Posted by: readsetu | જુલાઇ 17, 2018

KS 339

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 339 > 10 જુલાઇ 2018

તેરે જાને કે બાદ – લતા હિરાણી

લાઇટનું બિલ ભર્યું આજે

કપાયેલા ટેલિફોનનું

કરાવ્યું મેં કનેકશન

પહેલી વાર બેંકમાં જઇ ચેક ભર્યો

થોડાઘણા પૈસા ઉપાડ્યા મેં,

પહેલી વાર ટીંકુડાની સ્કૂલમાં જઈ

અરજી કરી ફ્રીશીપની

ગઇકાલે રેશનના કાર્ડમાંથી

એક નામ કરાવીને આવી કમી

આ બધું મેં

પહેલીવાર કર્યું

તારા ગયા પછી ………. સતીશ વ્યાસ

લાઇટબિલ ભરવું, કપાયેલા ટેલિફોનના કનેકશનનું ફરીથી જોડાણ મેળવવું કે બેંકમાં ચેક ભરવો, પૈસા ઉપાડવા…. આવા કેટલાય કામો આમ જુઓ તો તદ્દન યાંત્રિક. રોજબરોજના કામોની યાદીમાંના એક. કોઈકના માટે એ ફરજનો એક ભાગ તો કોઈકના માટે વેંઢારવો પડતો ભાર.

કવિતાની ખૂબી ત્યાં છે અથવા કહો કે કવિની ખૂબી ત્યાં છે કે એ સાવ નકામી ને યાંત્રિક લાગતી બાબતોમાં જીવ રેડી શકે છે ! અને અહીં તો હૃદયને ઝકઝોરી નાખે એવી વાત એ છે કે જ્યાં એકબાજુ  જીવન નામનું તત્વ જતું રહે અને એ જ કારણ બને કે નિર્જીવ લાગતી બાબતો સચેત થાય !

કશુંક પણ જ્યારે પહેલી વાર થાય ત્યારે એ મોટેભાગે આનંદનો વિષય હોય. પહેલી વાર માતૃત્વ ધારણ કરવું, પહેલા બાળકનો જન્મ, બાળકને પહેલી પાપાપગલી કે કાલીઘેલી વાણી, શાળા-કોલેજનો કે નોકરીનો પહેલો દિવસ ! આવું તો કેટલુંય….. ફૂલટાઇમ ગૃહિણી તરીકે જીવતી સ્ત્રી પણ જ્યારે બહારના કામો, બેંકમાંથી પૈસા ઉપાડવા કે બીલો ભરવા જેવા કામો કરતી થાય છે ત્યારે એને આનંદ આનંદ હોય છે. એમાં પણ જેણે ઘર સંભાળવાનું જ કામ કર્યું છે એના માટે ઘરની બહાર નીકળીને કશુંક શીખ્યાનો, કર્યાનો જબરો ઉત્સાહ ને ઉમંગ હોય છે. આ જ કામો એક સ્ત્રીના માથે આમ જુદી રીતે આવે ત્યારે કેવી કરુણતા સર્જાય છે એ તો જેને વીતી છે એ જ જાણી શકે.

એક સ્ત્રી કે જેણે આવા કામો માટે ઘરની બહાર કદી પગ નથી મૂક્યો ! ને હવે કિસ્મતે એની માથે ઠોક્યું છે. એ જવાબદારી સંભાળનારો, આ કામો કરનારો એને અચાનક નોધારી છોડીને જતો રહ્યો છે. હવે એણે પોતાના અસ્તિત્વની લડાઈ જાતે લડવાની છે. આસપાસ લોકો હોય છે, મદદ પણ કરે છે પરંતુ એ કેટલા દિવસ ? હવે એણે બધું શીખી લેવું પડશે ! બધા મોરચા જાતે સંભાળવા પડશે.

બેંકમાં કે અગત્યના કાગળો પર સહી કરતાં આજ સુધી જે ચાલતી હતી એ સહી એની આંખો સામે પથરાય છે ને કાગળ પરના શબ્દોની આડે એક ભીનું આવરણ રચાઈ જાય છે. લાઇટનું કનેક્શન તો પૈસા ભરવાથી જોડાઈ જશે પણ જીવનમાં જ્યાં કનેક્શન તૂટ્યું એને હવે કેમ કરીને જોડવું એ સવાલ હવે એને આખી જિંદગી પીડવાનો છે અને એનો કોઈ જવાબ ક્યારેય નથી મળવાનો ! ટીંકૂડાની ફ્રીશીપની અરજી કરટી વખતે, એ ફોર્મ હાથમાં કેટલી વાર ધ્રૂજયું હશે, અક્ષરો કેટલીવાર સાવ અજાણ્યા બની ગયા હશે, ધૂંધળા થઇ ગયા હશે, એની સામે બેઠેલા ક્લાર્કને ખબર ન જ પડે. રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવું તો પડે જ…. એ હકીકત છે અને હૈયાના દસ્તાવેજમાંથી એ નામ કદી કમી ન થઈ શકે એ પણ એક બીજી હકીકત છે. નવું રેશનકાર્ડ આવશે, નવું હૈયું ક્યાંથી લાવવું ? સ્કૂલમાં ફ્રીશીપ તો મળી જશે, પીડાના પહાડને કોઈ કમી નહીં થઈ શકે…. આજ સુધી આવેલા સર્ટીફીકેટો ઘરમાં મઢાવીને રાખ્યા છે, ને હવે આ મરણનું સર્ટીફિકેટ ! જોઈતું જ નથી….. ડૂચો કરીને ફેંકી દેવું છે, જે નથી થઈ શકતું. ખેર… આ એક કડવી વાસ્તવિકતા છે અને એને સ્વીકાર્યા વગર છૂટકો નથી !

ભાવકને હલબલાવી નાખે એવું કાવ્ય પણ જેને આ ખુદનો અનુભવ છે એને આ શબ્દો ફરી એકવાર મધદરિયે ડૂબાડી દેશે !   

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

Responses

  1. ખુબ સુન્દર


NAREN ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: