Posted by: readsetu | ઓગસ્ટ 14, 2018

KS 343

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 343 > 7 ઓગસ્ટ 2018

હા, હું કહું છું – લતા હિરાણી

અઠંગ આંખ હોય પણ ફરક કળી શકો નહીં,

મને મળ્યા પછી તમે તમે રહી શકો નહીં.

શરત ગણો તો છે શરત, મમત કહો તો હા, મમત!

તમે તમે ન હોવ તો મને મળી શકો નહીં.

પ્રવેશબાધ કે નિયમ કશું નથી અહીં છતાં

કહું હું ત્યાં લગી તમે પરત ફરી શકો નહીં.

જો થઈ જશે લગાવ તો સ્વભાવ થઈ જઈશ હું,

મથો છતાંય એ પછી મને તજી શકો નહીં.

તરણકળા પ્રવીણ હો, તરી શકો સમંદરો,

ડૂબી ગયા જો આંખમાં, તમે બચી શકો નહીં.

પડ્યા પછી જ પ્રેમમાં ખરેખરી ખબર પડી,

સતત મરી શકો ખરા, સતત જીવી શકો નહીં.  – હર્ષવી પટેલ

સ્ત્રીનો અહી એક જુદો જ મિજાજ જોવા મળે છે. કોઈ તકરાર, ફરિયાદ કે નારીવાદનો ઝંડો નથી. સ્ત્રી-પુરુષની સમાનતાનો અહીં મુદ્દો નથી. વાત પ્રેમની છે, સ્ત્રી તરફથી છે પણ પૂરી ખુમારી અને જોશ સાથે છે. જાણે એ ચેલેન્જ આપતી હોય ! આ ચેલેન્જ પણ બહુ મીઠી છે, સ્વીકારવા માટે મન તડપે એવી… બસ નાયિકાને દંભ પસંદ નથી. જે અંદર છે એ જ બહાર જોઈએ. કોઈ મહોરા લગાવીને ફરે એનાથી નાયિકા દૂર ફરે…. પોતાના પ્રેમની શક્તિ પર ગૌરવથી ગર્વ સુધી લઈ જતા વિશ્વાસ માટે શું કહેવું ? ગર્વ થોડી કાળી છાંય ધરાવતો શબ્દ હોવા છતાં અહીં એ વર્તાતું નથી. જેને પોતાના રોમેરોમ પર નાઝ છે, હૈયાની પ્રત્યેક હલચલ પર વિશ્વાસ છે, એવી આ નાયિકા છે. પોતાના શબ્દમાં, પોતાના ઇશારામાં ને પોતાની મરજીમાં એ મુસ્તાક છે. એને કોઈ શંકા નથી કે મારા ધારવા મુજબ નહીં થાય !

એકવાર મારી પાસે આવશો તો હું તમારી આદત બની જઈશ અને આદત બદલવી આસાન નથી હોતી ! કોઇની આંખમાં ડૂબ્યા પછી ભલભલાની હોડી કિનારે લાંગરી નથી ! ‘તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી….’ જેવી વાત અહીં છે. હા, એ વાત પુરુષ તરફથી હતી અને સ્વામીત્વથી છલકાતી વાત હતી કેમ કે આગળના શબ્દો છે, ‘તારા રૂપની પૂનમનો પાગલ એકલો !’ આમેય પ્રેમમાં ભાગીદારી કોઈને મંજૂર ન જ હોય પણ સાવ ખુલ્લેઆમ કહી શકવું અઘરું હોય છે. અહીંયા નાયિકા કોઈને બાંધવાની વાત નથી કરતી પણ એના મનમાં એટલું સ્પષ્ટ છે કે જો તમે બંધાયા તો પછી છૂટવું અઘરું જ નહીં, લગભગ અશક્ય છે અને એવું દિલધડક રીતે કહી શકે છે. આ રચનાનું આ  જબરદસ્ત જમાપાસું છે. 

અંતે પ્રેમનું સર્વકાલીન સત્ય રજૂ થઈ જાય છે. પ્રેમ જીવવા માટે છે જ નહીં, પ્રેમ જીવ લેવા માટે છે, મરવા માટે છે. આ એવું મોત છે જે પળે પળે અનુભવવું પડે છે. જે ટુકડે ટુકડે તોડે છે ને ખતમ કરે છે. ચાહે પ્રેમનું કે જીવનને લગતી કોઈપણ બાબતનને લગતું સત્ય અનેક રીતે અનેક લેખોમાં, વાર્તાઓમાં, કવિતામાં રજૂ થયા કરતું હોય છે. આ સત્યો એ જ છે, સૈકાઓ પુરાણા. સમય સાથે કદાચ એના બાહ્ય રૂપરંગ બદલાય પણ મૂળ વાત એની એ જ રહે છે. છતાંય ક્યાંક એ સ્પર્શી જાય છે ને ક્યાંક એ સાવ ઉપરથી જાય છે કે પછી મનને કોઈ અસર નથી કરતું ! એનું કારણ છે એની રજુઆતની શૈલી. પ્રેમ એ દોધારી તલવાર છે. એમાં સુખ ક્ષણિક અને દુખ ઠરીઠામ હોય છે એવું અનેકવાર જાણ્યા, સાંભળ્યા વાંચ્યા છતાં એક નવી તરાહની વાત મનને ફરી ઝકઝોરી જાય છે. પ્રેમમાં પડ્યા પછી ખબર પડે છે કે મરવું સહેલું છે ને જીવવું અઘરું !

પૂરા પાંચ શેર ખુમારીથી છલકાય છે તો છેલ્લા શેરમાં નાયિકા સત્યનો સ્વીકાર જ નહી, સત્ય પાસે સમર્પણ પણ કરી દે છે. અલબત્ત એમાં લાચારી નથી, વાસ્તવિકતાનો સ્વીકાર છે અને આ સ્વીકારના શબ્દોનું સૌંદર્ય, સત્યને નવા અજવાળામાં ગૂંથે છે એ કવિતાની મજા છે.         

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: