Posted by: readsetu | ઓગસ્ટ 15, 2018

KS 70

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 70  > 22 જાન્યુઆરી 2013

બોલ ને સૈયર !  – લતા હિરાણી 

સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?

સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

કિયા વરતમાં પાંચ આંગળે કિયો પીપળો પૂજ્યો સૈયર?

મન ભરીને મોહે એવો કિયો ટુચકો સૂઝ્યો સૈયર?

સૈયર, તું તે કિયા મલકની છલક છલકતી હેલ, કહેને?

કૂવાને કાંઠે કઈ ઘડીયે રહી ગઈ વાત અધૂરી?

સૈયર, તારા ઉજાગરાની કિયા તારલે સાખું પૂરી?

સૈયર, તું તે કઈ સુવાસે મહેકે રેલમછેલ, કહેને?…………માધવ રામાનુજ

કવિ માધવ રામાનુજને હમણાં જ નરસિંહ મહેતા એવોર્ડ અર્પણ થયો અને આજે એમનું ખૂબ જાણીતું એક મજ્જાનું ગીત..

ગીતોમાં આ કવિ ખૂબ ખીલે છે એ સોળ વરસના લીલાંછમ સપનાં જેવું સત્ય છે. છૂંદણાં, વરત, પીપળો અને કૂવા જેવા પ્રતિકોથી આંખ સામે એક ઉમંગથી છલકાતી ગ્રામ્ય કન્યાને તાદ્ર્શ્ય થતી જાય છે અને જકડી રાખે એવા લયમાં ગીત વહેતું જાય છે. કાચી કુંવારી કન્યાના શમણાંની છાલકથી આખું ગીત તરબોળ થયેલું છે.

અહીં બેય સહેલી ભીંજાયેલી છે. સપનાં સોળ વરસનાં થાય ને હૈયું આખેઆખી દુનિયા પલોટી નાખે !! પ્રીતમની પ્રતિક્ષા કરતી, પ્રેમમાં કૂદી પડવા આતુર કન્યા, પ્રેમરસથી ભીંજાયેલી પોતાની સૈયરને સવાલો પૂછે છે. કહેને, તારા કિયા છુંદણે છેલ મોહ્યો ? તેં એવાં કિયા વરત કીધાં ને કિયો પીપળો પૂજ્યો કે સાજન તારી પર વારી ગયો ? અલી સૈયર, તેં પ્રીતમ પર એવો તે કિયો ટૂચકો કીધો કે એ તારો જ થઇ ગયો !અહીં યાદ આવે પેલું ગીત ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યા કે નાગલા ઓછા પડ્યા રે લોલ..

પ્રેમમાં પડવાનાં કોઇ કારણ નથી હોતાં અને એમ જ, પ્રેમમાં પડ્યા પછીના કોઇ વારણ નથી હોતા..એ પછીની સઘળી ઘડીઓ અનેરી હોય છે. સઘળાં વાણી-વર્તન કોઇ જુદી જ દુનિયાના હોય છે..  શબ્દો ભલેને એના એ જ પણ એના અર્થો બદલાઇ જાય છે. એને રોજબરોજની જિંદગી સાથે કંઇ લેવા દેવા થી હોતી.. કૂવાને કાંઠે વાતો કેટલીયે થાય પણ અધૂરી જ રહી જાય છે અને રાતે તારલા બધા મીટ માંડીને એના ઉજાગરાની સાખ પૂરે છે. અજબ છે ને ! સવાલ સૈયરને છે પણ પૂછનારી પોતે જ જવાબથી છલકાય છે. પોતાના છૂંદણામાં યે પ્રીતમનું નામ છુપું કોતરાઇ ગયું છે. એને કદાચ પૂછવું નથી કહેવું છે. છાતીમાં ઊભરાતી છાલક સૈયર સાથે વહેંચવી છે.

પ્રેમની આ કેવી મજાની અવસ્થા છે !! અમથું અમથું ઝૂર્યા કરવું, એકલાં એકલાં જાત સાથે વાતો કર્યા કરવી, મનમાં ને મનમાં કોઇની યાદને રમાડ્યા કરવી ને એની બધ્ધી વાતોને ગમાડ્યા કરવી.. હૈયામાં મીઠો અજંપો તો જાણે ઘર ઘાલીને બેસી જાય.. હવાના થડકારામાંયે એના ભણકારા સંભળાય.. કૂવા કાંઠે નહાતી કે બેડાં માથે મૂકીને જતાં છલકાતી મુગ્ધાનું મન જાણે શિયાળાના કૂણા તડકાની જેમ ઊઘડ્યા કરે છે.. એવું નથી લાગતું કે આ અવસ્થા, આ મિજાજ જિંદગીમાં એક વાર તો આવવા જ જોઇએ ! આ સોળ વરસનું શમણું એકવાર તો આંખમાં ઉછરવું જ જોઇએ !

પ્રણયની નરી કુમાશ અને ગજબની મીઠાશથી તરબતર આ ગીત ભાવકનેય એટલું જ સરાબોર કરી દે છે. આ કવિનાં આવાં કેટલાંયે સદાબહાર ગીતોથી ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી સુગમ સંગીત ભર્યું ભર્યું છે. અહીં વિનોદ જોશી યાદ આવ્યા વગર કેમ રહે ?

કાગળ તે શેં લખીએ વાલામૂઇ !

કે વેરણ રહી ગઇ પાદર વચાળ છાણાં થાપ્યાં, છાણાં પર આંગળીયું……

અમે નકટાં તે થઇ હરખપદૂડાં, મેળાં વચમાં ગયાં તે ગયાં

અમે અમોથી થઇ વેગળાં, અમે વગરનાં થયાં થયાં તે થયાં

લગરીક આંખ્યું આંજી વાલામૂઇ !

કે ત્યાં તો ઝળહળ રાતી પાઘલડીને છોગે કાજળ ભળિયું …..

બેઉ ટોડલે વળગાડેલા મોર, બનીને ઉંબર પાની ચૂમે

ગાર્ય મહીં આફૂડાં પગલાં, ઢેલ તણા મેંદીના લયમાં ઝૂમે

ઉઘાડ લે, ઝટ ખડકી વાલામૂઇ !

કે પગમાં ઝાંઝર પહેરી સામે પાદર, જવા કરે છે ફળિયું ….

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: