Posted by: readsetu | જૂન 20, 2018

KS 42

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 42 > 3 જુલાઇ 2012

રાખી કે બંધન કો નિભાના – લતા હિરાણી (મૂળ લેખ)

 શણગારેલી દીવાલના અવશેષો પોટલીમાં બાંધી દે,

બહુ કપરાં ચડાણ કરવા ચાલી હું તો

આખાં યે સોળ વરસોનું વાતાવરણ

મારી ભેગું નીકળવા હઠીલું

એને સમજાવ

કે લેણદેણ તૂટ્યાની પળ સાવ ખાલીખમ  હોય

મારાં પગલાંનો અવાજ સંભળાય

ત્યાં સુધીની ધરતી તારી.

પછી આંગણું શું ? ને સીમ શું  ને પરદેશ શું ?

પાછા ફરવાની વેળ આવેય ખરી !

આ ફર્શ પર રમવા આવતા

સૂર્યના ટુકડાઓને સાથે લેતી જાઉં છું

એનાથી પાંચીકે રમતાં રમતાં ભૂલાશે એટલું ભુલીશ

જો હવે આકાશ અંધારે ભરાય છે

બધાં પોટલાંની ગાંઠ તપાસી લે

ને આ છેલ્લી પળો ક્યારામાં રોપી દે

પછી આ બાજુથી પસાર થતા સમયને

ખબર અંતર પૂછતો રહેજે !!………….. કિન્નરી વ્હોરા

કિન્નરી વ્હોરાનું આ અછાંદસ કાવ્ય એક મધુર ભાવવિશ્વને લઇને આવે છે જેમાં સ્નેહ છે, ભરપૂર સંવેદના છે. કાવ્યને મજાનું બોલકું શિર્ષક આપી દીધું છે એટલે એ શેના વિશે છે કે કોના મુખેથી છે એ જાણવાની મહેનત કરવાની જરૂર નથી રહેતી..બહેન પરણીને સાસરે જાય છે ત્યારે વિદાયવેળાએ ભાઇને સંબોધીને આ કાવ્ય લખાયું છે. કન્યા પરણીને પિયર છોડે ત્યારે આંગણાના વૃક્ષોથીયે વિખુટા પડવું વસમું હોય, પછી સ્વજનોને છોડીને જવું કેટલું કપરું બને ?

ભાઇ, જે લગભગ સરખેસરખો છે એનાથી દૂર જવાનું છે. સાથે ઉછરેલા, સાથે રમેલા ભાઇબહેન છે. લગ્નપ્રસંગે શણગારેલી દિવાલોની સ્મૃતિઓ, અલબત અહીં કવયિત્રીએ અવશેષો શબ્દ વાપર્યો છે જેને એના રૂઢ અર્થમાં લેવાને બદલે સ્મૃતિઓના અર્થમાં લેવું વધુ યોગ્ય લાગે છે. આ સ્મૃતિઓ બહેન ભાઇને બાંધી લેવાનું કહે છે કેમ કે હવે બન્નેના રસ્તા ફંટાય છે. બહેન સાસરે જાય છે અને ભાઇ અહીં એકલો પડી જવાનો છે. જે રસ્તે જવાનું છે એ સહેલો નથી.. સ્મૃતિઓ જ મનને ભારે પણ બનાવે અને હળવું પણ.. સ્મૃતિઓને પોટલીમાં બાંધવાનું કહી બહેન કદાચ એમ પણ કહેવા માગે છે કે ક્યાંક એવું ન થાય કે સ્મૃતિઓ ઝાંખી થવા લાગે અને ભાઇના અંતરમાં એ ઊંડે દટાઇ જાય…. સઘળી યાદોને એક પોટલીમાં બાંધી સાચવી રાખજે અને મને ભૂલી જતો નહીં ભાઇ….

 

ભાઇબહેન સાથે રમેલા છે અને પિયર છોડીને સાસરે જવાની વેળા ઉંમર માંડ સોળ વરસની છે. બાળપણ પૂરું ગયું નથી અને યૌવન હજુ પગલાં માંડે છે ત્યારે પાંચીકા શેં ભુલાય… મહેંદી લાગેલા હાથો હજુ પાંચીકાનો સ્પર્શ અનુભવી શકે છે. ફર્શ પર રમવા આવતા સૂર્યના ટુકડાઓથી પાંચીકા રમવાનું  કલ્પન કાવ્યત્વથી ભર્યું ભર્યું છે. પાંચીકા રમવાનું છે અને તે પેલા લીસ્સા પથરાઓ સાથે નહીં, પણ સૂર્યના વેરાયેલા પ્રકાશકણો સાથે.. સવારની ધીંગામસ્તીની સાથે ઉગતા સૂર્યના હુંફાળા પ્રકાશે બાળપણને કેવું અજવાળ્યું છે એની વાત મજાની રીતે ગૂંથી છે. કાવ્યનાયિકાએ કહ્યું છે એમ કે ભુલાશે એટલું ભુલીશ પણ ખરેખર એ કંઇ પણ ભુલવા નથી માગતી.. એને એનું બાળપણ અને ભાઇ સાથેની, પરિવાર સાથેની સઘળી યાદોને જાળવી રાખવી છે…

જાનને વિદાયનો સમય થઇ ગયો છે. આકાશે અંધારું ઉતરે છે અને બહેન ભાઇને કહે છે, બધાં પોટલાંની ગાંઠ તપાસી લે ને આ છેલ્લી પળોને ક્યારામાં રોપી દે.. એ જાણે છે, આ લોહીનો સંબંધ છે, નાળનો સંબંધ છે. એના છેડા ક્યાંય છૂટે એમ નથી જ.. તાણાવાણા એવા દૃઢ રીતે ગુંથાયેલાં છે કે સંબંધનું વસ્ત્ર એવું ને એવું જળવાઇ રહેવાનું છે. આ વાત પોતાના તરફથી છે અને ભાઇ તરફથી પણ એટલો જ સધિયારો મળી રહે એટલે પોટલાની ગાંઠ તપાસવાનું કહી દે છે. બસ પછી તો બાકી શું રહ્યું ? વિદાયની આ છેલ્લી પળોને ક્યારીમાં રોપી દેવાનું કલ્પન ભાઇના હૈયામાં સતત સ્મરણોની કૂંપળો અને કવિતામાં કાવ્યત્વની કૂંપળો ઉગાડે છે.. સમય છે જે બેયને સરળતાથી ને સહજતાથી જોડી રાખે છે.. એની પાસે બન્ને પક્ષની બધી જ નિશાની છે.. એને ખબર પૂછી લેવા એટલે આખા આકાશને સંભાળી લેવું !!

અહીં એક વાત કહેવાનું મન થાય છે. લેણદેણ તૂટ્યાની પળ સાવ ખાલીખમ હોય એ શબ્દો ફેરવિચાર માગી નથી લેતા ? લોહીના સંબંધોમાં લેણદેણ તૂટવી અશક્ય નહીં તો અત્યંત અઘરી તો ખરી જ.. કોઇ એવા કારણોસર લેણદેણ તૂટે તોયે એ પળોની પીડાથી જીવન ભરાઇ જાય છે.. બહારથી સહજ દેખાતું જીવન પણ એવી પળૉને સાવ ભુલવામાં નાકામયાબ નિવડે છે.. એવી પળોને ખાલીખમ માનવાનું મન નથી થતું.. હા, લેણદેણ તૂટતી વેળાએ ભાવશૂન્ય બની જવાય અને આ ભાવશૂન્યપણાને ખાલીપણામાં ખતવી શકાય પણ એ સમય કોઇ જુદો જ હોઇ શકે… લગ્ન પછીની વિદાયનો નહીં..

બહેનના પગલાંનો અવાજ સ્થૂળ રીતે ન સંભળાય તોયે એ સૂક્ષ્મ રીતે વિસ્તરતો જ રહે છે, પડઘાતો જ રહે છે અને હૃદયની ધરતીને કોઇ સીમાઓ નથી નડતી….

આખાયે કાવ્યમાં બહેનનું ભાઇ પ્રત્યેનું ભાવવિશ્વ અસરકારક રીતે ઉપસી આવ્યું છે. કલ્પનમાં તાજગી છે. કાવ્યની માવજત અને પ્રવાહિતા પ્રમાણમાં સારા જળવાયાં છે.

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: