Posted by: readsetu | જુલાઇ 30, 2018

KS 65

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 65 > 11 ડિસેમ્બર 2012

પંખી તો પંખી છે ! – લતા હિરાણી  

ચોકમાં ચણ નાખીને બેસી રહું છું

મારા બોલાવ્યાથી જ

પંખી આવી નથી જતું.

એ આવે છે એની મરજીથી.

ફૂલો મધુના ભારથી લચી પડે તો શું ?

મન થશે ત્યારે જ

ફરફરતું પતંગિયું આવશે.

રસ્તામાંનાં ખાબોચિયામાં

છબછબિયાં કરવાનું મન નથી થતું હવે.

ભેજની શેવાળથી છવાયેલા કાચ પર

નામ લખી દેવાનું તોફાન નથી સૂઝતું હવે.

અવરજવર તો રહી

ને ધૂળિયાં પગલાંયે ઘણાં પડ્યાં

પણ કોઇનાયે પદક્ષેપથી

શલ્યાનો ઉદ્ધાર નથી થયો હજી.

જાણું છું

જે પંખી ના આવે તેને માટે

ચણ નાખીને બેસી રહેવું,

જે પતંગિયું ભમ્યા કરે તેને માટે

ફૂલોએ સાજ સજવા

જેનો સ્પર્શ થવાનો નથી

તે સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું

તે તો છે

અપાત્રને કરેલું પ્રેમનું દાન……. પ્રીતિ સેનગુપ્તા

 

રોબર્ટ ફ્રૉસ્ટની એક સરસ વાત છે કે કવિતા મુગ્ધ આનંદમાં પ્રારંભ પામે છે અને ઉદાસ શાણપણમાં વિરમે છે. પ્રવાસિની કવયિત્રી પ્રીતિ સેનગુપ્તાનું આ કાવ્ય મુગ્ધતાને અડીને આવેલું અને એની નિરર્થકતાને પામીને પછી શાંત ઠરેલ ઉદગારોથી સજેલું છે. સ્ત્રી-પુરુષના સંબંધો કે પછી કહોને કે સાંસારિક સંબંધોની અધૂરપને વ્યક્ત કરતું કાવ્ય છે..

આંગણામાં ચણ નાખીને બેસી રહેવાથી, રાહ જોવાથી પંખી આવી જાય એવું નથી જ. એ આવેય ખરું અને ન પણ આવે. ફૂલ મધુથી લચી પડે પણ એ તો ભમરાની મરજી છે કે ફૂલ પર બેસવું કે નહીં. કવિતાની શરુઆત કંઇક અંશે પ્રેમની હતાશા દર્શાવવા થઇ છે અને પછી મુગ્ધતા ઓસરી ગયાની વાત છે. રસ્તાના ખાબોચિયામાં છબછબિયાં કરવાની તોફાની ઇચ્છા હવે શમી ગઇ છે કે જ્યાં ને ત્યાં પ્રિય પાત્રનું નામ ચિતર્યા કરવાની મસ્તીભરી ટેવ પણ છૂટી ગઇ છે. આટલા શબ્દોની પાછળ ઘણી ઘેરી ઉદાસી છુપાઇ છે. વિષાદના રંગથી વચ્ચેની કોરી જગ્યા ભરાઇ જાય છે.

સંબંધોની દુનિયા એમ તો મૃત પણ નથી થઇ. અવરજવર રહી છે, ધૂળિયા પગલાંય ઘણા પડ્યા પણ શલ્યાનો ઉદ્ધાર નથી થયો.. નાદાની, મુગ્ધતા અને આવેશ આ બધી અવસ્થા વટાવી હવે નાયિકા સમજણને દ્વારે આવીને ઊભી છે. પરિપક્વતાને આરે આવીને ઊભી છે. એને સમજાય છે ખોટા પાત્રની પ્રતિક્ષાની નિરર્થકતા !! એને અનુભવાય છે આભાસી સુખનું મહોરું !! જે રસ્તો પોતાનો નહોતો ત્યાં પગલાંઓ પાડીને એણે થાકની ઝોળી ભરી… જે વ્યક્તિ પોતાની નહોતી એની રાહ જોઇને બેય આંખની ધારે વહી..

છેલ્લી વાત એ છે કે જે પંખી આવવાનું નથી એને માટે ચણ નાખીને રાહ જોવી કે જે ભમરો ગુંજવાનો નથી એને માટે ફૂલોએ સાજ સજવા, જેનો સ્પર્શ થવાનો નથી એવા સુવર્ણમણિની આશામાં તપોમગ્ન રહેવું એ વ્યર્થ છે. અપાત્રને પ્રેમનું દાન ન હોય. વાતને થોડીક આગળ લઇ જઇએ તો જે પ્રતિકો કવયિત્રીએ વાપર્યા છે, પંખી, ફૂલ કે ભમરો એ સર્વે સહજ ભાવે જ વર્તે છે. અલબત્ત ભમરાને કવિઓએ વગોવ્યો છે ખરો પણ એ જુદી વાત છે. ફૂલને પડી જ નથી હોતી કે ભમરો આવશે કે નહીં આવે. એ પોતાની મસ્તીમાં, કહો કે કુદરતના ક્રમ મુજબ ખીલી ખીલીને ખરી જાય છે. ચણ માટે ઊડ્યા કરવું પક્ષીનો સહજ સ્વભાવ છે. કોણ નાખે છે એની સાથે એને કોઇ નિસ્બત નથી હોતી. નાખનાર પોતાની ઇચ્છાથી એ કાર્ય કરે છે. એટલે જ ધર્મ એવું કહે કે જે આપો એ સહજ ભાવે આપો. કોઇ અપેક્ષા વગર આપો. પાત્ર-કુપાત્ર જોયા વગર આપો.

એ આધ્યાત્મિકતા અહીં અપેક્ષિત છે ? અપેક્ષાઓ પૂરી નથી થઇ અને એક ઊંડા વિષાદ સાથે હકીકતનો સ્વીકાર છે. એવું થવા બદલનો કોઇ ધૂંધવાટ વ્યક્ત નથી થયો. બસ રાત વીતી ગઇ છે.. પ્રભાતે નાયિકા શું ઝંખે છે એ કદાચ અહીં અધ્યાહાર છે… કેમ કે અપાત્રને કરેલું  પ્રેમનું દાનશબ્દો કોઇ ભાવુકતા વગરની સ્વસ્થતામાંથી પ્રગટ્યા છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: