Posted by: readsetu | જુલાઇ 25, 2018

KS 64

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  64  > 4 ડિસેમ્બર 2012

મારે જીવવું છે મા – લતા હિરાણી

માડી મને લઇ જા તું તારા એ દેશમાં

મારે આવવું છે તારા જેવા વેશમાં

મારા જીવતરને દેશવટો દઇશ મા……..

નાનકડી પગલીને રક્તે રંગીશ મા

કુમળી આ વેલને જાતે તોડીશ મા

પછી પડછાયા રડશે રવેશમાં….

સાગરના ખોળામાં, પર્વતની સેજમાં

સૂરજ ને ચાંદાના ઝળહળતા તેજમાં

ફરવું છે જુદા જુદા વેશમાં….

કલરવની કોયલ હું ટહુકું ઉપવનમાં

કળીઓથી કોમળ છું મહેકું જીવનમાં

કચડીશ ના મને એક ઠેસમાં

કચડીશ ના મા, આવેશમાં…. જયશ્રી મહેતા

ભૃણહત્યા પર નારાઓ લગાવવા છતાં, પડઘમો વાગવા છતાં, સમાજની કુંભકર્ણી ઊંઘ ઉડતી નથી ત્યારે આવા વિષય પર રચાતાં આવાં નાનાં કાવ્યો કોઇના મન પર ક્યાંક પણ અસર છોડી જાય તો એનું સર્જન લેખે છે. અલબત્ત કવિતા તરીકે તો આ નાનકડું કાવ્ય સરળ – સુંદર છે જ, હું એની સામાજીક અસર વિશે વાત કરી રહી છું. એ કોઇનુંયે હૃદય પરિવર્તન કરાવી શકે અને ક્યાંક કોઇક બાળકીને જીવન કે પછી અજન્માને જન્મ મળી જાય તો… દીકરીના જન્મને રોકનાર સમાજની એવી કઇ મજબૂરી છે ? કારણોમાં નજર કરીશું તો એક તરત દેખાય એવી વાત છે ખોટા સામાજિક રીતરિવાજો.. ત્યાં પરિવર્તન થશે તો આ સમસ્યાનો હલ પણ ધીમે ધીમે આવશે. સમાજમાં જ્યારે છોકરાઓ અને છોકરીઓ વચ્ચેની સમતુલા ખોરવાઇ રહી છે ત્યારે વિક્રમ સંવત 2069ના આ નવા વર્ષે આપણે જરૂર આવું જ ઇચ્છીએ..

કવયિત્રી જયશ્રી મહેતાનું આ એક ગીત છે અને કવિ સુરેશ દલાલ કહે છે તેમ ગીત એક ગુલછડી છે. એ એની રીતે પ્રગટી જાય છે. આ કવિતામાં બાળકીના શબ્દોમાં જ એની અભિવ્યક્તિ થઇ છે અને એટલે એ વધુ અસરકારક બની છે. એ માત્ર વેદના જ નહીં, પોતાના સ્વપ્નો પણ વેરતી જતી હોય એમ આલેખાયેલું છે. આ વાત કવયિત્રીએ પોતે કહી હોત તો કદાચ ઉપદેશ બની જાત !! વળી બાળકી આ વિનંતિ પોતાની માતાને કરે છે એ પણ ખૂબ અગત્યનું છે. આપણે ઘણી જગ્યાએ સમાચારોથી જાણીએ છીએ કે માતા પોતે પણ બાળકીના આગમનને રોકવામાં તૈયાર કે સાથીદાર હોય છે. માતાએ પોતે બાળકીને ફેંકી દીધી હોવાના સમાચારો પણ આપણે સૌએ કદીક વાંચ્યા છે ત્યારે માતાને આટલું કઠોર ન બનવાની, પોતાના હાથને પોતાના જ સંતાનના રક્તે ન રંગવાની વાત કરતી બાળકીની અપીલ કેટલી કરૂણ ભાસે છે !! એને એ પણ ખાતરી છે કે કદાચ મા આવું કરી બેસશે તો પછી એણે જરૂર પસ્તાવું પડશે… જે બાળકીને નવ માસ ગર્ભમાં પોતાના લોહીથી સીંચી, એના રૂદનથી એની સાંજો છલકાઇ જશે.. વાત આટલી જ નથી. આ કવિતામાં કવયિત્રીએ માત્ર કરૂણ રસ નથી રેલાવ્યો. એમાં મીઠા મજાના રંગો પણ ભર્યા છે. દીકરીને સાગરના ખોળામાં અને પર્વતોની સેજમાં સરવું છે, સૂરજ ને ચાંદાના તેજમાં ઝળહળવું છે, કોયલની જેમ ઉપવનમાં ટહૂકવું છે અને કળીઓની જેમ મહેકવું છે… બસ આના માટે માતાએ મક્કમ થવાનું છે. ઘરમાં કે સમાજમાં ભલે કેટલોય વિરોધ હોય, એણે પોતાની બાળકીને, પોતાના અંશને જરૂર જન્મ આપવાનો છે. બીજાઓની શેહમાં તણાવાનું નથી કે પોતે આવેશમાં આવી જવાનું નથી..

અહીં આ જ ભાવ લઇને આવતી યામિની વ્યાસની આ ગઝલ પણ (ટૂંકાવીને) નોંધવી ગમશે.

આંગળી પકડીને તારી ચાલવા દે

મા મને તું આ જગતમાં આવવા દે

વંશનું તુજ બીજ કો ફણગાવવા દે

ગોરમાની છાબ લીલી વાવવા દે

વ્હાલની વેલી થઇ ઝૂલીશ દ્વારે

આંગણે સંવેદના મહેકાવવા દે

સાપનો ભારો નથી તુજ અંશ છું હું

લાગણીના બંધનોને બાંધવા દે……………

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: