Posted by: readsetu | જુલાઇ 7, 2018

KS 52

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 52  > 11 સપ્ટેમ્બર 2012

તારું જવું – લતા હિરાણી 

ગયો તે ગયો

કોયલ પાસેથી ટહૂકો ચોરી લાવીતી

સાગર પાસેથી નર્તન ચોરી લાવીતી

પુષ્પ પાસેથી સુગંધ ચોરી લાવીતી

સંધ્યા પાસેથી મેઘધનુષી ઓઢણી ચોરી લાવીતી

…………………….

તે સઘળું પાછું દઇ આવી !!! ….. પૂર્ણિમા ડી. ભટ્ટ 

 

કાવ્યની શરૂઆત, પહેલી પંક્તિમાં એક જ શબ્દ છે અને બીજી પંક્તિમાં ગયો તે ગયો, ગયો શબ્દનું પુનરાવર્તન. બહુ સાંકેતિક છે. એક પંક્તિમાં એક જ શબ્દ આપીને એક શબ્દમાં જ જેને કહેવું છે એને સંબોધન અને આખા કાવ્યનો વિષય રોપી દીધો છે. પછી બીજી પંક્તિમાં ગયોનું પુનરાવર્તન હવે તે પાછો નહીં આવેની સમજણ આપી દે છે. આ ગુજરાતી ભાષાની ખૂબી છે. એને રૂઢ થયેલો પ્રયોગ કહી શકાય.

આ નાનકડી કવિતામાં સાવ સીધાસાદા શબ્દોમાં સચ્ચાઇનો ગજબનો રણકો છે !! તદ્દન સરળ, સમજાય એવા થોડાક શબ્દો છે. એ શબ્દોમાં એક પ્રણયી જીવની જે વાત છે એમાંયે કશું નવિન નથી. સીધીસાદી શરૂઆત છે, એ ગયો તે ગયો… એના જવાની વાતને કોઇ કલ્પનથી શણગારી નથી.. કેમ કે કોઇના જવાથી પ્રકરણ પૂરું થઇ જાય છે.. પછી કશું બાકી નથી રહેતું.

કવિતા આગળ વધે છે અને વિષયમાં કલ્પન જોઇએ તો કોયલનો ટહૂકો, સાગરનું નર્તન, પુષ્પની સુગંધ કે મેઘધનુષની ઓઢણી હજારોવાર કહેવાઇ ગયેલી વાત છે. પણ હા, ચોરી લાવીતી…. શબ્દોની અનુભૂતિ માણવા જેવી છે. અહીંયા માત્ર લાવી શબ્દ વાપરી શકાયો હોત. પણ ના, એ ચોરીને લવાયાં છે કેમ કે ક્યારે આંખોથી આંખો મળી અને હૃદય પોતાનું મટીને કોઇનું થઇ ગયું, ખબર નથી… હવે એને સાચવવાનું છે, સંતાડવાનું છે. કોઇની નજર ન લાગી જાય !! તનમનમાં જે ઉમંગના ફુવારા ફૂટે છે એને સંતાડવાના છે.. એટલે બધું જ ચોરી ચોરી, ચુપકે ચુપકે…

અને પછી ચૂપકીદી પથરાઇ જાય છે.. કેટલું બોલકું છે આ મૌન !! આ શબ્દ વગરની પંક્તિમાં કેટલી સબળ અભિવ્યક્તિ છે !! વાચકને ખળભળાવી મૂકવા એ પૂરતી સક્ષમ છે. કાવ્યમાં પ્રયોજાયેલા શબ્દો કરતાં અનેક ગણી વધારે ચોટ આ શબ્દવિહીન પંક્તિની છે, એ થોડાંક ટપકાં હૃદયના ઊંડા આઘાતને પૂરો ચિતરી આપે છે.

છેલ્લે સાવ સીધી રીતે કહેવાયું છે કે એ સઘળું પાછું દઇ આવી.. કોઇ ફરિયાદ નહીં. કોઇ આવેશ, આક્રોશની અભિવ્યક્તિ નહીં.. ચુપચાપ જાતને સમેટી લેવાની વાત.. અસ્તિત્વને શૂન્યમાં સમેટી લેવાની વાત. નોંધપાત્ર એ છે કે આ ઘણના ઘા જેવી વાતને એવા સામાન્ય બોલચાલના શબ્દોમાં વણી લીધી છે કે જાણે કોઇ મહેમાન આવ્યું હોય ત્યારે એની વ્યવસ્થા માટે પડોશમાંથી કશુંક લાવીએ ને એના ગયા પછી પાછું આપી આવીએ !! અને આ પાછું આપવાની વાત ભાવકને પહાડ પરથી ફેંકાવાની પીડા આપે છે !! ધરતીકંપ જેવો આંચકો આપે છે !! રોમ રોમ ઉખેડીને ફેંકવા જેટલી પીડાદાયી આ ઘટના છે !! પ્રેમમાં પડતાંક પળભરમાં વવાઇ ચુકેલ ને ઘડીકમાં ઘટાદાર થઇ ચુકેલા સુખના વૃક્ષોની મૂળ સોતાં ઉખડી જવાની આ વાત છે…આ એક ઝાટકે સમજાઇ જાય એવા શબ્દો, સંવેદનશીલ હૃદયને બીજી જ ક્ષણે સ્તબ્ધતાના કાળા ભમ્મર દરિયામાંયે ડૂબાડી દે છે !! અને ત્યાં કાવ્ય પ્રગટ થાય છે.

જાતને આખેઆખી તોડી નાખતી આ ભયંકર ઘટનાને કેટલા સાદા શબ્દોમાં કવયિત્રીએ બયાન કરી દીધી !! અને આટલી જબરદસ્ત ઘટના, એના આવા તોડી નાખતા આઘાતને આટલા સાદા શબ્દોમાં બયાન કરી દેવી એ જ તો કલા છે !! અહીં એમની સર્જકતાને સલામ કરવાનું મન થાય…. આ સાથે એક હિન્દી ફિલ્મની પંક્તિ યાદ આવે છે…

तुम गये, सब गया…

मैं अपनी ही मिट्टी तले, दब गया…..

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: