Posted by: readsetu | જૂન 16, 2018

KS 40

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ > 19 જુન 2012

કાવ્યસેતુ 40   લતા હિરાણી 

સમી સાંજે બામાં

રાહ જોવાનો સૂર્યોદય થતો.

બાપુજીની દવાઓમાં અને અમારા દફતરોમાં 

એની સવાર પડતી.

દિવસભર બટન ટાંકતા ટાંકતા

પોતાનું એકાંત ટાંકતી.

બાપુજીના ઝભ્ભાને કે પછી સાલ્લાને

થીગડું મારતાં મારતાં 

સમયને સાંધી અકબંધ રાખતી.

જ્યારે એણે છેલ્લો શ્વાસ મૂકેલો 

જીવનમાં પહેલીવાર અમે સૂર્યાસ્ત ભાળેલો !!…. રાજેન્દ્ર પટેલ

માતૃપ્રેમનો મહિમા વર્ણવતાં ઘણાં કાવ્યો મળે છે અને એમાં અનેક કાવ્યો સીધા હૃદય સોંસરવા ઊતરી જાય એવાં હોય છે એમાનું એક આ કવિ રાજેન્દ્ર પટેલનું કાવ્ય. કાવ્યમાં સમયની એક સાંકળ રચાઇ છે સમય ઉઘડે છે, સમય બિડાય છે બાની અંદર અને એ એના સંતાનને માટે સ્વયં ચેતનનું ઉઘડવું બિડાવું બની રહે છે.

શરૂઆતની પંક્તિમાં એક નાનકડો વિરોધાભાસ રચી કાવ્ય ભાવકની સંવેદનામાં સીધો પ્રવેશ પામી જાય છે. સમી સાંજ એ બા માટે પ્રતિક્ષાનો સૂર્યોદય છે. સૌનો આતુર આંખે ઇંતજાર એ બાનું જીવનધ્યેય. અહીંયા સવાર માત્ર સવારે જ નથી પડતી. એમ તો બાપુજીને પહેલી દવા આપતાં અને બાળકોના દફતર ગોઠવતાં એની સવાર પડી જ જાય છે. પોતાના પરિવાર માટે કંઇક કરવું, કરતાં રહેવું એ એનો જીવનમંત્ર છે એટલે એ સમય એની તાજગી છે, ચેતન છે. પોતાના માળામાં પંખી છે, સળવળાટ છે અને જીવન છે. બધાં જાય છે અને સમય સ્થગિત થઇ જાય છે.

સહુના ગયા પછીનાં દિવસભરનાં કાર્યો એ સમયના બે છેડાને સાંધવાનું છે. રસોડાનું કામ, ઘરની સાફસફાઇ કે ઘરના બીજાં અનેક કામ, એનાથી પેલી સવારની ક્ષણ સાચવી લેવાની છે. મનમાં ઊગેલું અજવાળું અંધારામાં ન પલટાઇ જાય એટલું સંભાળવાનું છે. એકાંતથી જાત તૂટી ન જાય એ જોવાનું છે. દિવસભર એ સાંધ્યા જ કરે છે ; સંતાનોનું ભવિષ્ય, ઘરની સુખશાંતિ અને સૌનો રાજીપો. બાપુજીના ઝભ્ભામાં લેવાતા ટાંકામાં એની આંગળીઓમાંથી રેડાતી રહે છે તાકાત અને પોતાના સાલ્લાને સાંધતા એ સંકોરતી રહે છે બાળકો માટેનું વ્હાલ !! બા મુશ્કેલીઓ સામે ઢાલ બની ઘરની પરિસ્થિતિને, ઘરની સુખશાંતિને અને એમ આખાયે માળાને અકબંધ રાખે છે. સાંધવાની કળા માત્ર બા જ જાણે છે. એની આંગળીઓનો સ્પર્શ અને ઝીણા ટાંકામાં એના હૃદયની ભીનાશ સીંચાતી રહે છે સવારથી સવાર સુધી… આકરી બપોર એ એકલી ખમી લે છે.

બાની હયાતી દરમિયાન સંતાન હૂંફાળી સવારથી જ વિંટળાયેલા રહ્યાં…એમને સૂર્યોદયનો જ પરિચય રહ્યો.. બાની આંખમાં અને હૈયામાંથી વરસતું વાત્સલ્ય એમને સઘળી પરિસ્થિતિમાં જીવવાની તાકાત પૂરી પાડતું રહ્યું પણ જ્યારે એક દિવસ બાની આંખ મિંચાઇ જાય છે, એના શ્વાસ પૂરા થાય છે અને ત્યારે જીવનભર ભાળેલો સૂર્યોદય સૂર્યાસ્તમાં પલટાઇ જાય છે. માથા પરથી જાણે આખું આકાશ ખસી ગયું હોય એવો કવિનો અનુભવ અહીં ભાવક સુધી પહોંચે છે અને શબ્દોને વિરામ મળે છે, કાવ્ય સમાપ્ત થાય છે.

મનને ઝણઝણાવતા આ કાવ્યના શબ્દો પછીથી વિચારતંત્રને ખળભળાવે છે. ઘરમાં એક સ્ત્રી ન હોય એટલે કે પત્ની, મા ન હોય તો એ કેટલા ટુકડાઓમાં વેરવિખેર થઇ જાય ! બા સુખના સમયને સાચવીને હળવે હળવે વેર્યા કરે છે તો દુખના ઓછાયા સામે પોતાનો પાલવ પાથરી દે છે . એની દુનિયા દફતર અને દવાઓથી શરૂ થઇને પ્રતીક્ષામાં પૂરી થાય છે. એનું આગવું કોઇ અસ્તિત્વ નથી. એ ભળી જાય છે પાણીમાં દૂધની જેમ. એટલે એના ગયા પછી ઘરમાં પડઘાય છે સૂનકાર અને ખાલીપણાનો અહેસાસ..

અલબત્ત, હવે નવા યુગમાં સ્ત્રીની ભુમિકા થોડી બદલાઇ છે ખરી પણ એની મૂળ જવાબદારીઓમાં ઝાઝો ફરક નથી પડ્યો અને પડેય કેવી રીતે કેમ કે સમય બદલાય, યુગ બદલાય, વિચારો બદલાય પણ પોતાના સંતાન અને પોતાના સંસાર પ્રત્યે માતાનું સ્નેહસભર હૃદય કેમ બદલાય ? એના રોમેરોમમાંથી પ્રસરતી મમતા કેમ વિલાય ? અનેક સ્ત્રીઓને એના પોતાના વ્યવસાયમાં અને વિવિધ જવાબદારીઓમાં વહેંચાયેલી જોઉં છું અને ત્યારે પોતાના જીવનની, સંસારની પ્રાથમિક બાબતો માટે ભારે સંઘર્ષ અને જહેમત ઊઠાવતી માતાને આપોઆપ સલામ થઇ જ જાય છે અને આ નવા પરિપ્રેક્ષ્યમાંયે ઉપરનું કાવ્ય સાર્થક જણાય છે. કવિ શ્રી ભગીરથ બ્રહ્મભટ્ટના કાવ્યની પંક્તિઓ યાદ આવે છે,

નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ

તમે તીરથનું સરનામું બા અમે ભમીએ વ્યર્થ… 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: