દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 67 > 25 ડિસેમ્બર 2012
આઘાત પ્રત્યાઘાત – લતા હિરાણી
માણસમાંથી માણસ ખૂટ્યો
માણસ થઇને માણસ લૂંટ્યો
ચહેરો જોવા દર્પણ ધરતાં
તડાક તડ તડ માણસ તૂટ્યો
શ્વાસોના પડછાયા જેવો
ફુગ્ગા જેવો માણસ ફૂટ્યો
ટોળા સાથે ટોળું થઇને
ખુદને ભૂલી માણસ છૂટ્યો.
જીવતરના ઓરસિયા ઉપર
આખેઆખો માણસ ઘૂંટ્યો….. પ્રફુલ્લા વોરા
પ્રફુલ્લા વોરાની આ ગઝલ એક આઘાત – પ્રત્યાઘાતને લઇને આવી છે. માણસજાતમાંથી વિશ્વાસ ખૂટે એવું કશુંક બને અને એનો કોઇ ઉપાય પણ નજરે ન ચડે એવી પરિસ્થિતિમાંથી જન્મી છે. માણસમાંથી માણસાઇ જ ખૂટી જાય ત્યારે કેવી વેદના જન્મે એનું વર્ણન છે. આમ તો સરખામણીએ કવયિત્રીઓની સંખ્યા જ ઓછી છે એમાંય જુદા જુદા વિષયો પર કવયિત્રીઓના ભાવ-પ્રતિભાવ કાવ્યો ઓછા મળે છે ત્યારે પ્રફૂલ્લા વોરાની આ ગઝલ નોંધપાત્ર બની રહે છે.
માણસ માણસ નથી રહેતો અને જંગલિયત પર ઊતરી આવે છે ત્યારે આવું વેદનાજગત જન્મે છે. આપણાં સ્મરણમાં અનેક એવાં દૃશ્યો, ઘટનાઓ તરવરે અને એમ થાય કે માણસ થઇને માણસને કેમ લૂંટી શકે ? એક માણસ બીજા માણસને કેમ છળી શકે ? સહુના લોહીનો રંગ લાલ છતાં એક માણસ બીજાને છુરી કેમ હુલાવી શકે ? આટઆટલા ધર્મ, સંપ્રદાયો અને ધર્મગુરૂઓનો રાફડો હોવા છતાં માણસમાં માણસાઇ પ્રગટાવવામાં કેમ નિષ્ફળ જાય છે ? અને ક્યાંક ખૂણેખાંચરે કોઇ દિવાઓ પ્રગટે છે તોયે એને હોલવવા કેટલાયે વાવાઝોડાઓ ઊતરી આવે છે !! ક્યાંક ગાંધીને ગોળીએ દેવાય તો ક્યાંક ઇશુને વધસ્તંભે લટકાવાય !!
આ નાનકડી ગઝલમાં દર્પણ, ટોળું, ફુગ્ગો, ઓરસિયો જેવા ભાવપ્રતીકો દ્વારા કવયિત્રીએ વિસરાતી માણસાઇને અસરકારક રીતે રજૂ કરી છે. તડાક દઇને તૂટવું, ફૂગ્ગાની જેમ ફૂટવું ને ટોળામાં ખુદને ભૂલી સહિયારી માનસિકતામાં સરી ડવું માણસનું અધ:પતન દર્શાવાયું છે. અહીં જવાહર બક્ષી યાદ આવ્યા વગર ન રહે, ‘ટોળાની શૂન્યતા છું, જવા દો, કશું નથી..’
આખરી શેર ‘જીવતરના ઓરસિયા ઉપર, આખેઆખો માણસ ઘૂંટ્યો’ એ કંઇક જુદી વાત કહી જાય છે. આખીયે ગઝલ માણસમાંથી મૂલ્યો છૂટી ગયાની વાત છે પણ આ છેલ્લા શેરમાં કંઇક હકારાત્મકતા પણ પ્રગટે છે એવું મને લાગે છે. અલબત્ત કવયિત્રીને શું અભિપ્રેત છે એ તો એ જ જાણે. અને કાવ્યની આ જ ખૂબી છે. એમાંથી અનેક અર્થોની આભા પ્રગટે.. ઓરસિયા પર કોઇ ચીજને ઘૂંટવાથી એનો અર્ક નીકળે છે અને કામની, ઉપયોગી, કે મૂલ્યવાન ચીજોને જ ઘુંટાય. એનો અર્ક તો એથીયે મૂલ્યવાન હોય !! કોઇ પણ વ્યક્તિ બદામ ઘૂંટશે, બાવળ નહીં જ..
માણસને સમયની ખરલ ઘૂંટ્યા કરે છે. જે ઘૂંટાય છે એનું સત્વ બહાર આવે છે, બાકીના છલકાઇને બહાર ઢળ્યા કરે છે એના હોવા ન હોવાનો કોઇ અર્થ નથી હોતો. કદાચ કવયિત્રી પણ એ જ કહેવા માગે છે કે સૂકા પાંદડાના ઢગ નીચે લીલાં તરણાં ઊગ્યા છે. હું તો એમ પણ કહીશ કે આશાની ટમટમતી જ્યોત સ્ત્રીના દિલમાં હંમેશા જલતી જ રહે છે એટલે જ એ ગમે તેવા દુખ સહી શકે છે. અહીં એ જ આશાનું પ્રતિબિંબ મને દેખાય છે… તમે પણ આંખ ઝીણી કરીને જોજો !!
આ જ કવયિત્રીની બીજી એક ગઝલનો એક શેર
ઝાકળ જેવું જીવે માણસ, અજવાળાથી બીવે માણસ
જીવતર આખું દોડી દોડી, ખાલીપાને પીવે માણસ….
વાહ! ઉમદા ગઝલને એટલું જ મનનીય રસદર્શન
Sent from my iPhone
>
By: nabhakashdeep on ઓગસ્ટ 4, 2018
at 7:03 પી એમ(pm)
આપનો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ…
By: readsetu on ઓગસ્ટ 8, 2018
at 3:23 પી એમ(pm)