Posted by: readsetu | જુલાઇ 16, 2018

KS 57

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  57  > 16  ઓક્ટોબર 2012

વ્હાલની હેલી – લતા હિરાણી

વ્હાલમ તારે ફળિયે હું તો વ્હાલ થઇને વરસું

ઝરમર ઝરમર વરસું તોયે સરવર થઇને તરસું

બંધ ઓરડે અબોલ હૈયાં ધીમું ધીમું મલકે

પારિજાતનાં ખરખર ખરતાં ફૂલ બનીને છલકે

બુંદ બનીને ઝરતી નરવી લાગણીઓની ભાષા

આવ, આવ હે રાત ! સૂરજની કેમ કરું હું આશા !

અણધારી વૃષ્ટિની ધારે ધારે સાજન ભીંજ્યાં

ખોબે ખોબે નેહ પીધો, ને નવાં નવાણો સીંચ્યાં…… નલિની માડગાંવકર

 

આ સંવાદ છે, પ્રિયતમ સાથેનો અને સ્વ સાથેનોય. એવુંયે ખરું ને કે પ્રિયતમને જે કહેવાનું હોય એને ઘણીવાર શબ્દોની જરૂર ન પડે !! મનમાં ને મનમાં એ ગૂંજે એ એની મેળે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જાય !! પણ આવું એકત્વ ભાગ્યશાળીને જ મળે હોં !!

રસતરબોળ હૈયે છલકાતી નાયિકાના આ ગીતમાં પ્રવેશતાં જ ભીંજાઇ જવાય એવું છે. બહાર રહીને એનું આચમન ન થાય, અહીં પલળવું જ પડે. જે નરવું ને નકરું વહાલ થઇને વરસે છે એય તરસે તો છે જ. પ્રીતની આ રીત છે.. અને આશ્ચર્યની વાત એ છે કે પોતે સરવર થઇનેય તરસે છે !! પ્રેમીના વધામણાં કે એના વલોપાત કંઇક જુદા, અનોખા જ હોય !! એમાં શબ્દને પકડવા જઇએ તો ભાવ છૂટી જાય. એ જ ભાષા ને એ જ શબ્દ પણ એ સામાન્ય જન વાપરે ત્યારે એની છાયા જુદી હોય ને પ્રેમીના મુખેથી સરે ત્યારે એના રંગ જુદા હોય…(આજના યુવાનોની સાંકેતિક શબ્દાવલિ સાથે આ વાતને કોઇ સંબંધ નથી મિત્રો.)

ઓરડા બંધ છે, હૈયાં પણ અબોલ છે, શબ્દને અહીં પ્રવેશ નથી પણ કંઇ છૂપુંયે રહેતું નથી… વેરાતું રહે છે, પારિજાતના ફૂલની સુગંધ બની.. લાગણીને ક્યાં ભાષા હોય છે ? એ કદીક હોઠના હળવા મલકાટમાં, નજરના આછા છલકાટમાં કે સ્પર્શના નરવા પમરાટમાં વ્યક્ત થઇ જાય છે !! અહીં મિલનની ભાષા કેવી મધુરતાથી વ્યક્ત થઇ છે !! બુંદ બનીને નરવી લાગણી ઝરે છે. ‘નરવી’ શબ્દ પણ અર્થસભર છે. લાગણી એવી છે જે હૈયાની હામ વધારે. ને આમ બધું બેય કાંઠે છલકાતું હોય, છાકમછોળ હોય, ત્યાં સૂરજને આવકાર શેનો હોય ? નાયિકાને રંગીલી રાતની ખૂટે નહીં એવી ખેવના છે..ખોબે ખોબે નેહ પીવાય છે ને તોય ધરવ નથી થાતો. પ્રિયતમનો સ્પર્શ થાય છે ને અંગે અંગમાં નવું સૌંદર્ય ખીલી ઊઠે છે. અણધારી વૃષ્ટિમાં ભીંજાવાય છે ને તોય મન ભરાતું નથી..

 

પ્રસ્તુત ગીતમાં છલકાતી ભરતી જ ભરતી છે. પ્રણયની તીવ્રતા છે. પૂરું ખુલેલું ને ખીલેલું આ ગીત છે. સ્થૂળ અને સૂક્ષ્મ, દેહ અને દિલની અનુભુતિ અહીં વ્યક્ત થાય છે એટલે જ ચાર દિવાલો અને રાતની ઝંખના સાથે ખુલ્લાં ફળિયાને અને વહાલ થઇને વરસવાની ઝંખનાએ પણ પોતાનું સ્થાન લીધું છે. પ્રિયતમમાં પૂરો વિશ્વાસ અને શ્રદ્ધા અહીં વ્યક્ત થયાં છે. કોઇ ઇર્ષ્યાકે માલિકીની ભાવના નથી.. નાયિકાને બસ વરસવું છે, વરસવું છે ને વરસવું છે… સાચો પ્રેમ આ જ કહે છે. આપતાં રહો ને બસ આપતાં જ રહો, તમને શું મળશે એની કોઇ ખેવના વગર, કોઇ ગણતરી વગર, કોઇ અપેક્ષા વગર… અને જેને આમ માત્ર આપવામાં જ સુખ અને સંતોષ મળે છે એ જ પ્રેમ કરી જાણે છે, એ સ્નેહ સાગરમાં તરી જાણે છે. અમથું નથી કહ્યું કે પ્રેમ કરવો એ ખાંડાની ધાર પર ચાલવા જેવું છે.. તો સાથે સાથે એય વાસ્તવિકતા છે કે આ ધાર બહુ ઓછા પાર કરી જાણે છે. સાથ એટલે શું એની ખબર ધીમે ધીમે અને ક્યાંક બહુ મોડી પડે છે બાકી એક છત તળી જીવી લેવું એનું નામ સાથ થોડું છે ?. પણ આ તો જરા જુદી વાત થઇ… અહીં, આ કાવ્યમાં તો આપણે પ્રણયની મોસમ પૂરબહારમાં માણી લઇએ…

 

લગભગ ગ્રામ્ય શબ્દોના ઉપયોગવાળું, પહેલેથી છેલ્લે સુધી એકધારું વહેતું જતું લયબધ્ધ આ ગીત પ્રણયીજીવોને વહાલું લાગે જ, ગીતના હિંચકે ઝૂલનારા જીવોનેય મીઠું લાગે.  આ એક નાયિકાની અભિવ્યક્તિ છે તો કંઇક આવી જ અભિવ્યક્તિ નાયકનીયે જોઇએ..

 

કવિ ગુલામ મોહમ્મદ શેખની આ પંક્તિઓ સાથે,

વરસે ફોરાં, આજ ફરી પાછાં વરસે ફોરાં

કંઠને ભીડી બાથ તારા હાથ વળ્ગ્યા’તા, ભોળી !

ને પગ નીચેની ધૂળમાં કેવી બેઠી હતી તું નેણવા ઢોળી !

સૌરભભીની રેણ ને આપણાં ભીંજતા’તા બેય કાળજે-કોરાં

આજ ફરી પાછાં વરસે ફોરાં…

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: