Posted by: readsetu | જુલાઇ 3, 2018

KS 50

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 50 > 28 ઑગસ્ટ 2012

ભાવની ઝરમર –  લતા હિરાણી  (મૂળ લેખ)

ગામમાં વરસાદ જેવું છે કશુંક

પ્હાડમાં વરસાદ જેવું છે કશુંક

સ્વપ્ન આવીને મને કંઇ ભીંજવે

આંખમાં વરસાદ જેવું છે કશુંક

લ્યો બધું કાળાશમાં ડૂબી ગયું

રાતમાં વરસાદ જેવું છે કશુંક

તરબતર તમને કરે છે કેમ કે

સાંજમાં વરસાદ જેવું છે કશુંક

માનું ચુંબન બાળને ભીનું કરે

વ્હાલમાં વરસાદ જેવું છે કશુંક

આ ગઝલ વરસાદની ઝરમર નથી

વાતમાં વરસાદ જેવું છે કશુંક…. સંધ્યા ભટ્ટ

કવિને માટે વરસાદની મોસમ એટલે જળથી અને શબ્દોથી ભીંજાવાની મોસમ. ભાવજગત હેલે ન ચડે તો જ નવાઇ !! આમેય છલકવું ને છલકાવવું એ કવિનો સ્વભાવ, પ્રકૃતિની જેમ જ. વરસાદ એમાં ઓર રંગત લાવે. અહીંયા વરસાદ જેવું છે કશુંક રદ્દીફ લઇને કવયિત્રીએ વાદળભર્યા આકાશને, આસમાનથી ધરતી સુધી વ્યાપેલા ભેજને અને ક્યાંક દૂર પડતાં છાંટણાને ય બેય કાંઠે ભરપૂર વહાવ્યા છે. વરસાદની સાથે કશુંક શબ્દ ભીનાશને પ્રમાણે છે, છાંટણાયે હોઇ શકે, ખરેખરી જળની ધાર ન યે હોય !! પણ વાત વરસાદની છે, ગઝલ વરસાદની છે અને ભાવ વરસાદનો છે એટલે આ શબ્દોની સાથે આપણેય ભીનાશથી આકંઠ ભીંજાશું.

વરસાદનો પ્રભાવ સર્વવ્યાપી છે, જાદુઇ છે. વર્ષા હંમેશા સોળ વરસની મુગ્ધા છે કે વરસાદ અઢાર વરસનો છલકાતો છોકરો !! વરસાદ પડે છે, બધું ભીંજવવા જ પણ તોયે કોણ કેટલું ભીંજાશે એ દરેકની પોતાની સભરતા ઉપર આધાર રાખે છે, ક્યાંક કોઇ ચાતકની જેમ રોમેરોમ તરસ ભરીને બેઠું હોય ને ક્યાક કોઇ દેહ-મન ફરતા છત્રી, રેઇનકોટ કે પ્લાસ્ટીકના તંબુઓ વીંટીને બેઠું હોય !! સુરેશભાઇએ કહ્યું છે તેમ આજ વરસાદ નથી એમ ન કહેવાય સુરેશ, એમ કહીએ કે આપણે ભીના ન થયા. અહીં વરસાદની ઝંખના ને વરસાદની અનુભૂતિ કવિતાનો પ્રાણ છે એટલે કવયિત્રીને સર્વત્ર વરસાદ જેવું અનુભવાય છે.

ગામમાં કે ગામની ભાગોળે આવેલા પ્હાડમાં વરસાદ જેવું અનુભવાય એટલાથી એને સંતોષ નથી. સ્વપ્નમાં યે આંખો ભીંજાય છે… જ્યારે રાત વરસાદથી છલકાય છે, મનનો વિષાદ, આસપાસની કડવાશ બધું ધોવાઇ જાય છે..  જો કે સાંજના વરસાદની કંઇક જુદી જ રંગત છે. વિદાય લઇ રહેલા સૂર્યના છેલ્લાં કિરણો ધરતીને આછોતરો સ્પર્શ કરી રહ્યાં હોય ને ગોરંભાયેલું આકાશ સૂર્યને ઓઝલ કરવા તત્પર હોય ત્યારે મનની મોસમ હૈયાને તરબતર કરી દે છે, ઉમંગથી ભરી દે છે. એવું જ માના હેતનું.. બાળકના ગાલે કે ભાલે ચંપાયેલું નેહ નીતરતું ચુંબન બાળકને વ્હાલથી કેવું ભીંજવી દે છે !!  શબ્દોમાં વરસતું ભાવનું વાદળ પ્રથમ ગઝલનો વરતારો આપે છે, ઝરમર ઝરમર છંટકાવ થાય છે અને આખરે એમાંથી સાંગોપાંગ નખશીખ એક ગઝલ નીતરી આવે છે. આ ગઝલ વરસાદની ઝરમર નથી, વાતમાં વરસાદ જેવું છે કશુંક કહીને કવયિત્રી પોતાની રચનાને બેય હાથે ઝીલી લે છે..

કૃતિના આસ્વાદમાં આપણી અંદર કૃતિ વાંચીને વ્યાપેલો આનંદ વહેંચવાનો હોય છે. પણ એય વરસાદ જેવો છે. આકાશમાંથી વાદળ પૂરેપૂરું ના યે વરસે. જે કંઇ વરસે એમાંથી યે થોડું હવા સંઘરી લે, વૃક્ષો ઝીલી લે, પર્ણો પી લે, વધેલું ધરતી સુધી પહોંચે.. કાવ્યને માણવાનો મારો આનંદ શબ્દો સુધી પૂરેપૂરો પહોંચે એ કેમ બને ?

અને છેલ્લે રમેશ પારેખના આ શબ્દો તો યાદ કરવા જ પડે વળી..

આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે

હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે

અહીં આપણે બે અને વરસાદ ભીંજવે

મને ભીંજવે તું, તને વરસાદ ભીંજવે..

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: