Posted by: readsetu | જૂન 23, 2018

KS 44

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 44 > 17 જુલાઇ 2012

અંદરની પીડા આતમ જાણે !  – લતા હિરાણી

ફરી મલકાવતાં આંગણ ઘણી તકલીફ લાગે છે

ફરીને બાંધતા તોરણ ઘણી તકલીફ લાગે છે.

પ્રથમ દરિયાને પણ હૈયામહીં ધરબીને રાખ્યોતો

હવે નાનું ઝરણ છે પણ ઘણી તકલીફ લાગે છે.

સદા કરતા હતા જે મોરલા ગ્હેકાટ વણથંભ્યા

હવે બોલી શકે છે પણ ઘણી તકલીફ લાગે છે.

નથી ઉલ્લાસ આંખોનો નથી આધાર હૈયાનો

હવે કરતાં નવું કામણ ઘણી તકલીફ લાગે છે.

હજુ ખનખન અવાજો ઓરડે પોઢ્યા નથી ત્યાં તો –

ફરીથી પ્હેરતાં કંકણ ઘણી તકલીફ લાગે છે.

સ્મરણના મ્હેલના જલતા બધા દીપક બુઝાવીને

શરમથી ઢાળતાં પાંપણ ઘણી તકલીફ લાગે છે………..હર્ષદ ત્રિવેદી

કવિ અને વાર્તાકાર શ્રી હર્ષદ ત્રિવેદીની આ ગઝલ ભાગ્યે જ સ્પર્શાયેલા, એક જુદા જ વિષયને લઇને આવી છે. પૂરી સામાજિક નિસબત સાથેનો આ વિષય છે એક યુવાન વિધવાના વિવાહનો. અલબત્ત માધ્યમ કવિતાનું છે, સંવેદનાનું છે એટલે અહીં વિધવા સ્ત્રીની સંવેદના વર્ણવાઇ છે અને એ એટલી સચોટ રીતે રજૂ થઇ છે કે કવિનો પરકાયા પ્રવેશ અનુભવાય.

એક યુવાન સ્ત્રી જેના આંગણામાં અને હૈયામાં એકવાર તોરણ ઝૂલી ચૂક્યાં છે. એક સ્ત્રી પહેલી વાર પોતાના સાથીને, મનગમતા પુરુષને પામે ત્યારે એના હૈયામાં જે દરિયા ઉભરાય, એના હૃદયમાં જે સપ્તરંગી મેઘધનુષ છવાય, એના મનના મહેલમાં ઉલ્લાસના ફૂવારાઓ છલકાય એ બેજોડ હોય છે. પણ

અફસોસ, એ સઘળું આથમી ગયું છે, વિલાય ગયું છે. આટઆટલું થવા છતાંય જીવન અટકતું નથી.. એ નિર્લેપ અને નિર્મમ બની નિરંતર વહ્યે જાય છે. આ જીવનનો ફરી સ્વીકાર કરવાનો છે. કુદરતે એનું સૌંદર્ય છિનવી લીધું હોય તો પણ એ તૂટેલી ઇમારતને ફરી વસાવવાની છે, એમાંથી જીવવાની આશા શોધી કાઢવાની છે. કેટલું અઘરું કામ છે આ ? કેમ કે અઢળક ઉમળકાથી વસાવેલા સંસારની યાદો હજી તાજી જ છે !! ગઝલનો રદીફ ઘણી તકલીફ લાગે છે ખૂબ સુચક છે. પહેલીવાર જે થયું એ આપોઆપ અને ઉમંગથી થયું છે. હવે બીજીવાર એ જ સ્થિતિમાંથી પસાર થવું કેટલું અઘરું છે !!

હવે જે થશે એ માટે પ્રયત્ન કરવો પડશે. એકવાર સહજ રીતે દરિયો ઉભરાયોતો, હવે ઝરણ વહાવતાંયે ઘણી તકલીફ લાગે છે. ફરી આંગણ મલકાવવાનું છે, ફરી તોરણો બાંધવાના છે ફરી મનના મોરલા ટહૂકતો કરવાનો છે… કેમ થશે આ બધું ? આંખોમાં નથી ઉલ્લાસ કે નથી હૈયાનો સાથ !! ત્યારે સામેની વ્યક્તિના મનને કેમ સ્પર્શી શકાશે ?  પ્રથમ સુહાગરાતના સ્પંદનો હજુ પડઘાય છે ત્યાં ફરી કંકણને કેમ રણકાવવા ? શરમથી ઢળેલી પાંપણો અને એ મધુરજની હજી શ્વાસથી અળગી થઇ નથી.. હવે જે થશે એ સઘળું સાયાસ થશે, તકલીફપૂર્વક થશે, મનને મનાવવા થશે..પીડા, વિડંબના આની જ છે.

આખીયે ગઝલમાં જે ભાવ પરોવાયેલો છે એને કોઇ સમજૂતીની જરૂર નથી. આખીયે વાત સ્વયંસ્પષ્ટ છે, દીવા જેવી ચોખ્ખી છે પણ આ સ્થિતિની કલ્પના ભાવજગતને હલબલાવી દે છે, ખળભળાવી દે છે. તકલીફ શબ્દ ટૂંકો પડે એટલી અઘરી પરિસ્થિતિ અને એની તાવી દેનારી મથામણ અહીં કવિએ શબ્દોમાં આબાદ રીતે કંડારી છે. આવા જુદા જ વિષયને સંવેદી આકાર આપવા માટે કવિને સલામ કરવી પડે !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: