Posted by: readsetu | જુલાઇ 10, 2018

KS 54

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  54  > 25 સપ્ટેમ્બર 2012

અંતરનું આ જંતર બાજે  લતા હિરાણી 

રાંધણિયામાં મોહન મળિયા

હળવે હળવે હરજી હળિયા

જીવનભર જે દળણાં દળિયા

રાંધણિયામાં મોહન મળિયા………..

માળા કે ના મંતર જપિયા

અગનિ સાખે અંતર ધરિયાં

અંતર ધરતાં અંતર ટળિયાં

એમ નિરંતર અંતર મળિયાં…….

અંતરગુહમાં જંતર બજિયા

સુરતા વાધી સુધબુધ તજિયાં

ઉભયે કોણે કોને ભજિયાં

પાર ન એનો કોઇ સમજિયાં………

રાંધણિયામાં રસ ને રસિયા

સકલ પદારથમાં એ વસિયા

રાંધી રાંધી જો કુછ રખિયાં

કઇ હાથોંસે ઉસને ચખિયાં……….. પુષ્પા વ્યાસ 

લયના હિંડોળાખાટે ઝૂલાવતું પુષ્પા વ્યાસનું આ ગીત દામ્પત્યના સીમાડાઓ ડોલાવતું અધ્યાત્મ સુધી પ્રસરી જાય છે. આમ જુઓ તો બે હૈયાં એકમેકના ઊંડાણને પૂરેપૂરાં તાગી લે, પછી ત્યાં હરિ પોતે જ આવીને વસી જાય છે.. મોહન અને હરજી શબ્દો ઘણા સૂચક છે. દ્વૈતમાંથી અદ્વૈત થવાની આ વાત કેટલી હળવાશથી અને હૈયા સોંસરવી ઊતરી જાય એમ કરવામાં આવી છે !! કવિ કહે છે, ‘જીવનભર જે દળણાં દળિયા’ અને ‘હળવે હળવે હરજી હળિયા’ અહીં ભાવ તો સમજાય અને સ્પર્શી જાય એવો છે જ. ઇશ્વર સહેલાઇથી નથી મળતા. પૂર્વ જન્મોની સાધના હોય કે જીવનભરની આરાધના હોય તો એને પામી શકાય છે.

આ તો થયો ગીતનો મધ્યવર્તી ભાવ પણ એનું શરીર કંઇક જુદું છે. આ સર્જન એક સ્ત્રીનું છે અને એ આરંભ કરે છે ‘રાંધણિયા’ શબ્દથી. પછીથી એ ‘દણળાં’, ‘અગનિ’, ‘રાંધી રાંધી રખિયાં’, ‘ઉસને ચખિયાં’ જેવી રસોડાની પરિભાષામાંથી પાકતું પકાવતું, ચાખતું – ચખાડતું, મન અને હૈયાને સ્વાદથી સભર કરતું અને છેવટે આતમના પરમાનંદ લગી પહોંચાડે છે. અહીં કાવ્યમાં અક્ષરોના પુનરાવર્તન અને હળિયા, મળિયા, દળિયા, ટળિયા જેવા પ્રાસની રચના ગીતને ટકોરાબંધ સુંદરતા પ્રદાન કરે છે.

મોહનને પામવા નાયિકાને મંદિરમાં નથી જવું પડ્યું કે નથી માળા, મંતર જપવા પડ્યા. અગનિ સાખે અંતર મળિયા છે. અહીં અગનિ રસોડાનો હોય, લગ્નની વેદીનો કે પછી હૈયાની ઉત્કટ અભીપ્સાનો.. પરિણામ એક જ છે….. એકત્વનો સાક્ષાત્કાર.. એકવાર અંતર ધરી દીધું એટલે પછી કંઇ કરવાનું બાકી રહેતું જ નથીઅહીં ‘અંતર’ શબ્દની પુનરુક્તિ એક ગુંજારવ ઉત્પન્ન કરે છે અને સરસ મજાનું ગાન સિદ્ધ થાય છે. અંતર શબ્દના અલગ અલગ અર્થો છે. અંતર એટલે હૃદય અને અંતર એટલે ડિસ્ટન્સ. આ બન્ને અર્થોનું જંતર અહીં એવું મજાનું બજ્યું છે કે વાંચકના મનની વીણા ઝંકૃત થઇ ઊઠે !!

જ્યારે બે હૃદય એક થઇ જાય, બન્ને વચ્ચે કોઇ અંતર ન રહે ત્યારે આ દુનિયાદારીની સુધબુધ વિસરાઇ જાય, કોણે કોને ઝંખ્યુ કે કોણ કોને પામ્યું એનો કોઇ અર્થ જ ન રહે, કેમ કે કોઇ જુદાઇ જ નથી રહીઅહમથી સોહમની યાત્રા અને પૂર્ણતા.. અને તોયે વાત એક સ્ત્રીની છે, એના રાંધણિયામાંથી ઉપજી છે એટલે એ સ્વાદ સુધી પહોંચે જ.. રસ અને રસિયા, ભોજન આરોગે છે, સ્વાદ પારખે છે. અન્ન બ્રહ્મ છે, જે અન્ન હજાર હાથવાળા હરજીને ધરવાનું છે એનો સ્વાદ પણ બ્રહ્મ છે. એની મીઠાશ ને એની તૃપ્તિ મીરાં અને માધવને એક કરી દે છે. વાત નદીના વહેવાની છે, સમુદ્રમાં ભળવાની છે ને નિરાકારમાં ઓગળવાની છે..  

 

નરસિંહ મહેતાનું એક પદ અહીં યાદ આવે..

હળવે હળવે હરજી હળિયા મારે મંદિર આવ્યા રે

મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે

કીધું કીધું કીધું મુજને કાંઇક કામણ કીધું રે

લીધું લીધું લીધું મારું ચિતડું ચોરી લીધું રે..

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: