Posted by: readsetu | ઓગસ્ટ 8, 2018

KS 68

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  68  > 8 જાન્યુઆરી  2013

સપને સપને કબ હુએ અપને ! –  લતા હિરાણી 

હજુ હમણાં જ સૂરજ ઊગ્યો છે

પરોઢે ખીલેલાં તાજાં તાજાં ફૂલોની જેમ

મારાં સપનાંઓ હજી તાજાં છે

આંખની દાબડીમાં સચવાયેલાં.

ધીમે ધીમે

એક પછી એક

બખોલમાંથી બહાર આવતાં ગલુડિયાંની માફક

નીકળી પડશે ટહેલવા

ધીંગામસ્તી કરવા

રમવા અને

જીવી શકાય એટલો ખોરાક શોધવા

સાથે સાથે સૂરજ પણ પડતો રહેશે

ફૂલો પર

દિવસ આખો બધું જ મળશે કદાચ

સાંજ સુધીમાં કરમાઇ જવાની

એક જ શરતે !!………….. વર્ષા બારોટ

 

કવયિત્રી વર્ષા બારોટની એક મજાની અછાંદસ કવિતા આજે જોઇએ.

વાત ખીલવાથી શરૂ થાય છે, ઊગવાથી શરૂ થાય છે. એમાંય પરોઢ અને આંખની દાબડીમાં સચવાયેલાં તાજાં સપનાં કવિતાની શરૂઆતને જ તાજગીથી ભરી દે છે. સપનાઓમાં એમણે ભરી દીધી છે તાજાં ફૂલોની સુગંધ પણ… યુક્તિ સરસ છે. આ સપનાઓ ટહેલવા નીકળે છે. સપનાઓને આંખની દાબડીમાં પૂરાઇ રહેવું થોડું ગમે ? એને તો જોઇએ વિહરવાનો અવકાશ અને મુક્તિનું આકાશ. સપનાંઓને કોઇ બંધન નથી, મર્યાદા નથી.. એને વર્તવાનીયે પૂરી આઝાદી છે. એ ધીંગામસ્તી કરવા, રમવા અને ખોરાક શોધવા મોજ મસ્તીથી ફર્યા કરશે.

અહીંથી પિક્ચર બદલાય છે. સપનાઓની આ મોજ પર સૂરજના તડકાનો તાપ વધતો જવાનો છે. માત્ર સપનાંઓ પર જ નહીં, ફૂલો પર પણ શીતળતાનો પવન આથમી ઊનો વેગીલો વાયરો વાશે. દિવસ આમ પૂરો થાશે અને સાંજ પડે બધું કરમાઇ જશે… એક બાજુ સપનાંઓ અને બીજી બાજુ ફૂલો.. આ તો એક સ્ટેટમેન્ટ થયું. કવયિત્રી લખે છે, ‘દિવસ આખો બધું જ મળશે કદાચ, સાંજ સુધીમાં કરમાઇ જવાની આ એક જ શરતે….’’ આટલી વાત ઉપરના બધાય શબ્દોને કાવ્યત્વ બક્ષી દે છે.

આ શરતવાળી વાત ફૂલોની સુગંધ અને સપનાંની ધીંગામસ્તીનો આનંદ ધરાર છીનવી લે છે. કવિતા ત્યાં પૂરી થાય છે અને એ શબ્દો મનની ખરલમાં ઘૂંટાવાના શરૂ થાય છે. શરત શા માટે ? શરત વગર, માત્ર નિર્ભેળ રીતે કશું મળી ન શકે ? ના, કદાચ આ દુન્યવી સંબંધોમાં એ શક્ય નથી. એ લેણદેણ વગરના નથી. એમાં ખીલવાનું અને મુરઝાવાનું છે. ઉદય અને અસ્ત છે. સવાર અને સાંજ છે.

આ નિરાશાની કવિતા છે ? જવાબ મોટે ભાગે હા’. કેમ કે આખીયે વાત જે નાજુકાઇથી ઉઘડી છે એમાં અંતે સંબંધોની નિરાશા વધુ પ્રગટતી દેખાય છે. સવાર છે, ફૂલો અને સુગંધથી જાતને સમજાવવાની યે વાત છે પણ આખરે તો નિષ્ફળતા ઝબકી જાય છે જેનો અસ્વીકાર કરવો નાયિકા માટે મુશ્કેલ છે.

અલબત્ત આ શરતવાળી વાતના જવાબમાં નિરાશાના સંદર્ભે ‘ના’ પણ મળી શકે. જો એને આધ્યાત્મિક સંદર્ભે જોઇએ તો !! સવાર પછી સાંજ અને રાત પછી દિવસ… ખીલવું ને ખરવું એ કુદરતનો ક્રમ છે, સહજ છે ને એનો સ્વીકાર હોય તો કોઇ દુખ, પીડા ન રહે. જોકે અહીં નાયિકા શું કહે છે ? તમે જ જવાબ આપો

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: