Posted by: readsetu | જુલાઇ 19, 2018

KS 59

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 59  > 30 ઓક્ટોબર 2012

હો રાજ રે – લતા હિરાણી

મારી માડીના બારણે મોગરો

હું તો ફૂલડાં વીણતી રમું રે………..રાજ

મારી સાસુના બારણે બાવળિયો

હું તો કાંટા વીણતી રડું રે….રાજ

મારી માતાને બારણે હીંચકો

હું તો હીંચકા ખાતી રમું રે………..રાજ…

મારા સસરાના બારણે ખાંડણિયો

હું તો ચોખા ખાંડતી રડું રે…………રાજ

મારી બેનીના વાળ્યા ચોટલા રે

એમાં પાંચ પાંચ ફૂલડાં ઘાલ્યાં રે………..રાજ

મારી નણંદના વાળ્યા ચોટલા રે

એમાં પાંચ પાંચ વીંછુડા ઘાલ્યા રે………..રાજ

મારી માતાએ શીરો શેક્યો રે

તેમાં ઘી રેલમછેલ રે…………રાજ

મારી સાસુએ શીરો શેક્યો રે

તેમાં દિવેલની રેલમછેલ રે……..રાજ

ગ્રામ્ય નારીનું આખું વિશ્વ જ જુદું છે. આમ તો હવે સમય અને સમાજ બંને દૃષ્ટિએ સેળભેળ થઇ ચુકી છે. ગામડામાં શહેર અનેક રીતે પ્રવેશી ચૂક્યું છે પણ આપણા લોકગીતો પરંપરાગત રીતે ગવાતાં અને એ રીતે સચવાયેલા રહ્યાં છે અને એમાં નારીવિશ્વના જે ભાવો  વણાયેલા છે એ એવા સમયનો પડઘો પાડે છે જ્યારે ઘરકામ અને પોતાનો સંસાર, ખાસ કરીને પિયર-સાસરું એમાં જ સ્ત્રીની જિંદગી પૂરી થઇ જતી. એના પોતાના ભાવોની અભિવ્યક્તિ આવાં લોકગીતોમાં થતી. કેટકેટલાં લોકગીતો અને એની રચનારીઓના નામ પણ આપણે નથી જાણતાં પણ એનું ભાવવિશ્વ આપણને ચોક્કસ સ્પર્શે છે.

પિયરમાં માડી-બેનીનો પ્રેમ અને સાસરિયામાં સાસુ-નણંદનો ત્રાસ આ ગીતમાં વર્ણવાયો છે. માતાના બારણે મોગરાની સુગંધ છે અને સાસુના બારણે બાવળિયાના કાંટા છે. માતા હિંચકા ખવડાવે છે તો સાસુ ખાંડણિયે કામ કરાવે છે. એ જ રીતે માતાના શીરામાં ઘીની રેલમછેલ છે ને સાસુ શીરામાં દિવેલ રેડે છે. લોકગીતોની આ જ વિશેષતા છે, એમાં અભિવ્યક્તિ માટે રોજબરોજની જિંદગીની વાતો અને વ્યવહારો સરસ રીતે ગુંથાયેલાં હોય. આ ગીતની સાથે સાથે યાદ આવે છે, ‘દાદા હો દીકરી, વાગડમાં નવ દેશો રે સૈ, વાગડની વઢિયારી સાસુ, દોહ્યલી રે… અને જે સાંભળી આંખના ખૂણા અચુક ભીંજાય એવું, વહુ પરના ત્રાસની ચરમસીમા સમું ગીત, ‘વહુએ વગોવ્યાં મોટાં ખોરડાં રે લોલ…..

લોકગીતો સ્ત્રીઓએ ગાતાં ગાતાં જ રચ્યાં હશે. સ્વાભાવિક છે કે કાગળ પેન લઇને એ લખવા બેઠી ન હોય એટલે રાગ, ઢાળ, લયનું મહત્વ હોય. સ્ત્રીઓ કામ કરતી જતી હશે અને આમ ગીતો રચતી જતી હશે. કેટકેટલાં લોકગીતો અને એમાં આ ગીતની જેમ જ સાસુ, સસરા કે નણંદ ઉપરાંત સાંવરિયો પણ એવી સરસ રીતે ગુંથાયેલો મળી આવે છે. મારી સગી નણંદના વીરા, રૂમાલ મારો લેતા જાજો……. મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે..પોતાના દરેક ભાવો, એ સુખના હોય કે દુખના, એણે ગીતોમાં આમ વણ્યાં છે..

લોકગીતોમાં પ્રવેશીએ તો એમાં કાંબી, કડલાં ને શણગાર માગતી સ્ત્રી છે, ચાંદલિયાને રોકીને સૂરજને ન ઉગવા વિનવતી સ્ત્રી છે, સરવરની પાળે આંબા ડાળે કોયલને સાંભળતી સ્ત્રી છે, ડોલતાં ડુંગરાના સપના જોતી સ્ત્રી છે ને પિયુ પાસે લાડ કરી, ત્રાંબાના બેડાની ના પાડી રૂપલા બેડાં માંગતી સ્ત્રી પણ છે. ભાઇની બેનીના ગીત મળે છે તો માવડીની પ્રીતના ગીત પણ મળે છે….. લોકગીતોનો એક દરિયો છે અને ગ્રામ્યસ્ત્રી એમાં ખૂબ ખીલી, ખુલી, વિસ્તરી છે… એટલી હદ સુધી કે જાણે સ્ત્રી એટલે જ ગીત..

(આ ગીતની એક કડીના શબ્દો, ‘મારી બેનીના વાળ્યા ચોટલા રે….અને મારી નણંદના વાળ્યા ચોટલા રે…’. એનો અર્થ એવો થાય કે વહુએ પોતાની બેનીના ચોટલામાં પાંચ ફૂલડાં નાખ્યાં અને નણંદના ચોટલામાં વીંછુડા. સમગ્ર ગીતનો ભાવ જોતાં અને પરિસ્થિતિ જોતાં કે જ્યારે વહુ ઘરમાં સાસુ નણંદના ત્રાસથી એને સાંવરિયો પણ બચાવી શકે નહીં, એવા સમયમાં વહુ નણંદના ચોટલામાં વીંછી કેવી રીતે નાખી શકે ? એટલે મૂળ શબ્દો કદાચ આમ હશે મારી બેનીએ વાળ્યા ચોટલાને મારી નણંદે વાળ્યા ચોટલા’…. જેમ કે માએ શીરામાં ઘી રેડ્યું અને સાસુએ દિવેલ, એમ જ બેનીએ ચોટલામાં ફૂલડાં નાખ્યાં અને નણંદે વીંછુડા નાખ્યા. પરંતુ જે સંગ્રહમાંથી મેં લીધું, અહીં ફેરફાર કર્યા વગર એમ જ મૂક્યું છે, એટલે આટલી નોંધ મૂકું છું.)

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: