Posted by: readsetu | જૂન 18, 2018

KS 41

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 41 > 26 જુન 2012

યે જીના ભી કોઈ જીના હૈ ! – લતા હિરાણી 

 એ કંઇક ભૂલી ગઇ છે

રોજ એમ જ બને છે, રોજની બસ ચૂકી જવાય છે

રસ્તા પર ગભરાઇને ઊભા ઊભા

અંદર ને અંદર

વ્યાકુળતાની કાળી રેતી

શોર મચાવી જાય છે.

શું ભૂલી ગઇ ગેસ સિલિંડર બંધ કરવાનું ?

બહારના બારણા પર તાળું મારવાનું ?

ઇલેક્ટ્રીક પંખો બંધ કરવાનું ?

બાળકોનું હોમવર્ક પૂરું કરાવવાનું ?

ગુસ્સાલુનો શરાબખાનામાં ખોવાયેલો રૂમાલ….

ના, આ બધું નહીં

એ કંઇક ભૂલી ગઇ છે

યાદ નથી કરી શકતી

યાદોથી ભરેલો પુરાણો માંસલ ચહેરો

એ કંઇક ભૂલી ગઇ જલ્દી નીકળતી વખતે

કાર્યાલયની ફાઇલમાં ?

રજિસ્ટરમાં સહી કરવાનું ?

ગલીની શાકની દુકાનના ઓટલા પર ?

નહીં, એ કાંઇ ભૂલી નથી

પોતાની સિવાય…. રફીક અહમદ  અનુ. જયા મહેતા 

આ મલયાલમ કાવ્ય એક પુરુષે લખ્યું છે અને પૂરી સ્ત્રીસંવેદનાની અનુભુતિથી. સ્ત્રીના અંતરતમના ઊંડાણોનો જાણે એણે તાગ મેળવી લીધો છે. પરકાયા પ્રવેશ પણ કહી શકાય એટલી ઊંડી નિસબતથી !!

એ એક નોકરિયાત સ્ત્રી છે. રોજની જેમ એણે ઘરનાં તમામ કાર્યો આટોપીને બસ પકડવાની છે પણ છેલ્લી ઘડી સુધીની વ્યસ્તતા પણ એટલી જ અને એમ બસ ચુકવાનુંયે એટલું જ સહજ. ખેર, બસ તો બીજી મળશે. રિક્ષા તો છે જ. થોડી મિનિટો ઓફીસે મોડું પહોંચાશે, કદાચ લેઇટ મસ્ટરમાં સાઇન કરવી પડશે.. પણ સમસ્યા એ નથી, કંઇક બીજી જ છે અને એ છે કંઇક ભૂલી ગયાની બળતરા. મૂળે સ્વભાવ ભુલકણો છે એટલે રોજ આવું થાય છે અને પછી શું ભુલાયું ? એ યાદ કરવાની મથામણ અંદર હોળી પ્રગટાવી દે છે.

ઘરનાં કામો એક પછી એક ફિલ્મની પટ્ટીની જેમ નજર સમક્ષ ફર્યે જાય છે. હું શું ભુલી ગઇ ? ગેસ સિલિંડર બંધ કરવાનું ? બારણે તાળું મારવાનું ? પંખો બંધ કરવાનું ? બાળકોનું હોમવર્ક પૂરું કરાવવાનું ? કે પછી સદાય ક્રોધિત રહેતા પતિનો રૂમાલ શોધી આપવાનું ? જો કે આ લિસ્ટ તો એક નમુનો છે. એ ગમે એટલું લંબાઇ શકે છે. ઘરનાં કામો અપરંપાર છે. આ સૃષ્ટિની જેમ અનંત છે અને એમ બધામાં કંઇક ને કંઇક ભુલાવું એનો સ્વભાવ છે. આ તદ્દન સામાન્ય બાબત છે.

એ કંઇક એવું ભુલી ગઇ છે જે સામાન્ય નથી. એ એને યાદ નથી આવતું કેમ કે એની ઓળખ સુદ્ધાં એ ખોઇ બેઠી છે. પોતાના યંત્રવત જીવનની ઘરેડમાં એ એવી ગુંચવાઇ ગઇ છે કે જાત સાથેનો સંબંધ સાવ ઘસાઇ ગયો છે. અહીં કવિતા સિદ્ધ થાય છે. એ પોતાનો માસુમ, માંસલ ચહેરો ભુલી ગઇ છે. સમયની થપાટે અને સંસારની પળોજણે એને પોતાનાથી વિમુખ કરી નાખી છે. એ શું હતી ? એના અરમાન શું હતા ? કેવાં સપનાંઓ પોતે જોયાં હતાં ? એ બધું જ એ ભુલી ગઇ છે. વાસ્તવના કઠોર ધરાતલ પર ઘસાઇને એની નમણી દુનિયા ધૂળમાં મળી ગઇ છે. આખાયે સંવેદનની સૂક્ષ્મતા કે ઊંચાઇ એ છે કે એ શું ભુલી ગઇ છે, ક્યાંથી ક્યાં પહોંચી ગઇ છે એની એને પોતાનેય ખબર નથી. એ તો બસ જીવ્યે જાય છે, બસની લાઇનમાં, રિક્ષા માટે ઊંચા કરાયેલ હાથમાં, ગેસ પર ઉકળતી વાનગીઓમાં કે વીજળીના બિલો ભરવામાં !! એ ખોવાઇ ગઇ છે, ઓફિસની ફાઇલોમાં ને ઘરમાં બાળકોના હોમવર્કમાં કે પતિના ક્રોધમાં… એ ક્યાં જીવે છે એની પોતાની જિંદગી ?

  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: