Posted by: readsetu | જુલાઇ 18, 2018

KS 58

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 58  > 23 ઓક્ટોબર 2012

મારે રમવું છે – લતા હિરાણી

ઢીંગલી જેવાં લાગીએ છતાં આપણે મોટાં બહેન રે

કાંખમાં રમે ભાઇલા બબ્બે હોય પછી શાં વેન રે..

ભરબપ્પોરે રમવું પડે ઘમ્મવલોણું ઘમ્મ રે

તડકાને પણ ટાઢક વળે પગલી લીલીછમ્મ રે.

સ્હેજ ઘેરાતી આંખને ફૂટે એક સોનેરી ડાળ રે

દૂરથી ત્યાં તો દોડતાં આવે સપનાં નાનાં બાળ રે.

મન ફાવે ત્યાં બાંધીએ પાછાં તોડીએ ઊંચા મહેલ રે

આપણે તો ભાઇ જ્યાં જુઓ ત્યાં રેતની રેલમછેલ રે.

પાડવા ધારો એટલી એમાં પડશે રૂડી ભાત રે

ધૂળની નાની ઢગલી જેવી આમ અમારી વાત રે… કૃષ્ણ દવે 

કવિતા એ સંવેદનોની અભિવ્યક્તિ છે અને મોટાભાગના કાવ્યો સ્વસંવેદનો વ્યક્ત કરતાં હોય છે.. પણ બીજાની વેદના વિશે ને એમાંય એક મજૂરની દીકરી, જે હજુ પોતે ઢીંગલી જેવી છે, એની રમવાની ઉંમર છે ને એ ઝાડના છાંયે ક્યાંક કાંખમાં નાનકડા ભઇલાને તેડીને  ઊભી છે, એવી આ નાનકી છોકરી કેવું અનુભવતી હશે એ સંવેદી એના પર કાવ્ય સ્ફૂરવું એ જબ્બર પરકાયાપ્રવેશ માગી લે છે અને કવિ કૃષ્ણ દવે આ ખૂબ સફળ રીતે નિભાવી શક્યા છે. આવું ધ્યાન જવું એય એક દાદ માગી લે એવી ઘટના ખરી જ.

આ એક ઢીંગલી જેવી મજૂર કન્યાનું ગીત છે. પોતે હજી ઢીંગલી જેવી પણ તોયે નાનકડા બબ્બે ભઇલા કાંખમાં વળગતા હોય ત્યારે એ નાનકીને મોટીબહેન બની જવું પડે. અદ્દલ કાઠિયાવાડી શબ્દ ‘વેન’ એટલે કે જીદ. બે નાના ભાઇની મોટીબેન કોઇ ચીજ માટે વેન ન કરી શકે. નાની છે એટલે રમવાનું મન તો એને થાય જ પણ કવિ કહે છે, ‘ભરબપ્પોરે રમવું પડે, ઘમ્મવલોણું ઘમ્મ રે’  જુઓ, કેટલી સાંકેતિક રીતે કવિએ આ છોકરીની વાસ્તવિકતાને વ્યક્ત કરી છે. એ બપોરે જ નવરી પડે. ઘમ્મવલોણું ઘમ્મ એટલે સવારનો સમય,, ત્યારે એણે ઘરકામમાં માને મદદ કરવાની છે, એ નવરી પડે છે ભરબપ્પોરે… આમ તો નવરીયે શાની ? મા મજૂરીએ છે એટલે કાંખમાં બબ્બે ભઇલાને સાચવવાનું કામ તો છે જ. ત્યારે એ રમે તોય રમે કેમ ? કૂણી કૂણી પગલીઓ, એટલી કૂણી કે ભરબપ્પોરના તડકાનેય ટાઢક વળે !! …

થાકથી એની આંખ ઘેરાય છે ને દૂરથી નાનાં બાળ જેવાં સપનાં દોડતાં આવે છે. એના માટે રાહતની, કહો સુખની આવી જ પળો છે. વાસ્તવ તો ઘણું ક્રૂર છે પણ જરીક મીંચેલી આંખોમાં એની બાળકલ્પનાએ જે ઇચ્છ્યું છે એ સપનારૂપે એને આવી મળે છે.. એની આંખ સામે ભલે મોટાં મોટાં આવાસો ચણાય છે પણ એના માટે તો રેતીના જ મહેલ. ભઇલાને સાચવતાં રેતીના ઢગલામાં એને રમવાનું ને રહેવાનુંય એમાં.. એમને માટે રેતી/ધૂળના જ આશરા… બાંધો, તોડો, વસો કે ખાલી કરો.. ફૂટપાથ પર રહેનારી બાળકીના સપનાં પણ કેવા હોય ? મજૂરને માટે કોઇ સ્થાયી વસવાટ નથી હોતો. મને શ્રી ધ્રુવ ભટ્ટની નવલકથા ‘સમુદ્રાન્તિકે’નો એક સંવાદ યાદ આવે છે, કથાનો નાયક પોતાનો સામાન ઉંચકનારને પૂછે છે, ‘તારે રહેવાનું ક્યાં ?’ અને એ જવાબ આપે છે, ‘અમારે મજૂરિયાંવને વળી ઘર કેવાં ? જ્યાં કામ મળે ન્યાં રઇએ’.

પછીની છેલ્લી બે પંક્તિમાં કવિ જરા કહે છે…’પાડવા ધારો એટલી એમાં પડશે રૂડી ભાત રે, ધૂળની નાની ઢગલી જેવી આમ અમારી વાત રે..’ એ નાનકડી દીકરીને કદાચ સુખ કે દુખનું ભાન નથી. એની સામે, એની પાસે જે આવે છે, એ તો બસ એ જીવ્યે જાય છે. તત્વજ્ઞાનીઓ કહે છે એમ વર્તમાનમાં જીવો, કદાચ એવું જ આ બાળકી જીવી રહી છે, ભલે સભાનપણે નહીં. અને બહુ સરસ વાત છે કે એની જિંદગી જ ધૂળની નાનકડી ઢગલી જેવી છે, કોઇ એમાં રૂડી ભાત પાડવા ધારશે તો એમ નહીંતર હવાના ઝપાટે ઊડી જશે.

આખાયે ગીતનું વિષયવસ્તુ એક મજૂરની દીકરી છે જેના નસીબમાં તડકા જ તડકા છે છતાંય કવિએ ક્યાંય એમાં દયા કે લાચારીનો ભાવ ઉપસવા નથી દીધો. રેતમાં રમતી દીકરીને એની મોજમાં બતાવી છે ને છેલ્લે રેતની ઢગલી જેવી એની જિંદગી, આમ જુઓ તો નગણ્ય છતાં કોઇની લાચારી વગરની જ.. હા, ‘મન ફાવે ત્યાં બાંધીએ પાછા તોડીએ ઊંચા મહેલ રે….’ કેટલું બધું કહી જાય છે આ પંક્તિઓ !!..

ધૂળમાં ભાત પાડવાની વાતે શેરીની ધૂળમાં પગથી લંબચોરસ અને એમાં આઠ ચોકઠા દોરી અઠ્ઠક દાવ રમ્યાનું યાદ આવે છે ને ભલે સુખી ઘર તોયે મોટીબેન હોવાને નાતે વધારે ભાગે ચોથા નંબરના ભાઇ અને પાંચમા નંબરની બહેનને વારાફરતી કેડમાં ખોસી રમાડ્યા કરતી એય યાદ આવે છે..   

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: