Posted by: readsetu | જૂન 19, 2018

KS 336

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 336 > 19 જૂન 2018

ઉરમાં ઉઘાડલતા હિરાણી    (મૂળ લેખ)

મને અંધારે ઘેલી કરી

બારણું ખોલું તો પણે ફળીયામાં ઊંઘેલું, અંધાર મુકે છે દોટ
અંધારા ઓરડામાં એકલી રહું તો મને લોકો ગણે છે સાવ ભોટ

મેં તો અંધારું ચૂમ્યું જરી, મને અંધારે ઘેલી કરી

તારાના ચમકારે ફાળ પડે સોસરવી ,ચાંદો નીકળે ને તાપ લાગે
સૂરજ તો મારે મન પારકો પુરુષ એનું મોઢું જોયાનું પાપ લાગે

હું તો કાળપને મનથી વરી, મને અંધારે ઘેલી કરી

અજવાળાં બજવાળાં માર્યા ફરે રે ભાઈ, અજવાળું કોણ, શું ,શાનું ?
અંધારું હોય ગેરહાજર ઘટના ને અજવાળું ગણી લો તો માનું

છે અંધારું તેજની ધરી, મને અંધારે ઘેલી કરી   …………………       સ્નેહી પરમાર

નાયિકા કહે છે, અંધારાને બાથમાં લેતાં તો લીધું પણ એવી તો હૂંફ, એવી તો હાશ હૈયે જડી કે હવે હું તો અંધારાને વરી ! અંધારું મને મનગમતું બધું આપે છે. જ્યારે જ્યારે પ્રિયનો સાથ હતો ત્યારે અંધારાની બાથ હતી. અજવાળું હોય તોય એને ખસેડીને ગોતી લીધું તું અંધારું ! જેને જે જોઈએ મળી જાય છે. પ્રેમીજનને અજવાળા  દુશ્મન લાગે ! અંધારું એનું દિલોજાન દોસ્ત. પ્રિયના સપના બધાં ખુલ્લી આંખે અંધારામાં ફળે. ખોવાયેલું સઘળું પ્રેમીજનને અંધારામાં મળે ને એટલે જેટલો વ્હાલો પ્રિયતમ એટલું વહાલું અંધારું

લોક ભલે ને જે કહેવું હોય કહે, ગણે તો ભલે ને ગણતા ભોટ ! મને ક્યાં કોઇની સાડીબાર છે ! મારે તો હું ને મારું અંધારું ! અંધારુય કેવું ? એમાં જોઈએ ચાંદો કે જોઈએ તારા ! એના જરીક અજવાળાય નડે ! એટલે સૂરજની તો વાત મૂકો. સુરજ જાણે પારકો જણ ! એને જોયાનુંય પાપ લાગે ! અમાસની કાળી રાત જેવુ અંધારું બારેમાસ ને ત્રણસોને પાસઠ દિવસ હોય તો હું રાજાની રાણી ! પ્રેમમાં અતિશયોક્તિ આવશ્યક છે !

આખાય ગીતમાં અંધારાની ગોઠડી એવી મસ્ત રીતે વર્ણવાઈ છે કે ભાવક ગીત પર જરૂર મોહી પડે ! શૃંગારના ભાવને મીઠડાં કાળપથી એવો ઘોળ્યો છે કે ગીતાના શબ્દે શબ્દે એનો રસ ટપકે છે. રાતના રોમાંચને અદભૂત રીતે આત્મસાત કરાયો છે. અજવાળાં બજવાળાં માર્યા ફરે રે ભાઈ કહેતા કવિએ અંધારાની સીકસર મારી છે એમ કહી શકાય. અંધારું હોય ગેરહાજર ઘટનાને અજવાળું ગણી લો તો માનું પ્રત્યેક પળે અંધારાને ઝંખતી નાયિકાના મુખે શબ્દો મૂકી કવિએ કમાલ કરી છે. અંધારાની ગેરહાજરી એટલે એનો સીધો અર્થઅજવાળું એમ થાય પણ ગીતનું રોમેરોમ અજવાળાનો ભરપૂર વિરોધ કરે છે તો વાત શી ? અહીં એનો અર્થપ્રણયની પરાકાષ્ઠાએ હૈયામાં પથરાતો હેત અને હાશનો ઉઘાડએમ કહી શકાય. હા, અજવાળાને નામે એટલું સુખનું અજવાળું ગણો તો કબુલ, મંજૂર !

સુખની ચરમ ક્ષણો મનમાં ઉજાસ ઉજાસ ભરી દે છે દરેકના અનુભવની વાત છે. મન જ્યારે ખુશીથી ભરાઈ જાય ત્યારે બાહ્ય અવસ્થા કોઈ પણ હોય, ગમે તેવી હોય પણ અંદર અજવાળું પથરાય જાય છે. એવી ક્ષણો ભલે થોડી હોય પણ ઊંડા સંતોષની હોય છે. આવી ક્ષણો માત્ર શારીરિક મિલનમાં ઊગે એવું જરાય નથી. પ્રિયના ખભે માથું ઢાળી બે આસું ટપકે અને આવી ક્ષણો પ્રાપ્ત થાય ! બે હાથમાં હાથ ભીડીને ચૂપચાપ બેસી રહેવામાં પણ ક્ષણો હૈયે ઊગે ! સવાલ અનુભૂતિનો છે અને અંદરના તાર એક થાય ત્યારે અનુભવાય. બેય બાજુ શ્વાસ સમરસ હોય તો સુંવાળપ જાગે.

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: