Posted by: readsetu | ઓગસ્ટ 22, 2018

KS 72

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 72 > 5 ફેબ્રુઆરી 2013

પ્રેમનો એકતારો – લતા હિરાણી

સ્વર ભીતરમાં એકધારો થૈ જતો

કાશ, એ રીતે તું મારો થૈ જતો,

એ પછી વળગી જતાં સ્મરણો અને,

એ સમય એથી જ તારો થૈ જતો,

શાંત જળમાં કાંકરી ફેંક્યા કરી

જળ નહીં વિહવળ કિનારો થૈ જતો,

મૌન મારું બોલવા જો લાગશે

શબ્દ નિર્ધન ને બિચારો થૈ જતો,

હાથ રાધાનો બને છે વાંસળી

મીરાં માટે એકતારો થૈ જતો. .. નેહા હરેશ પુરોહિત 

આ ગઝલ એવું વિશ્વવિષયવસ્તુ– પ્રેમની મધુરતા અને પ્રેમની તડપ – લઇને આવી છે જેને માનવી જીવનમાં લગભગ એકવાર તો પામે છે અથવા પામવા ઝંખે છે…. આ ભાવ, પ્રેમ પ્રાપ્ત કરવાની ઝંખના… ઉપરથી ન દેખાય તોય ઊંડે ઊંડે જેનું ઝરણ વહ્યા કરતું હોય એ સનાતન ભાવ…. પ્રેમનો ભાવ….

નાયિકાના હૈયામાં મધુરું સંગીત ગુંજ્યા કરે છે, ભીતરનો સ્વર અવિરામ રણક્યા કરે છે … એ એકતારો વાગ્યા જ કરે છે. સ્વરના એકધારાપણાથી નાયિકા કદાચ એમ કહેવા માંગે છે કે તારા પ્રત્યેના મારા પ્રેમમાં કોઇ ભરતી-ઓટ નથી… પણ આ સ્થિતિ શું બંને બાજુ સરખી છે ? શું તુંયે એવું અનુભવે છે ખરો ? બહુ સ્વાભાવિક છે કે પ્રેમી સામેના પાત્ર પાસેથીયે એટલી જ ઉત્કટતાની અપેક્ષા કરે !! લાગે છે કે એમાં એને શંકા છે એટલે જ એ કહે છે, ‘કાશ, તું પણ એ જ રીતે મારો થૈ જતો હોત !! અહીં ‘કાશ’ શબ્દ થોડી નિરાશાનો સુચક છે.

સ્મરણોનું તો એવું છે કે આસપાસ વળગેલાં જ રહે, મન ક્યારે એનાથી વિખુટું પડે ? નાયિકાના સ્મરણોમાં પ્રિયતમ જ છવાયેલો છે એથી હર પળ, હર ક્ષણ એની જ બની રહે છે..ભલેને નિકટતા એના તરફથી એટલી નયે હોય !!પ્રેમપાત્ર માત્ર આપવા જ ઝંખે છે. નાયિકા કહે છે, મારી તડપનો તને ક્યાં અંદાઝ છે ? તું તો કદીક શાંત જળમાં કાંકરી ફેંકી જતો રહે છે ને અહીં જળ જ નહીં આખો કિનારો વિહવળ થઇ જાય છે એની તને જાણ છે ? પછીનો શેર જરા મજાની વાત લઇને આવે છે. કવયિત્રી કહે છે અગર મારું મૌન બોલવા લાગશે તો શબ્દ નિર્ધન ને બિચારો થઇ જશે.. અહીં મૌનની તાકાત અને શબ્દની મર્યાદા સૂચવી દીધી છે. સાચી વાત છે ઘણી વાર સો વારનાં મનામણાં અને વિનંતિઓ કરતાં એક વારનું રિસામણું વધારે અસરકારક બની જાય છે.એ પછી પ્રેમીને પ્રેમિકાની વાત માનવી જ પડે છે.

રિસાયેલી પ્રેમિકાને મનાવવાના સેંકડો ગીતો હિન્દી ફિલ્મોમાં આપણે સાંભળીએ છીએ. અલબત્ત એ ડ્રામા હોય તો પણ વાસ્તવમાંયે સાચો પ્રેમ કરનાર માટે રિસામણાં વધારે અઘરી પરિસ્થિતિ બની જાય છે.

છેલ્લા શેરમાં ફરી એક રાધા, વાંસળી અને મીરાં, એકતારાના પ્રતિકોથી ગઝલનો અંત આવે છે.

આ જ કવયિત્રીનું અલગ ભાવનું એક અછાંદસ પણ જોઇએ.

હું

મારી બધી જ વ્યથાઓ

આંખમાં આંજીને આવી હતી

કાશ

તેં મારા ચહેરા પરથી તારી નજર હટાવીને

મારી આંખોમાં પરોવી હોત !!

તું મને આપ

ચપટીક હવા

એક ટુકડો આકાશ

એક ખુલ્લી બારી

એક જ ડગલું ભરી શકાય

એટલી જમીન

મારી જિંદગી માલામાલ થઇ જશે

એક સ્ત્રીને જીવવા બીજું જોઇએ શું ?

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: