Posted by: readsetu | જુલાઇ 12, 2018

KS 55

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 55 > 2 ઓક્ટોબર 2012

શબ્દ અને સંવેદનને જોડતો સેતુ  – લતા હિરાણી

કવિતા એ ભાવોને વ્યક્ત કરવા માટેનું કેટલું બળુંકું માધ્યમ !!  જેમના લોહીમાં કવિતા વહેતી હોય એવા ખુશનસીબ કવિઓમાંના એક કવિ એ સુરેશ દલાલ… એમની કવિતાઓમાં ડૂબવાનો અને પછી આમ ઊઘડવાનો આનંદ મળ્યો એ તમારી સાથે વહેંચું છું.. અત્યારે મારી આંખ સામે, મારાં મન સામે સુ.દ.ના અનેક કાવ્યો, ગીતો, મુક્તકો, અનુવાદો હિંડોળાખાટે ઝૂલી રહ્યાં છે.. લથબથ ચોમાસામાં તૃપ્ત ધરતીના હૈયે છવાયેલી હરિયાળીની જેમ લહલહાય છે.  જેમાં આકંઠ પાન કરવાનું મન થાય એવાં અછાંદસ, હરિગીતો, કૃષ્ણઘેલી રાધાના ગીતો એમાં છે. લોકગીતો કે ખાસ કરીને જેમાં સ્ત્રીનું ભાવવિશ્વ વ્યક્ત થતું હોય એવાં ગીતો છે.. એમાં ખૂબી એ છે કે જે લોકજીવનમાં વણાઇ ગયાં હોય એવા ગીતો/જોડકણાંઓમાંથી એમણે પ્રથમ પંક્તિ પકડીને પછી પોતાનું મજાનું સર્જન આગળ વધાર્યું છે. પરદેશી કાવ્યોના અનુવાદો તો એમનામાંથી પસાર થયાં છે એમ ચોક્કસ કહી શકાય.

એ ખૂબ ખીલ્યા છે પોતાને વ્યક્ત કરવામાં… પોતાનાં સપનાં વેરવામાં કે અંદરનું મંથન ઠાલવવામાં એમણે ક્યાંય કચાશ રાખી નથી.. જાતના અણુ અણુ છૂટા પાડીને એમણે એને ક્યાંક મધમાં ઝબોળ્યા છે તો ક્યાંક બળબળતી ભઠ્ઠીમાં શેક્યા છે. એમની કવિતામાં ક્યાંક સમુદ્રની ઘુઘવતી ભરતીનું તોફાન છે તો ક્યાંક નીરવ સરોવરની પ્રગાઢ શાંતિ છે.. કોઇ છોછ વગર સ્ત્રી-પુરુષના મનોદૈહિક સંબંધોને એમણે સરસ તાણાવાણામાં ગૂંથ્યા છે તો માનવસંબંધોની સૂક્ષ્મતાનેય ભરપૂર ઝીલી છે. ક્યાંક હળી-મળી ગયાં છે, ક્યાંક અળગા રહ્યાં છે, ક્યાંક સહેજસાજ સ્પર્શ્યા છે, ક્યાંક બાથ ભરી લીધી છે, એમના કાવ્યત્વને અકબંધ રાખીને !! વૃક્ષો, પંખીઓ અને ટહૂકાઓને એમણે મન ભરીને પ્રેમ કર્યો છે….. તો નદી, ઝરણાં, સાગર જેવાં પ્રકૃતિનાં બીજાં તત્વોથીયે એ દૂર રહી શક્યાં નથી.. શહેરી વ્યસ્તતા કે ગ્રામ્ય સંવેદનાને એમણે ઝીલી છે….પ્રેમ એ એમની કવિતાનો પ્રાણ છે, જે અંગતથી વિસ્તરી અધ્યાત્મ સુધી વિકસ્યો છે. આપણે એનાથી જ શરૂઆત કરીએ. અહીં પ્રકૃતિનો પ્રેમ નાયિકાના રોમરોમમાં કેવો છલકાય છે !!

‘હું તો ફોરમના ઘેનમાંથી ઝબકીને જાગી, મને ફૂલોના રંગની છાલક વાગી.

સૂરજના કિરણોને વારી લીધાં, અને ઝાકળનાં આસવને આંખે પીધાં

કોયલના લયને ગીતમાં લપાવીને, પારકાંને પોતીકાં એવાં કીધાં

ઊડતાં પતંગિયાની ઝાલર વાગી, મને ફૂલોના રંગની છાલક વાગી………….’

કે પછી

‘વ્હેલી સવારે સપનાં વીણ્યાં, ઝાકળ વીણ્યાં

વાદળ વીણવા ગઇ’તી, ત્યાં તો હાથમાં સૂરજ આવ્યો

બારીબારણાં ખૂલી ગયાં ને હવામાં કોઇએ, ચંદ્રમુખીનો સુરભિત ચહેરો વાવ્યો…..’

શબ્દોમાં અને ભાવમાં સરળતા એ સુરેશભાઇની સંપદા છે અને એમાં ભાવકનું મન મોહી જાય છે. જુઓ પ્રેમનું આ ચિત્ર !!

‘ઊભી ઊભી હું તો તારો કાગળ વાંચુ : તારા અક્ષરમાં મારું ત્રિભુવન

એક એક શબ્દની ડાળી પર ઝૂલું ને ધરતી પર અવતરે ગગન…………..’

કે પછી

‘હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત, એટલી વાતને કહેવા માટે કેટલો વલોપાત

કહ્યા પછી શું ?’ ની પાછળ શંકા અને આશા, શબ્દો વરાળ થઈને ઊડે, ભોંઠી પડે ભાષા

દિવસ સફેદ પૂણી જેવો : પીંજાઈ જતી રાત , હું તો તમને પ્રેમ કરું છું’, કેટલી સરળ વાત…………..’

અને

 ‘હું તો તમને પ્રેમ કરું છું, પ્રેમ કરું છું, એવું કહેતાં કહેતાં જીવ કદી નહીં થાક્યો…..’

કે પછી ખૂબ જાણીતું આ કાવ્ય,

‘કમાલ કરે છે, કમાલ કરે છે,  એક ડોસી ડોસાને હજી વહાલ કરે છે……

આપણાં અનેક લોકગીતો/ભજનો જે આપણી સંસ્કૃતિ/પરંપરાઓના પ્રતીક હતાં કે જેમાં ગ્રામ્યનારી પોતાને વહેતી મૂકતી એના એક આચમન પછી સુરેશભાઇએ આગળ સરસ મજાનું ગૂંથણ કર્યું છે..

‘આ જોને સખી મારગમાં રે, આવી આડો થાય રે, નાની અમથી કાંકરી ને મોટા પહાડો થાય રે

જરીક ઉપાડું પગ ને ત્યાં તો રસ્તો મારો રોકે રે, ગામ-ફજેતી થાય મારી ને લોકજીભને કોણ ટોકે રે

એની આવી રમત-મમત તો રાત ને દહાડો થાય રે, નાની અમથી કાંકરી ને મોટા પહાડો થાય રે………..’

બીજી કૃતિ જોઇએ..

‘આ શ્રાવણ વરસે સરવડે તે સાલે રે, આ ચોમાસાના દિન કહો કેમ ચાલે રે

આ ભાદરવો તો ભર્યોભર્યો છો મહાલે રે, આ આંખનું કાજળ રેલાય મારે ગાલે રે….’

અને પછી કાવ્યમાં બારેબાર માસ  સ્ત્રીની ખુશી/વેદનાની વણઝારમાં વણાય…..

કેવી સ્પર્શી જાય છે નારીના તળના જીવનની જોડકણાં જેવા શબ્દપ્રયોગો પકડીને એમાંથી આગળ વધતી અભિવ્યક્તિ !!

‘અટલક દટલક દહીંના દોણાં’, આછું સ્મિત ને ઝાઝાં રોણાં

અખ્ખણ દખ્ખણ વાયરા વાય, અડીકડીના અવળા દોર

આ સંસારનો એક જ સાર, એક શાહુકાર ને ઝાઝા ચોર

વાતવાતમાં મ્હેણાં ટોણાં, અટલક-દટલક દહીંના દોણાં..

’અડસઠ તીરથ એળે જાય, ગામ મસાણે-મેળે જાય

જીવમાં ફરતાં જાય વલોણાં, અટલક દટલક દહીંના દોણાં…’

આ છેલ્લી બે પંક્તિઓમાં દહીંના દોણાંમાં જ વલોણું નથી ફરતું, સ્ત્રીના જીવતરમાં વલોણું ફરી રહ્યું છે !! લોકબોલીના શબ્દોનો ઉપયોગ દ્વારા અડસઠ તીરથ અને ગામ/કુટુંબના વર્તાવની વાત કરી કેવી પ્રચંડ પીડા એ વ્યક્ત કરી શક્યા છે !!  સ્ત્રીના જીવનને કેવું ઉઘાડી આપ્યું છે !!

અનેક હરિગીતો / રાધા-મીરાંકાવ્યો એમણે પૂરી તન્મયતાથી, એકાકાર થઇને રચ્યાં છે,

‘હરિ તમે હોઠ મારા, હરિ તમે વાણી, હરિ તમે આંખડી, તમે ઝરમરતું પાણી………’

‘હરિ તારે હિંચકે હું ઝૂલતી રહું, ભીતરને ભીતર હરિ ખુલતી રહું…’

‘રાધાએ શ્યામ સામે જોયું ને આંસુ એક રોયું……’

‘મીરાં પાછળ પ્રભુ પડ્યા છે : માધવ પાછળ મીરાં

તનમનમાં તો બજી રહ્યાં છે બંસી ને મંજીરા………..’

‘માથા પર મોરપીંછ મૂક્યું ને રાધાએ એક દિવસ વાંસળી વગાડી….’

ક્યાંક ગ્રામ્ય અને શહેરી બંને વાતાવરણનું સરસ સંમિશ્રણ છે..

‘શહેરનો સૂબો ક્યારે આવશે રે ? મારો મનસૂબો ક્યારે કહો ફાવશે રે ?

એ તો કાચની લાવશે બંગડીઓ, એમાં ચાંદલો મારો રણકે રે…

એ તો શાણો થઇને આવશે રે, મને આખેઆખી શોભાવશે રે’…..

કવિએ મધર ટેરેસા વિશે સુંદર પંક્તિઓ રચી છે.

‘શ્વેત સાડીમાં સજ્જ : આસમાની કોરમાં, મધર ટેરેસાને જોયાં આજે નમતા પહોરમાં

પ્રભુની પ્રિયતમા જ જાણે જોઇ લો નિશ્ચલ, એક વ્યક્તિમાં જોયાં : ગીતા, કુરાન, બાઇબલ’

પરદેશી કવિતાઓના અનુવાદો કરવામાં એમણે જાતને પૂરેપૂરી ખર્ચી નાખી છે  ખાસ કરીને સૂફી કવિ રુમી….

કવિ પોતે કહે છે

‘સૂફી કવિ રુમી, તારી કવિતાને મેં તો અંગે અંગે ચૂમી…’

એમણે કરેલી સંત કવયિત્રી રાબિયાની પ્રાર્થનાનો આ અનુવાદ કેટલો સ્પર્શી જાય છે !! 

‘હે મારા પરમેશ્વર

જો હું નરકના ભયથી તને ભજું

તો તું મને નરકમાં જ બાળી મૂકજે

જો હું તને સ્વર્ગની આશાએ ભજું

તો તું મને એના દરવાજે જ અટકાવજે

પણ જો હું કેવળ તને તારે જ કારણે ભજું

તો મને તારા ચહેરાનું સૌંદર્ય આપજે …’

પછીની એમની કવિતાઓમાં જીવનની વાસ્તવિકતાના સ્વીકારનો રંગ ઘેરો થતો જાય છે

‘નથી નથી નો નથી વસવસો : છે એનો આનંદ ; કદીક હોઠ પર ગીત હોય ને કદીક રમે છે છંદ

જ્યાં જાઉં ને જોઉં ત્યાં તો મળે શુભ ને લાભ ; સરવર જળમાં અહો ! અવતરે, મેઘધનુષી આભ…’

કે પછી ‘હું તો આંબા વાવું છું, ક્યાંય બાવળ નથી….

તો ક્યાંક આગાહી સ્વરૂપ શબ્દો પણ મળે છે…

2007-08માં એમણે લખેલાં આ લઘુકાવ્યો છે…

હમણાં હમણાં

મને ઊંઘ બહુ આવે છે

ચિરનિંદ્રાનો આ

રિયાઝ તો નથી ને ? 

 

‘હું જ્યારે મરણ પામીશ  

ત્યારે હું મને ઓળખતો નહીં હોઉં

પણ અત્યારે પણ

હું મને ઓળખું છું 

એમ કેમ કહી શકું ?

તો પછી આને જીવન કહેવાય ?

કે ?’…………………

 

‘કોઇ જૂના પુરાણા ભુલાઇ જતા મિત્રની જેમ

હમણાં હમણાં મારું શરીર મારાથી અજાણ્યું થતું જાય છે.

આંખ ઓળખવાની આનાકાની કર્યા કરે છે

અને કાન પાસે અવાજ આવી આવીને ઓસરી જાય છે…………

 

એમને શું અંદેશો આવી ગયો હશે ? સંકેતો મળવાના શરુ થઇ ગયા હશે ? જે હોય તે.. સમય આવ્યે સહુએ જવાનું છે એમાં કોઇ અપવાદ ન હોય શકે પરંતુ કાવ્યજગતમાં એમનો શબ્દદેહ હંમેશા જીવ્યા કરશે…..

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: