Posted by: readsetu | જૂન 22, 2018

KS 43

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 43 > 10 જુલાઇ 2012

સંવેદનની નાજુક ક્ષણ – લતા હિરાણી

એક ઝીણી ક્ષણ મને વાગી હતી !  

મેં મુલાયમ વેદના માંગી હતી !

હાથતાળી આપશે નોતી ખબર

મેં સમયની ચાલને તાગી હતી !

આંગળી મેં શબ્દની પકડી અને

રેશમી સંવેદના જાગી હતી !

મેં વિષાદી સાંજને ચાહી જરા

તો ઉદાસી રીસમાં ભાગી હતી !

લાલસા તેં હૂંફની રાખી અને

મેં અપેક્ષા સ્નેહની ત્યાગી હતી !

એટલે સપનાં ફરી આવ્યા નહીં

પાછલી રાત વૈરાગી હતી !

લાગણી થૈ ગઈ હરણ, ને પછી

પ્યાસ મૃગજળની મને લાગી હતી !  લક્ષ્મી ડોબરિયા   

નવા ગઝલકારોમાં જાણીતું થઇ ચુકેલું નામ એટલે લક્ષ્મી ડોબરિયા. આમ તો મોટેભાગે ગઝલના પ્રત્યેક શેરમાં એક જુદું જ ભાવવિશ્વ રચાતું હોય છે. અહીં પણ એ જ પ્રવાહ છે તો યે એક ઝીણી નજરથી જોઇએ તો આછી વેદના આખી ગઝલમાં સળંગ વણાયેલી વર્તાય છે..

શબ્દોનું નકશીકામ નાજુક છે. ક્ષણને પણ ઝીણી કહી છે. ઝીણી ક્ષણ શબ્દ વાંચતા જાણે કાનમાં એ રણઝણે છે. પણ આ ક્ષણ સુખની નથી, એનો સ્પર્શ વાગે છે અને કવયિત્રી તરત કબુલાત કરી લે છે કે મેં મુલાયમ વેદના માંગી હતી. પ્રભાવ ક્ષણનો નથી, એ તો નિર્વિકાર છે. પ્રભાવ ઇચ્છવાનો છે. જે માગ્યું એ મળ્યું. વેદના માગી અને કોઇ ક્ષણનું સ્મરણ આવીને ખુંચી ગયું.. અહીં મુલાયમ વેદનાની માગણી પણ એક સ્ત્રીના માનસને ઊઘાડે છે. વેદના જોઇએ છે પણ એ હૃદય સાથે જોડાયેલી, કોઇના સ્મરણ સાથે સંકળાયેલી, જે વેદના હોવા છતાં મનને શાતા આપે..

બીજા શેરમાં જીવનના સત્યને અને માનવ સ્વભાવને સરસ રીતે વણી લેવાયો છે. અહીં સમયની ચાલને તાગવાની વાત છે. ભલભલા સાધુ સંતો પણ એ કરી શક્યા નથી તો સામાન્ય માનવીનું શું ગજું ? પણ માનવી એનો મોહ છોડી નથી શકતો. પોતાની ફૂટપટ્ટી લઇને દરેક મનુષ્ય સમયને તાગવાનો અને પોતાની રીતે ગોઠવવાનો પ્રયત્ન જીવનભર કર્યા જ કરતો હોય છે અને આખરે સાંપડે છે નિરાશા જ, કેમ કે સમય કોઇનો ઝાલ્યો ઝલાતો નથી.. કોઇની ગણતરીમાં બંધાતો નથી. હાથતાળી દઇને છટકી જવું એ જ એની પ્રકૃતિ, એ જ એનો ધર્મ છે..

ત્રીજો શેર વેદનાની ગલીમાંથી બહાર નીકળી ગયેલો છે. અહીં સ્પર્શ શબ્દનો છે. શરણ શબ્દનું છે. જેવી શબ્દની આંગળી પકડી કે રોમેરોમ રેશમી સંવેદના રણઝણી ઊઠી. શબ્દને સથવારે જીવવું એ કવિનો ધર્મ છે, એનો કર્મયોગ છે… શબ્દનો સાથ એને દુખમાંયે સુખની અનુભુતિ કરાવી શકે. ગમે તેવા સંજોગોમાંયે રાહતનો લીલોછમ શ્વાસ આપી શકે. આંગળી શબ્દની પકડી એમ કહીને કવિએ પોતાની જાતને શબ્દની પાસે બાળક બનાવી દીધી છે અને એ યથાર્થ જ છે.. આખરે સાહિત્યકારે શબ્દબ્રહ્મની ઉપાસના જ કરવાની હોય છે. એમ કરતાં કરતાં એને કંઇક સાંપડે તો સાંપડે !!  

પછીના શેરમાં ફરી વાત વિષાદને અડકી ગઇ.. અલબત્ત અહીં વિષાદથી પ્રેમ થવાની વાત છે અને એનું પરિણામ એ મળે છે કે ઉદાસી રીસ ચડાવી નાસી જાય છે. એક રીતે આ વિરોધી વાત લાગે છે કેમ કે વિષાદ અને ઉદાસી પણ લગભગ અભિન્ન છે… પણ અહીં તો વિષાદને ચાહવાની વાત છે અને ચાહત પહેલાં તો ચોક્કસ સુખની પળો આપે જ.. એવું બને કે વિષાદ જ કવિનો મૂળ પ્રેમ હોય અને એનાથી ઊંડે ઊંડે ક્યાંક શાતા વળતી હોય…. એવી જ રીતે વિષાદ અને સાંજ એકમેકની સાથે જોડાયેલા છે. વિષાદ એ સુખમાંથી સરી દુખમાં પ્રવેશતાં પહેલાંની, કહો કે વચ્ચેની અવસ્થા છે જેમ સાંજ એ દિવસના અંતિમ અને રાતના પ્રથમ પ્રહરને જોડતી કડી છે એમ જ…. આનંદ ઓસરતો થતો જાય અને મન ભારે થતું જાય 

પછીના શેરોમાં અમુક અંશે વિરક્તિનો ભાવ વર્તાય છે. જેમ કે કવિ કહે છે, તેં હૂંફની લાલસા રાખી હતી પણ મેં સ્નેહની અપેક્ષા છોડી દીધી હતી. રાત વૈરાગી થતી ગઇ એટલે સ્વપ્નાઓનો પ્રવેશ અટકી ગયો. પરંતુ પછીના શેરમાં લાગણીના હરણની અને મૃગજળની પ્યાસને અનુભવવાની વાત વળી વિરક્તિનો છેદ ઉડાડી દે છે. એટલે એ ત્રણેય શેરના સમગ્ર ભાવને પકડીએ તો ફરી પેલી વિષાદી સાંજનું વાતાવરણ પથરાઇ જાય છે.

દરેક શેર અલગ બાની લઇને આવતા હોવા છતાં આમ જુઓ તો મૂળ વાત જીવાતા જીવનની છે. જીવનમાં જે ખૂંચ્યા રાખે છે, એનાથી નિપજતી પીડા એ આ ગઝલનો મુખ્ય સૂર કહી શકાય. વેદનાથી શરૂ થતી વાત, વેદનામાં પરોવાતી જાય છે અને અંતે મૃગજળની પ્યાસથી જાગતી વેદનામાં ખતમ થાય છે. ગઝલનો કેન્દ્રવર્તી ભાવ એ વેદનાની અનુભુતિ બની રહ્યો છે.

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: