Posted by: readsetu | જુલાઇ 14, 2018

KS 56

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 56  > 9 ઓક્ટોબર 2012

મુક્તિની ઉડાન – લતા હિરાણી

જોઇ રહું છું, પાંખમાં આખું આકાશ

અને ચાંચમાં આખું જગત લઇ ઉડતા પંખીને

એની મસ્તીમાં, એના લયમાં

મુક્ત મનહૃદયે કેવી ઉડાન ભરી રહ્યું છે !

મનને ગમે તે વૃક્ષની ડાળીએ

મનચાહ્યા તણખલાં વીણી

પોતાનું એક આગવું એકાંત ગૂંથે છે

આપણે તો બહુ બહુ દિવાલો ચણીએ

ઘર બાંધીએ ને બાંધીએ વાડ

જ્યારે એ રચે છે હૂંફાળું હોવાપણું

ચણવું-બાંધવું, રચવું-ગૂંથવું

એમાં શો ફરક છે એ આપણે

કદી નહીં સમજી શકવાના

પંખી ઊડે છે ત્યારે એ માપતું નથી

પવનને, અંતરને, એની ઉડાનને

અને આકાશને

એ તો ઊડ્યા જ કરે છે

પોતાની મુક્તિનાં ગીતો ગાતું ગાતું

પાંખમાં ભરીને હળવું સ્વાતંત્ર્ય

હું જન્મે નારી

સલામત, સુખી, સંપન્ન અને સ્વતંત્ર પણ

છતાં ક્યારે ગાઇ શકીશ ?

પંખીની જેમ મુક્ત ગાન

ક્યારે ?……….. પ્રજ્ઞા પટેલ

પ્રજ્ઞા પટેલનું આ એક સંપૂર્ણ નારીવાદી અછાંદસ કાવ્ય છે.. મહાનગરોમાં વસતાં અને એ વાતાવરણને શ્વસતા માનવીઓ માટે સ્ત્રી સ્વાતંત્ર્ય કદાચ હવે એક સવાલ ઊભો કરે !! રજાઓમાં હોટલ-રેસ્ટોરંટમા ઊભરાતી વસ્તી અને છાપાંઓ-સામયિકોમાં છપાયેલા ફોટાઓમાં ઉઘાડી અર્ધનગ્ન સ્ત્રીઓને જોતાં સ્ત્રીસ્વાતંત્ર્ય હવે ક્યાંક અટકવું જોઇએ એમ લાગે પરંતુ વાસ્તવિકતા સાવ એવી નથી. આમ જોઇએ તો આવો વર્ગ સમાજમાં કેટલા ટકા ? આવા મહાનગરોમાંયે સ્ત્રી હજી પતિ કે સાસરિયાના જુલ્મો સહે છે. નિમ્ન કે મધ્યમ વર્ગની તો ખરી જ પણ કહેવાતા આધુનિક અને શિક્ષિત કુટુંબોમાંયે ઉચ્ચ ડિગ્રીધારી અને ઉચ્ચ હોદ્દા પર નોકરી કરતી સ્ત્રીને મેં સાસરિયામાં ગુલામ જેવી દશામાં મારી સગી આંખોએ જોઇ છે. જેને પોતાની મરજી મુજબ જીવવાનો કે ઘરની કોઇ બાબતમાં નિર્ણય લેવાનો જરાય હક નથી. અને ત્યારે પ્રજ્ઞા પટેલનું આ કાવ્ય યથાર્થ લાગે છે.

આમ જુઓ તો અકળામણથી ભરેલા થોડા બોલકા (કેમ કે વિષય જ એવો છે) આ કાવ્યમાં ‘ચાંચમાં તણખલાં લઇને પોતાનું આગવું એકાંત ગૂંથવાની’ વાત તથા ‘હૂંફાળું હોવાપણું રચવાની’ વાત કાવ્ય પ્રગટાવે છે અને ત્યાં સંવેદના વહી ઊઠે છે.  સ્ત્રીને વ્યક્તિ ગણી એની સંવેદના સમજવાનો સમય આવે ત્યારે ખરો, ત્યાં સુધી તો આવાં કાવ્યો રચાતાં રહેવાનાં…. આ કાવ્ય વિશે વધુ કહેવાને બદલે આ જ કવયિત્રીની બીજી રચના (સહેજ ટૂંકાવીને)),

ખુલ્લા આકાશના ટુકડાને

હું બસ જોઇ જ રહું છું ઉદાસ આંખોએ……

રાત્રિની નીરવતામાં ઘરની અંદર બંધ હોઉં છું ત્યારે

બંધ આંખોની અંદર ખુલતું રહે છે એક કાળુંધબ્બ આકાશ

ને વહી ન શકેલાં આંસુઓ તારાની જેમ ટમટમ્યાં કરે છે.

સવાર પડે છે ને થીજી ગયેલાં મારા આંસુઓ

પક્ષીઓ બનીને, આકાશને ભરી દેતાં, ઊડતાં, કિલકિલાટ કરતાં….

ને હું મારી પાંખો સહેજ ફડફડાવું છું…………

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: