Posted by: readsetu | જૂન 26, 2018

KS 46

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 46 > 31 જુલાઇ 2012

ખળખળ વહેતું ભાવઝરણ – લતા હિરાણી

મુખડાની માયા લાગી રે

મોહન તારા મુખડાની માયા લાગી રે

મુખડું મેં જોયું તારું, સર્વ જગ થયું ખારું

મન મારું રહ્યું ન્યારું રે……….

સંસારીનું સુખ એવું, ઝાંઝવાના નીર જેવું

તેને તુચ્છ કરી દેવું રે….

સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું

તેને તો હું શીદ જાચું રે….

પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો

મેં તો કર સાહ્યો તારો રે…..

મીરાંબાઇ બલિહારી, આશા મને એક તારી

સંસારથી રહી ન્યારી રે………………  મીરાંબાઇ

મીરાંબાઇ એટલે ભક્તિનું ખળખળ વહેતું નિર્મળું ઝરણું. ગીત અને સંગીતમાં વહેતી નરી સમર્પણની ગંગા. સ્વયંનું અસ્તિત્વ સાવ ભૂંસી દઇને શામળિયા કાજે જ શ્વાસ લેવા એનું નામ મીરાંબાઇ. મીરાંના પદોમાં કોઇ સાહિત્યિકતા કે શબ્દોનો વૈભવ નથી પણ ભક્તિમાં ઓગળતો આત્મા છે જે એના સાદા શબ્દોમાં ભરી દે છે ભાવનો દરિયો… અને એટલે જ આટલાં પ્રાચીન હોવા છતાં મીરાંબાઇના પદો લોકહૈયે એવાં ને એવાં તાજાં છે.

મીરાં કૃષ્ણને વરી ચુકી છે. મોહનના મુખનું દર્શન એના જીવવાનું ધ્યેય છે. દિવસ રાત, ચોવીસે કલાક એને એના સિવાય બીજું કશું સુઝતું નથી. બાળપણથી મીરાંને મોહન જ વહલઓ છે. એકવાર એને ચાહ્યા પછી એના માટે આ સંસાર ખારો ઝેર જેવો છે.. એનું મન બીજું કંઇ સ્વીકારવા તૈયાર નથી. કેટલી નાની ઉંમરમાં મીરાંને સમજાઇ જાય છે કે આ સંસારનું સુખ તો ઝાંઝવાના નીર જેવું છે. એ ભાસે છે, એ મિથ્યા છે, તુચ્છ છે.

પરણું તો હરિવરને મેરો તો ગિરધર ગોપાલ, દૂસરો ન કોઇ, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે…. આ શબ્દોથી કોણ અજાણ હશે ? મેવાડની મીરાંને એવો પતિ જોઇતો જ નથી જેમાં પરણીને કદી રંડાવાનો વારોય આવી શકે. એ ખરા અર્થમાં અખંડ સૌભાગ્યવતી રહેવા માગે છે અને અખંડ સૌભાગ્ય, તમામ પ્રકારનું સુખ, એને ઇશ્વર સિવાય કોણ આપી શકે ? એટલે જ એને માત્ર મોહનની આશા છે.

મીરાંબાઇના પદો જેટલાં સરળ છે એટલા જ આધ્યાત્મિકતાની ઊંચાઇનેય આંબે છે. એની કવિતામાં સચ્ચાઇનો રણકો છે અને સમર્પણની પરાકાષ્ટા છે. એમણે વળી કદી કવિતા રચવા ખાતર કશું કર્યું નથી. એમનાં ગીતો એમના હૃદયમાંથી ફૂટતી સરવાણી છે, જે એ રોકી નથી શક્યાં… પોતાનો પ્રેમ, પોતાની પીડા, પોતાની વ્યથા, આરઝુ એમના ગળામાંથી વહેતી થઇ છે,.. જે મનમાંથી ઊઠ્યું એ કંઠેથી સર્યું છે. એટલે એ લોકજીભે અને લોકહૈયે વસ્યું છે.

મીરાંબાઇની વાણી સીધી પણ સોંસરવી ઉતરી જાય એવી છે.  ભક્ત કવિઓની આ જ કમાલ છે. એમાં મીરાંબાઇ લો કે ગંગાસતી, નરસિંહ મહેતા લો કે કબીર ; એમના પદો, દોહાઓ, ભજનો કાનમાંથી ઊતરી હૃદય સુધી પહોચે છે કેમ કે એ કદી કાગળ કલમના મોહતાજ નહોતા..વાણી, ભાષા, શબ્દોનાયે નહીં..  આ તો એમના કંઠેથી કદીક અનાયાસે સરી પડેલાં અને લોકોએ વીણીને સંઘરેલા મોતી કહેવાય. બાકી  એમની ભાવસમાધિમાં ખુદ સમય પણ સ્તબ્ધ, સ્થિર થઇ થંભી જતો હશે !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: