Posted by: readsetu | ઓગસ્ટ 9, 2018

KS 69

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 69 > 8 જાન્યુઆરી 2013    

જલદ સવાલો – લતા હિરાણી

મા !  હું તો નાનકડી ચિનગારી,

મારી પૂરી તાકાત સાથે

અંધારા સામે લડ્યા પછી જ ઓલવાઈ છું .

પરંતુ મા !

હું તને એક વાત કહેવાની તો ભૂલી જ ગઈ ! !

ગેંગ રેપ દોડતી બસમાં જ થાય છે એવું નથી .

સંવેદના પ્રગટ કરવા માટે

પોતપોતાની સુગંધ લઇ એકઠા થયેલા ફૂલો પર

વોટરગન, ટીયરગેસ અને લાઠીઓથી તૂટી પડાય,

શું એને ગેંગરેપ ના કહેવાય ?

સફાળા જ ઊંઘમાંથી જાગી આંખો ચોળતા ચોળતા

રાબેતા મુજબના ઠાલા આશ્વાસનો આપી

પાછું હૂંફાળી રજાઈમાં પોઢી જવાય

શું એને ગેંગરેપ ના કહેવાય ?

આંખ સામે જ એક નાજુક વેલને

મૂળમાંથી જ ઉખેડી નંખાય,

તેમ છતાયે  મોઢા પરથી માખ ના ઉડાડાય

શું એને ગેંગરેપ ના કહેવાય ?

આખ્ખીયે ઘટનાને એન્કેશ કરવા

ચારે બાજુ દોડધામ મચી જાય ,

શું એને ગેંગરેપ ના કહેવાય ?

ઝઝૂમી ઝઝૂમીને શાંત પડેલી

એક નાનકડી ક્ષણને સલામતીના કારણોસર

ચુપચાપ અગ્નિના હવાલે કરી દેવાય

શું એને ગેંગરેપ ના કહેવાય ?

મા ! હું બરાબર જાણું છું

જો જે ને થોડાક  દિવસોમાં જ

મેં દોરેલી ચિનગારીને

સિફતપૂર્વક ભૂસી નાખવામાં આવશે

અને ફરી રાહ જોવડાવવામા આવશે એક દોડતી બસની .

પરંતુ મા !

ગેંગરેપ કરનારાઓ માત્ર દોડતી બસમાં જ હોય છે એવું નથી …………કૃષ્ણ દવે

એક ભયંકર ઘટના ઘટી છે, અલબત્ત આવું ચારેબાજુ ખૂણે ખાંચરે થયા જ કરે છે પણ આ રાજધાનીમાં સરેઆમ ખુલ્લેબજાર થયું છે અને જનમાનસનો એક જુવાળ ઊઠ્યો છે. સવાલો અહીંયા જ છે એવું નથી …સવાલો દરેકની જીહ્વા પર છે જે જ્વાળા બનવા જાય છે પણ એને ચૂપ કરવા આખી ફોજ તહેનાતમાં ખડી છે. સડકો પર આક્રોશનો જવાળામુખી ફાટે છે ત્યારે એને લાઠી વિંઝીને, ટીયરગેસ છોડીને ખતમ કરી દેવાનું ઝનૂન પ્રજાના કહેવાતા રક્ષકોનેય જાગે ત્યારે સવાલ થાય કે આ યે શું ગેંગરેપ નથી ? નિર્વીર્ય નેતાઓ, રાજકારણીઓ તમે થોડાંક ઠાલાઠમ આશ્વાસનો આપીને લાજ શરમ નેવે મૂકી ફરી તમારી મુલાયમ તળાઇઓમાં પોઢી જશો…. તમે તો આખી પ્રજા પર ગેંગરેપ કરો છો..

એક ભૃણ, એક કન્યા, એક સ્ત્રી અને હત્યા, ક્રૂરતા,બળાત્કારનો સિલસિલો…. જાગૃતિ શોધવા જવી પડે ત્યારે સવાલ થાય ગેંગરેપ ક્યાં નથી થતો ? અરે મિડિયાને પણ આ ઘટનાને પોતાના ફાયદામાં વટાવવા કૂદી પડે અને એના માટે જ ચારે બાજુ દોડધામ મચે !! ખેર.. આ બધા પછીયે પેલી દીકરીના જીવને શાંતિ ક્યાં છે ? ઝઝુમી ઝઝુમીને શાંત પડેલી એની જ્યોતિને ચૂપચાપ અગ્નિને હવાલે કરી દેતા એ કોઇના પેટનું પાણીયે હાલ્યું નહીં…. એટલે તો આવી દીકરીઓ ચિત્કારી ચિત્કારીને કહે છેકે એમના જીવનું બલિદાન એળે જ જવાનું છે. એ કહે છે, મા, અત્યારે ભલે લાગે કે એક ચિનગારીએ આખો દેશ જાગ્યો છે, એક તણખે આખું જંગલ સળગ્યું છે પણ બહુ જલ્દી બધું ઠરી જશે, ના સિફતપૂર્વક ઠારી દેવામાં આવશે. લોકોના આક્રોશને બીજે પાટે ચડાવવાનો પ્રયત્ન થશે. કંઇ કેટલીયે બારીઓ ખોલી નાખવામાં આવશે. આમ તો આ કંઇ નવું થોડું છે ? આવા ધુમાડા ઊઠ્યા જ કરે છે એમ ઊઠ્યા જ કરશે ને સમયના પાટે ઘરઘરાટ બોલ્યા કરશે ફરી આમ એક દોડતી બસનો…..

જવા દો ને બીજા કોઇની વાત, કવિ પૂછે છે, મને અને તમને, શું આપણે ભૂલી જઇશું આ ગોઝારી ઘડીઓને ? શું આપ્ણે વિસારે પાડી દઇશું ધ્રુજાવી દેતી આ આ ભયંકર ઘટનાને ? શું આપણે કંઇ નહીં કરીએ એની સામે ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: