Posted by: readsetu | જૂન 30, 2018

KS 48

દિવ્ય ભાસ્કર > > કાવ્યસેતુ 48 > 14 ઑગસ્ટ 2012

સૂની છોળ ને છાલક  –   લતા હિરાણી  

આભ ગોરંભે ચડી અથડાય છે વરસાદમાં,
ને ધરાનાં ચીર પણ ધોવાય છે વરસાદમાં.

કેમ એની આંખમાં શ્રાવણ વહે વૈશાખમાં ?
રેશમી અલગાવ અહીં પોંખાય છે વરસાદમાં.

વીજ થૈને એમ તારું દૂરથી ચમકી જવું
તોય મન તો દાઝવા લોભાય છે વરસાદમાં

લાગણી ટહૂકે ભીની આ સગપણોના આભમાં,
તો ય કોયલ ભીતરે મુંઝાય છે વરસાદમાં.

પ્રેમની સિતાર જ્યાં મલ્હારતી સૂનકારમાં,
એક દરિયો આંખમાં છલકાય છે વરસાદમાં.

એક છત્તર હોય તોયે કેમ એ આઘા રહ્યા ?
કોરી કોરી આ ક્ષણો વરતાય છે વરસાદમાં.

ચોતરફ વરસાદ બસ, વરસાદ મૂશળધાર ને
બેઉ કાંઠે જિંદગી ધોવાય છે વરસાદમાં. ..પ્રજ્ઞા વશી

આ વર્ષે ગુજરાત કોરુંધાકોર છે, વરસાદ વિના પરિસ્થિતિ વિષમ બની છે પણ ચાલો આપણે વરસાદમાં રદ્દીફ લઇને આવેલી કવયિત્રી પ્રજ્ઞા વશીની આ ગઝલની ભીનાશ માણીએ… અલબત્ત કવયિત્રીએ પણ ભીની ભીની મોસમમાં કોરાકટ્ટ અલગાવની પીડા જ વર્ણવી છે. વરસાદનું આવું જ છે. કહે છે ને કે વહુને અને વરસાદને જશ નહીં. ન વરસે તો લોક નિસાસા નાખે ને વરસે ત્યારે વિરહી જનો નિસાસા નાખે !!

પહેલા શેરમાં, આમ તો સમતા રાખીને માત્ર વરસાદી માહોલને વર્ણવવાથી શરુઆત કરી છે. આભ ગોરંભાય કે ધરાનાં ચીર ધોવાયથી આરંભ કર્યો છે પણ અથડાવા જેવા શબ્દપ્રયોગમાં અંદરની અકળામણ ટપકી પડી છે અને એ ઘડીથી જ મનને વહેવાનું મોકળું મેદાન મળી જાય છે.

આંખમાં શ્રાવણ-ભાદરવો તો વરસે જ. અહીં બંને વચ્ચેનો અલગાવ રેશમી બતાવાયો છે એટલે તેઓ અલગ છે પણ કદાચ જુદાઇ એટલી કઠોર કે વિષમ હજી સુધી બની નથી ગઇ… મિલનની પૂરી સંભાવના છે એટલે આ રેશમી અલગાવને પોંખી લીધો છે. વીજના ચમકારાની જેમ કદીક દર્શન થઇ જાય તો દાઝી જવાના જોખમે પણ મળવા મન લલચાય છે.

ભીની ભીની લાગણી હજી રણઝણે છે, સગપણ સુકાયું નથી પણ હૈયાની કોયલ ટહૂકવા છતાંય અંદર ને અંદર મુંઝાય છે. એને હજી જે પ્રતિસાદ જોઇએ છે એ મળતો નથી.. પ્રેમનો જે પડઘો પડવો જોઇએ એ પડતો નથી. મન મલ્હાર તો છેડે છે પણ આસપાસ સૂનકાર છે, એને ઝીલનાર આસપાસ નથી, સંગત આપનાર સાથે નથી.. એનું પરિણામ બીજું શું હોય ? આંખમાં છલકાયા કરે ખારો ખારો દરિયો…

શા માટે આ દૂરી છે ? જે પ્રિયતમ વરસતા વરસાદની ક્ષણોને આમ કોરી કોરી વરતાવા દે એને કેમ માફ કરી શકાય ?

ચારેકોર વરસાદ ને અંદર સ્મરણોથી છલકાતું આકાશ !! જીવનમાં આનાથી વધુ પીડાદાયક બીજું શું હોઇ શકે ? નાયિકાનો પોકાર છે,  બેય કાંઠે જિંદગી ધોવાય છે,….. મૂલ્યવાન ક્ષણો વેડફાય છે ચારેકોરથી, વિરહનો તાપ બાળે છે રુંવાડે રુંવાડે …… પ્રિયતમ, બધી જ જીદ, ફરિયાદ, વ્યસ્તતા છોડી તું આવી જા… આવીને ધોધમાર છવાઇ જા… તને આ વરસાદના સમ !!!

કવિ શ્રી ભગવતીકુમાર શર્માની આ જ રદ્દીફવાળી રચના અહીં યાદ આવે….

 યાદ આછી ફરફરે વરસાદમાં, આંખ ઝીણું ઝરમરે વરસાદમાં.

બારીની જળમાં થઈ કાલાપલટ, બારણું ડૂસકાં ભરે વરસાદમાં.

મોરના ટહુકા ને સણકા છાતીના, કોણ, ક્યાં ક્યાં વિસ્તરે વરસાદમાં !

પાતળો કાગળ લઈ આકાશનો; કોઇ હોડી ચીતરે વરસાદમાં.

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: