Posted by: readsetu | જુલાઇ 20, 2018

KS 60

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 60  > 6 નવેમ્બર 2012

કશું ન પૂછો – લતા હિરાણી

પરીને દેશ સરવું છે, હવે આપો રજા અમને !

વગર પાંખે પ્રસરવું છે, હવે આપો રજા અમને !

નથી કોઇ સ્પષ્ટ કારણ ભાગવાનું, કંઈ નથી અગવડ

સ્વરૂપ નોખું જ ધરવું છે, હવે આપો રજા અમને !

ઘણાંએ તપ કીધાં પોતીકી પળને પામવા માટે,

હવે બસ ત્યાં જ ઠરવું છે, હવે આપો રજા અમને !

ઉબડખાબડ ને ઝાડી ઝાંખરામાં, કંટકો વચ્ચે,

ઝરણની જેમ ઝરવું છે, હવે આપો રજા અમને !

મળ્યું છે એમ ઉડવું…. આંબતાં પહેલાં જ પટકાવું

ને સોંસરવા નીસરવું છે, હવે આપો રજા અમને ! ………………. મીનાક્ષી ચંદારાણા

મીનાક્ષી ચંદરાણાની આ ગઝલ આમ સાવ સરળ લાગે, દેખીતી રીતે વાત મુક્તિની છે, જ્યાં છે, જેમ છે, તેમાંથી છૂટવાની છે. પંક્તિએ પંક્તિએ નારો ગૂંજે છે, ‘હવે આપો રજા અમને..રજા માંગવાના ક્યા ક્યા કારણો છે ? કેવી કેવી પરિસ્થિતિ છે જેને કારણે રજા માંગવી પડે છે !! તો કવયિત્રી કહે છે, ‘નથી કોઇ સ્પષ્ટ કારણ ભાગવાનું, કંઇ નથી અગવડ..લો બોલો, અગવડ નથી, તકલીફ નથી તો પણ જવું છે, કારણ એ કે સ્વરૂપ નોખું જ ધરવું છે’, કારણ એ કે ઝરણની જેમ ઝરવું છે’, કારણ કંઇક એમ કે મનગમતા પ્રદેશોમાં પરીની જેમ વિહરવું છે, સરવું છે… મનગમતી રીતે મોજ પડે એ કરવું છે.. કોઇ પણ સ્ત્રીને આ કલ્પના જ સુખ આપી જાય કેમ કે પોતાના ઘર, સંસાર અને સગાંસંબંધીઓ તરફની જવાબદારીઓમાં મોટેભાગે એ એટલી બધી ફસાયેલી રહે છે કે ન પૂછો વાત ! પણ રજા માંગવાના આ બધાં કારણૉ વેલિડ હોવાં છતાં મુખ્ય અને સૌથી વજનદાર કારણ છે, ‘પોતીકી ક્ષણને પામવાની તરસ !!

પોતીકી પળને પામવાની તરસ એ આ ગઝલનું હાર્દ છે. જેના હૈયામાં કંઇક કરી બતાવવાની હોંશ છે, જેનામાં કશુંક સર્જનબુંદ, કલાનો આછો અજવાસ, બહાર પ્રગટવા ઝંખે છે એ જાણે છે કે એના માટે થોડીક પોતીકી પળ, પોતાનો સમય, કેટલો જરૂરી છે !! એવો સમય કે જ્યારે એ માત્ર પોતાની સાથે જ હોય. એ ખુદમાં જ ખોવાયેલી રહી શકે. એ સમય, માત્ર અને માત્ર એનો પોતાનો હોય.. કવયિત્રી કહે છે, એને માટે કેટલાં તપ કર્યાં પણ કંઇ ન વળ્યું. અરે, અમને તો ઊડવાનું યે એવું મળ્યું છે કે ઊંચાઇ આંબતાં પહેલાં જ પટકાઇએ. હવે તમે રજા આપો તો અમે એ પળને પામીએ, એ પામીશું તો અમે ઠરીશું ! એ પળ પ્રાપ્ત થશે તો અમે કંઇક જુદા જ હોઇશું. ઉબડખાબડ પંથની વચ્ચે, ઝાડી-ઝાંખરા ને કાંટાઓ વચ્ચે અમે ઝરણ થઇ વહી શકીશું. અમારી મુક્તિ એ અમારું બળ બની રહેશે અને એમાં જ અમારા અસ્તિત્વનું સાર્થક્ય હશે. !!

પોતીકા સમયનો ઉઘાડ માત્ર સ્ત્રીના જીવનમાં જ નહીં, એની આસપાસ જીવનારા સૌને માટે અજવાળું પાથરી જાય છે. નાનકડી આ ગઝલમાં સમસ્ત સ્ત્રી જગતની સંવેદનાઓ હળવાશથી પણ સ્પર્શી જાય એવી રીતે વ્યક્ત થઇ છે. શબ્દો સરળ છે, દેખીતી રીતે ભાવ સમજાય એવો છે અને આ સરળતામાં કવિતા આબાદ રીતે ખૂલી જાય છે. પોતીકી પળને પામવાની મથામણ લગભગ દુનિયાભરની સ્ત્રીઓએ ક્યારેક ને ક્યારેક કોઇને કોઇ રીતે અનુભવી હશે. કોઇકને એ લાંબા સંઘર્ષ પછી અંતે મળી હશે, કોઇકને એ માટે જીવનભર પ્રતિક્ષા કર્યા પછીયે પ્રાપ્ત નહીં થઇ હોય. કોઇકની જિંદગી જ એવી રીતે વીતી હશે કે પોતીકી પળ હોવાનું જેણે સ્વપ્નું ય નથી જોઇ શકી એમને અર્પણ શ્રી ધીરુબહેન પટેલનું આ અછાંદસ કાવ્ય થોડું ટુંકાવીને,

મા

જગતભરના કવિઓએ

પ્રશંસાના પુષ્પોમાં દાટી દીધી તને

સુગંધના એ દરિયામાં તણાઇ ગઇ તું

ને ભૂલી ગઇ કે તું માત્ર માતા નથી

છે એક વ્યક્તિ જેનું કંઇક કર્તવ્ય છે

પોતાની જાત પ્રત્યે…….

રૂધિરનો માર્ગ પણ એકમાર્ગી નથી

હોય તો જીવન અટકી જાય

સ્નેહનો પ્રવાહ શા સારુ એકમાર્ગી ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: