Posted by: readsetu | જુલાઇ 21, 2018

KS 61

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 61  > 13 નવેમ્બર 2012  

વણકહી વ્યથા – લતા હિરાણી

હાશ દિવાળી પતી !

જાતાં જાતાં પણ એ મારી

મૂંઝવી દેતી મતિ

રે મન, હાશ દિવાળી પતી !

ફટાકડા ચમકારા કરતા

પણ ધૂમ્ર રુંધતો ત્યારે

ઘર ઘર જલતાં કોડિયે પણ

તિમિર ઘેરતું ભારે

સાલ મુબારકઉદગારે પણ

શાંતિ છીછરી થતી

રે મન, હાશ દિવાળી પતી !

ભલે થતો આ નવલ વર્ષનો

પ્રારંભ તેજ ભરેલો

(પણ) પૂનમને બાદ અમાસે

રેલે શ્યામલ રેલો

જીવનકેરાં સુખોમાંહે

થાય દુખમાં ગતિ

ઉર હે, હાશ, દિવાળી પતી !

છતાં કરું છું

સુખ દુખોમાં આતમકેરી

ઉદયે થજો પ્રગતિ

હવે તો, હાશ દિવાળી પતી ! ….. ગીતા પરીખ

 

હું દિવાળીને અનુરૂપ કાવ્યો શોધતી હતી, પ્રોપર દિવાળીનું નહીં તો છેવટે કંઇક પ્રકાશ, અજવાસ પરની કવિતા યે મળી જાય તો !! ત્યાં સ્વ. ગીતાબહેન પરીખનું આ અછાંદસ કાવ્ય હાથમાં આવ્યું અને મનમાં ખુશીની એકસાથે કેટલીયે ફૂલઝર ઝગી ઊઠી !! એક ગૃહિણી માટે તહેવારો અંગે આથી વધુ સચોટ અભિવ્યક્તિ કઇ હોઇ શકે ? પૂ. ગીતાબહેન, તમે જ્યાં છો ત્યાં, સર્વે ગૃહિણીઓ તરફથી સાદર વંદન સ્વીકારશો..

આ કાવ્યનું શિર્ષકમાં જ ઘરસંસારનો ભાર જેને માથે છે એવી ગૃહિણીની હૃદયની સાચી વાણી વહી નીકળી છે. દિવાળી તહેવારોમાંયે શિરમોર સમો તહેવાર… આમ જુઓ તો કોઇ પણ તહેવાર હોય, ગૃહિણી ઉપર કામનું ભારણ વધી જ જાય. મારી એક મિત્ર છે, યોગાનુયોગ એ પણ ગીતાબહેન છે. એમના પતિને ઉત્તરાયણ પર પતંગો ઉડાવવાનો ભારે શોખ. એને કારણ એમના ઘરે બીજા સગાંઓ, મિત્રોની મંડળી જામે. ગીતાબહેન કહે, મારે એ દિવસે ચાલીસેક માણસોનું રસોડું હોય…. !! બસ સમજો આ કવિતા આવી બધી આપણી બહેનોની વાત કહી જાય છે.

ભલે સ્ત્રીને પણ આનંદ હોય. રંગોળી, સાથિયા, ઘરને શણગારવું, બાળકો માટે ફટાકડાઓ, મિઠાઇઓ, મહેમાનોનું સ્વાગત પણ આ બધા પાછળ એ કેટલી થાકે છે એ તો બસ એનું આ હાશ દિવાળી પતીકહી જાય.. કેમ કે કંઇ કેટલાયે દિવસોથી તૈયારી ચાલતી હોય.ગાદલાં તડકે નાખવાથી માંડીને, માળિયા સાફ કરવા અને પછી ઘરની શોભા વધારવા કે મિઠાઇઓ બનાવવાથી માંડીને આખરે સાલમુબારકકહેવા સાંભળવાનો દિવસ આવે ત્યાં સુધીમાં એના આંટા પૂરા થઇ ગયા હોય !! અંતે આ બધી વાતને અંધકાર પછી પ્રકાશ અને સુખ પછી દુખની ઘટમાળ સાથે જોડીને કવયિત્રીએ

 

આખરે આતમની પ્રગતિ વાંછી છે અને એ જ પામવાની ગતિ છે.. આપ સૌને પણ એ પ્રગતિભર્યું સાલમુબારક !!

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: