Posted by: readsetu | જૂન 29, 2018

KS 47

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 47 > 7 ઑગસ્ટ 2012

વરસાદી છાંટાનો કેફ – લતા હિરાણી

પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ;
ઊભા રહો તો, રાજ, આંખ ભરી જોઇ લઉં
વાદળ ને વીજના રુઆબ.

વહેલી સવારથી ઘેરાયું આભ

અને આભમાં વરતાયું

આષાઢી કહેણનું વણછુટ્યું બાણ;

ઊભા રહો તો રાજ, માણી લઉં બે ઘડી,

આકાશી રાજનાં લહાણ;
પહેલે વરસાદે, કેમ કરી પામવા
મોસમના અઢળક મિજાજ

વહેતી હવાને ચડે મઘમઘતું ઘેન અને
આભથી વછૂટે કેવાં

મેઘભીનાં વેણનાં રૂમઝૂમતાં વહેણ;

ઊભા રહો તો રાજ, પૂછી લઉં કાનમાં

વરસાદી કેફની બે વાત;
પહેલે વરસાદે રાજ, કેમ કરી પામવા

મોસમના અઢળક મિજાજ.……….નીતા રામૈયા

 

ગોરંભાયેલા આકાશમાં વરસાદી ધારની અનરાધાર રાહ જોવાય છે અને એવામાં જરીક છાંટણા થાય ત્યારે હૈયાં ભીંજાય જાય.. આવી મોસમમાં ચાલો, આ કોલમમાં આપણે થોડાં વર્ષાગીતોથી ભીંજાઇએ. પહેલો છાંટો ને એમ પહેલા વરસાદને વધાવવાનો આ રહ્યો કવિ નીતા રામૈયાનો મિજાજ !!

વર્ષાને વધાવતું ને એના વિવિધ રંગો, અઢળક અદાઓને પોંખતું અને એની સાથે હૈયાની અંગત ગોઠડીનો કેફીલો વરતારો આપતું આ કાવ્ય, વંચાતાવેંત હૈયાને છલકાવી દે છે. વીજ, વાદળ ને વરસાદ માનવ માટે હંમેશા અઢળક આનંદ અને વિસ્મયના વિષય રહ્યાં છે. મન ભરીને માણવા છતાં એના રુઆબ અને અસબાબના વૈવિધ્યને પામવા ભાવનાની ભરતીયે ઓછી પડે છે. અષાઢી કહેણનું બાણ છૂટે અને સવાર સવારમાં આભ ઘેરાય જાય ત્યારે બધું છોડીને એ સમાને માણવાનું મન થાય અને પ્રીતમના સંગાથની ઝંખના થાય એ સ્વાભાવિક છે.

વરસાદી ભીની ભીની હવાનું ઘેન કેટલું માદક હોય છે એ પ્રેમ કરનાર અને જેનું હૈયું તરબતર જ રહે છે એ દરેક વ્યક્તિ જાણે છે…. જેમાં કેફ છે, કથન નથી. હેલે ચડેલા શ્વાસ છે, શબ્દો નથી, કાનમાં એવી વાત કરવાનું કેટલું મન છે !! રાજ, ક્યાંય જાઓ મા, ઊભા રહો ને પાસે રહો.. આ ઘડીઓને અંદર ઓગળવા દો …

આખુંયે ગીત પ્રકૃતિને બાથમાં લઇ, વ્હાલમને વ્હાલ કરતું વહ્યે જાય છે. કાવ્યનું પ્રાગટ્ય એવું રૂડું છે અને એમાં વપરાયેલા શબ્દો, મિજાજ રુઆબ, બાણ, લહાણ, કેફ એવી સરસ રીતે પ્રયોજાયેલાં છે કે ભાવમાં પરોવાતાં વાર ન લાગે. ભીની ભીની મોસમ અને ભીનાં ભીનાં હૈયાંને જોડી આપવાનું કામ આ કાવ્યમાં આબાદ રીતે સંપન્ન થયું છે.

ગુજરાતી કાવ્યસૃષ્ટિમાં કવયિત્રીઓની અછત તો છે જ એમાં વળી કોઇ ખાસ મોસમ પર કવયિત્રીઓના કાવ્ય સાંપડવા સહેલા નથી ત્યારે આવી નીપજેલી કલમ પાસેથી આવું સરસ ગીત મળે તો એને માણવાની તક કેમ ચુકાય ?

ચાલો, આવા સમે કવિ રમેશ પારેખના શબ્દોને ય યાદ કરીએ….

હું તો પહેલા વરસાદથી ભીંજેલી હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

જોઉં તો ભાનસાન પાણી વિના ય તૂટી પડતાં વરસાદ સમાં લાગે

ઝીલવા જઉં તો કેર કાંટાની જેમ રાજ, મારો સહવાસ મને લાગે

ચોમાસું બેસવાને આડા બેચાર માસ તો ય પડે ધોધમાર હેલી

હો રાજ, હું તો પહેલા વરસાદથી ભીંજેલી

હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

હું ઉનાળાની સાંકડી નદી ને તમે મારામાં આવેલું પૂર

ઝાડથી વછોઇ કોઇ ડાળખીને જાણે કે પાંદડાઓ ફૂટ્યાં ઘેઘૂર

ભીનોચટ્ટાક સાદ પાડે રે મોર પછી ખોલું કે બંધ કરું ડેલી ?

હો રાજ, હું તો પહેલા વરસાદથી ભીંજેલી

હો રાજ, મારે જાવું ક્યાં જાવું રે બોલ ?

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: