Posted by: readsetu | ઓગસ્ટ 28, 2018

કાવ્યસેતુ 346

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 346 > 28 ઓગસ્ટ 2018

હું તો હિલ્લોળે ચડી રે ! – લતા હિરાણી

ફળિયું વેંત હાલે છે ઊંચું

ને કારણ પૂછ્યું તો કહે, ગમતી એક પળ

ભીંત્યું ચડી છે મૂઈ વેલ જેમ આભે ને હિલ્લોળા મારે છે કેવી ?

દરિયાના દરિયાઓ ખૂટી પડે ને એક છાલક લાગી છે જુઓ એવી

આંગણાની ધૂળ લગી ઊતરી આવીને હવે પૂછી રહ્યા છે બધાં વાદળ

ફળિયું વેંત એક……

શેરી આખીયે વળી ટોળે કંઇ એવી કે ધસમસતા આવ્યા હો પૂર

નજરું નાખો તો વળી એવું લાગે કે ક્યાંક ઢેફામાં ઊગ્યું હો નૂર

ધરતીની છાતી કંઇ ફૂલી છે ગજગજ કે ફૂટી છે મોંઘેરી કૂંપળ

ફળિયું વેંત એક ……  જિગર જોશી

ગીત એટલે લયનો હિંડોળો ને એમાં જ્યારે પ્રેમ ઝૂલે  ત્યારે સ્વયં કુદરત પોતાના સેંકડો હાથોથી એને ઝુલાવે ! આંખ સામે ઉભરાતા દૃશ્યો દીવાનગીના દરિયામાં ભરતી લાવે. ગમતી પળનો ગજબનો જાદુ ગીતમાં અનુભુતિના હીંચકે હિંચે છે. ગમતી પળ પ્રિયજનના સ્પર્શની હોય, આંખમાંથી છલકાતા સ્નેહના આસવની હોય કે ઉચ્ચારાયેલા બે મીઠા બોલની હોય. હૈયું પ્રેમને ગટગટાવે એટલે હયાતી આખી હેલે ચડે ! શ્વાસમાં કસુંબો ઘોળાઈ જાય ને હવાની એક એક લહેરખી જાણે નાચતી હોય એવો નજારો આંખ સામે ઊગી જાય ! ભીંતે ચડેલી વેલ આભ સુધી હિલ્લોળા લે છે ને પોતાને લાગેલી છાલકની સામે દરિયાના દરિયાઓ ઓછા પડે છે ! પ્રેમનો બારમાસી મેઘધનુષી રંગ છે.

વાદળને વરસવાનું કામ ખરું પણ નાયિકાની રજા વગર કેમ વરસે ? આંગણે ઉતરી આવીને એ વરસવાની રજા માંગે છે ! જે પ્રેમ કરે છે એને કુદરત સમર્પિત થઈ જાય છે. પ્રેમમાં ડૂબેલી નાયિકાને માટે લોકો નહીં, શેરીઓ ટોળે વળે છે. પ્રેમના નશામાં ચૂર આંખોને એક સામાન્ય ઢેફું પણ અજવાળાથી ઝળાંહળાં થતું ભાસે છે, જે આમ જુઓ તો ઠેબે ચડતું હોય. નાયિકાના હૈયામાં ઉગેલી એક નાનકડી પ્રેમની કૂંપળથી ધરતીની છાતી ગજગજ ફૂલે છે. પ્રેમમાં પાગલપન હોય. પ્રેમ અને પુખ્તાઈ ને ઝાઝો સંબંધ નથી. એક હળવી છાલકથી સરાબોર ભીંજાઇ જવાય એ મુગ્ધાઈનું નામ પ્રેમ. જરા સી અછડતી નજર આખા અસ્તિત્વને તાણી જાય એ બાવરાઈનું નામ પ્રેમ. સમયને પકડી ન શકાય એવું લોકો કહે. કોઈ પ્રેમીને પૂછો કે મિલનની એક ક્ષણને એને હૈયાની ફ્રેમમાં કેવી મઢાવી દીધી છે ! હથેળીમાં શ્વાસને સંભાળી શકે એનું નામ પ્રેમ. હૈયાના આછા ધબકારામાં પ્રેમીનો પગરવ સાંભળી શકે એ જ આશિકીનો અજબ રંગ !

શુદ્ધ કાઠિયાવાડી તળપદા શબ્દોને લઈને આવતું ગીત મારા જેવાને તો ઓર ઝુલાવે. ફળિયું, ભીંત્યું, લગી, હાલવું જેવા શબ્દો ગીતનાં ઘરેણાં છે એમાં જરાયે અતિશયોક્તિ નથી. મૂઇ શબ્દ, આમ ડિક્ષનરીની રીતે એનો અર્થ જુઓ તો મરેલી કહી શકાય પણ લોકબોલીની ખૂબી છે. મૂઇ અહી વ્હાલનું વીંઝણું બનીને આવે છે. ભલે એ વેલ માટે વપરાયો છે પણ પત્ની, દીકરી, સખી – એમ સાવ પોતાનું હોય એના માટે આવા શબ્દો વાપરી શકાય. ‘વાલામૂઇ’ જે ભલે અહીંયા નથી પ્રયોજાયો પણ એય એવો જ મીઠો શબ્દ છે. જ્યારે છાતીમાં હરખની હેલી ઉપડે ત્યારે મન ‘વેંત એક ઊંચું ચાલે’. આ તળપદા પ્રયોગથી શરૂઆત કરીને કવિએ ગીતને વેંત એક ઊંચું મૂકી દીધું છે. જો કે ક્યારેક અભિમાન બતાવવા પણ આ પ્રયોગ થાય છે પણ અહી તો નર્યું વ્હાલ છે.

આ બધો જ પ્રતાપ પ્રેમના એક અદભૂત અહેસાસનો છે. આ પળે મને ફિલ્મ ‘ખામોશી’નું ગુલઝારસાહેબનું લખેલું ગીત યાદ આવે છે. 

‘સિર્ફ અહેસાસ હૈ યે રૂહ સે મહસૂસ કરો,

પ્યાર કો પ્યાર હી રહને દો કોઈ નામ ન દો….

હમને દેખી હૈ, ઉન આંખો કી મહકતી ખુશ્બુ

હાથ સે છૂકે ઉસે રિશ્તો કા ઇલઝામ ન દો….     

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: