Posted by: readsetu | જુલાઇ 2, 2018

KS 49

દિવ્ય ભાસ્કર > > કાવ્યસેતુ 49  > 21 ઑગસ્ટ 2012

અબકે બરસ તું ઇતના બરસ –  લતા હિરાણી

ધોધમાર વરસે, ચોમેર ધાર વરસે,
હું કેટલુંક ઝીલું ? અનહદ અપાર વરસે !

ના શ્રાવણી અષાઢી વરસાદના દિવસમાં,
તો અકળ અમસ્તું બસ વારવાર વરસે !

ભીંજાઉં ન્હાઉં ડૂબું આઘે તણાઉં એવું,
નેહના ગગનનો સઘળોય સાર વરસે !

હા જો કહું તો વરસે, ના પણ કહું તો વરસે,
કૈં ના કહું તો આવી આવી ધરાર વરસે !

છલકી જવાય એવું કે છોળ થઈ જવાતું,
ઘેઘૂરને ઘુઘવતો એવો ખુમાર વરસે !   નયના જાની

વરસાદી કાવ્યોના દોરમાં આ જરા જુદો વરસાદ ….કવયિત્રી નયના જાની પરમની ધારે આકંઠ ભીંજાવાનું લઇને આવ્યાં છે. વરસવાનું ચાલુ છે પણ અહીંયા વરસે છે કંઇક જુદું જ… અપાર, ધોધમાર વરસે છે, ચોમેર ધાર વરસે છે અને જે વરસે છે એ અનહદની ધાર છે, પરમનો તાર છે.. નાયિકા કહે છે, હું કેટલુંક ઝીલું ? પહેલાં બે હાથે ઝીલ્યું, ખોબા ભરી ભરીને ઝીલ્યું, આખે અંગે તનમન ભરીને ઝીલ્યું ને હવે આંખો મીંચી એમાં તરબતર થવાનું સૌભાગ્ય માણું છું.

આ વરસાદને શ્રાવણ-અષાઢના બંધનો નથી. એ સમયનો, મોસમનો મોહતાજ નથી… એ તો બસ વરસ્યા કરે છે. જ્યાં હૈયું છે, જ્યાં અભિપ્સા છે, જ્યાં તરસ છે, જ્યાં પ્રબળ ઝંખના છે ત્યાં એ મન મૂકીને વરસે છે. જે એને આટલું ઝંખે છે એને એમાં ભીંજાવાનું કે નહાવાનું જ નહીં, તણાવાનું યે મંજૂર છે…ભલેને આ સંસારની મર્યાદાઓ દૂર છૂટી જતી…દુન્યવી માયાથી દૂર થઇ જવામાં કેટલું સૌભાગ્ય છે !!

અંતરના તાર આ સ્નેહના આકાશ સાથે જોડાય પછી કરુણાના વાદળો મૂશલધાર વરસી પડે… એને કોઇ માગણીની જરૂર નહીં, આવકાર-ઇન્કારથી એ સાવ પર.. એકવાર પરમ સુધી પ્રબળ પ્યાસ પહોંચી ગઇ કે વાત પૂરી.. પછી એ હા-નાના બંધનો તોડી ધરાર પણ વરસી જાય !! એ ફુવારાની જેમ છોળ પણ ઉડાડે ને દરિયાની જેમ ઘેઘુર ઘુઘવાટાયે કરે !! હર પળ, હર ઘડી એનો ખુમાર વરસે, વરસે ને વરસે…

વરસાદની મોસમ પ્રેમીઓની મોસમ ગણાય છે. વિરહી હૈયાં ચાતકની માફક પ્રેમીની પ્રતિક્ષામાં પરોવાય ને મળેલાં જીવ પ્રેમમાં.. પરમના આશિકજનો માટે આમ તો બધીય ઋતુઓ અલગારી જ હોય છે. કણ કણમાં બ્રહ્માંડનું દર્શન કરનારા, અલખની મસ્તીમાં જીવનારા જનો પળેપળ અનહદના પ્રેમે ભીંજાતા રહે છે. વરસાદના વરસવાની સાથે આ ગઝલમાં કવયિત્રીએ અધ્યાત્મનો તાર કેવો સરસ મજાની રીતે ગૂંથી લીધો છે !!

આખી ગઝલનો સાર એટલે પરમનો ધોધમાર પ્યાર. એમાં ખાસ કોઇ શબ્દોની પસંદગી વિશે કે વાતના અનોખાપણા વિશે શું કહેવાનું ? સાદા પણ સ્પર્શી જાય એવી શબ્દાવલિ અને એમાં ખાસ અલખનો એકતારો જગવતા શબ્દો ગઝલની ધારે ધારે પરમનો પ્રેમ વહાવ્યે જાય છે..

આ સાથે કવિવર શ્રી રાજેન્દ્ર શુક્લ યાદ આવ્યા વગર ન રહે….

મન મૂકો તો મેઘ વરસશે, થોડો જાજો થાશે ગારો

પૂર પછી પરથમના ચડશે, ધોવાશે આરો ઓવારો

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: