ્રેમમાં પડવાનો સમય છે, સુવર્ણકાળ છે. જીવનનો અત્યંત રોમાંચક તબક્કો છે. જ્યારે એક વ્યક્તિમાં આખું વિશ્વ સમાઇ જાય, એ લગભગ ઇશ્વરની સમકક્ષ લાગે….. મિત્રો, આ કેટલી અદભુત ઘટના છે !! જેણે જીવનમાં આ નથી માણ્યું એનું જીવતર એળે ગયું કહેવાય !!

પ્રિયતમની વાત પંખીની પાંખો ફફડાવવા જેટલી આહ્લાદક લાગે, જાણે કવિતાની પંક્તિ ઊડતી ભાસે….. જી હાં, કવિતા એક એવું મજાનું પંખી છે જે પાંખો ફફડાવતું કવિના હૃદયનીડમાં પ્રવેશે ત્યારે એ ક્ષણો કવિને માટે અત્યંત મૂલ્યવાન અને સભર હોય છે. એ કવિતા છે એટલે એની પંક્તિ સ્વાભાવિક જ લયમાં હોય અને આ લયમાં સંગીત પણ ભળે. એક સુરીલો સમય નીપજે. દરેક ક્ષણ અબરખ બની જાય અને જીવન ખુશીની ખાણ….

પોતાનો પ્રેમી કોઇ કાચો કિશોર નથી જ. એ તપતા રણમાં ઊભો ઊભો તડકા વેઠનાર છે. એણે જીવનના સંઘર્ષો  જોયા જ નથી, ખેલ્યાં છે, સામી છાતીએ ઝીલ્યાં છે. કદાચ એટલે જ એના પર ઓળઘોળ થઇ જવાયું છે. આવનારા સમયમાં શું થશે કોને ખબર છે ? એટલે એની હૂંફે, એની ઓથે છાંયડો રહેશે એવી શ્રદ્ધા મનમાં જાગે છે. મુસીબતોની એને પરવા નથી એટલે જ એ પરસેવાને ઝાકળ જેટલો સહજ માનીને માણી શકે છે. એના માટે દિલમાં પ્રેમનો દરિયો ઉભરાય છે કેમ કે એના શ્વાસોમાં ચેતન છલકાય છે, સૂરજની જેમ બીજાને જીવન આપવાની શક્તિ એનામાં છે. પ્રકાશ એની પૂંજી છે અને ગાયન એની મૂડી. એટલે એ સમયને પોતાની પાંખમાં ભરી શકે છે. જગને જીતી શકે છે અને આ બધાં પછીયે એ ઝળહળતો રહે છે, મુંઝાતો નથી કે વિલાતો નથી….

આ ગીતની પહેલી કડી પ્રેમીના હૈયાના સુર અને લયની નમણાશ લઇને આવી છે તો બીજી કડીમાં એ જ હૈયાની તાકાત, એના અડીખમપણાને લઇને આવી છે અને તોયે શબ્દો અને પ્રતીકો એવાં મજાનાં રચાયાં છે કે આખીયે વાતની નમણાશ, કુમાશ જરાય ઓછી નથી થતી. જાણે પર્વતના હૈયામાંથી વહેતું ઝરણું… એક પુરુષમાં વસેલી નાજુકાઇ અને સખ્તાઇ બંને વાત સ્ત્રીને એની પ્રકૃતિ પ્રમાણે કોમળતાથી વર્ણવવી છે અને આ નકશીકામ સાંગોપાંગ પાર ઊતર્યું છે.  

આવો જણ, આવો પ્રિયતમ કઇ સ્ત્રી ન ઇચ્છે ? આવા પુરુષને પામીને કોણ ન્યાલ થવા ન ઇચ્છે ? જેમને હજી આ પામવાનું બાકી છે એમને શુભેચ્છાઓ…

 

Advertisements

Responses

 1. khub sundar

 2. ખૂબ ખૂબ આભાર નરેનભાઇ…

 3. સરસ મજા નું ગીત અને ઉપર થી સુંદર રસાસ્વાદ. મજા આવી.
  આવતીકાલે આ ગીત સાથે નો રસાસ્વાદ રેડિયો પર રજૂ થશે.
  એટલે ૨૩/૦૬/૨૦૧૮ ના સબરસ રેડિયો પર. સમય બપોરે ૨-૪ યુ.કે. ના સમય પ્રમાણે.
  👌👌🎼🎧Sabrasradio.com

  • thank you Sadhna. gamyu. જો કે હું સાંભળી નહીં શકું ઇનો અફસોસ છે. મારી
   કવિતા લે ત્યારે કહેજે. કોઈક રીતે સાંભળીશ. આમેય તારો મેસેજ મેં કાલે જોયો.
   એટલે મારે જોવામાં મોડુ તો થઈ જ ગાય હતું…

   2018-06-23 0:33 GMT+05:30 સેતુ ~ લતા જ. હિરાણી
   :

   >


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: