Posted by: readsetu | સપ્ટેમ્બર 5, 2018

એક શિક્ષકની વાત

આજે શિક્ષકદિન છે. મારા પતિ જગદીશ હિરાણી કોલેજમાં પ્રોફેસર હતા. આ એમના અનુભવોની વાત. સત્ય ઘટના. વિદ્યાર્થીઓ અને બીજાના નામ બદલ્યા છે. એમના સ્મરણોને અર્પણ.

…………………………………….

સર, હું પાઠક, ઓળખ્યો મને ?

નિવૃત થતા હસમુખભાઇએ નાનકડી પાર્ટી ગોઠવી હતી.

પૈસા સાચવીને વાપરો કહેનાર લોકોને હસમુખભાઇ કહેતા હતા, અરે, હવે ધૂંસરી છૂટી અને ગમતાં કામ કરવાનો સમય આવ્યો એને ઉજવવાનો જ હોય ને !!

હજી એકબીજાંને મળવાનો સિલસિલો ચાલી રહ્યો હતો. હસમુખભાઇના ખાસ મિત્ર પ્રો. હિરાણી હાથમાં સુપ લઇ પત્ની સાથે ઊભા હતા ત્યાં જ એક ભાઇ અચાનક એમની પાસે આવ્યા. એમની આંખોમાંથી આનંદ વરસતો હતો.

સર, ઓળખાણ પડી ?

પ્રો. હિરાણીની આંખોમાં હજી કોઇ પણ પ્રકારની ઓળખાણ પ્રવેશી નહોતી. લગભગ માથું ખંજવાળવાની મુદ્રામાં એ ઉભા રહ્યા. સામે ઊભેલી વ્યક્તિને પગથી માથા સુધી નિહાળતાં એમણે યાદશક્તિને ઢંઢોળવા એક નાકામ પ્રયાસ કર્યો.

સર, હું પાઠક, નિરજ પાઠક….

હાથમાંથી સુપનો બાઉલ જરા હલી ગયો અને અચાનક એમની આંખોમાં ચમક પ્રસરી ગઇ. વીતેલા વરસોના પડળ વચ્ચેથી હટી ગયા.

અરે હા, હા.. કહેતાં વર્ષો કુદાવી પ્રો. હિરાણી કૉલેજના કેમ્પસમાં પહોંચી ગયા.

તાજી જ માસ્ટર ડિગ્રી મેળવીને એંજિનીયરીંગ કૉલેજમાં નવી નવી નિમણુંક પામેલા પ્રો. હિરાણી પોતે હજી વિદ્યાર્થી જેવા લાગતા હતા. એ એમનો પહેલો દિવસ હતો. પોતાની આવડત અને વિષયની પાકી સમજ પર એમને પૂરો ભરોસો હતો એટલે વર્ગમાં જતાં ડર નહોતો લાગ્યો.

અકડેઠઠ્ઠ ભરેલા વર્ગમાં પ્રવેશી અંદર બેઠેલા બધા વિદ્યાર્થીઓ પર એક નજર ફેરવી એમણે મસ્ટર ખોલ્યું. હાજરી પુરવાની ચાલુ કરી અને ક્લાસરુમના બારણા પાસે કોઇને ઉભેલું જોયું. આવનાર કંઇ કહે એ પહેલાં જ,

બોલો કંઇ કામ હતું મારું ? પ્રો. હિરાણી પૂછી બેઠા.

જવાબમાં અંદર આવું સર ? સાંભળતાં એમને નવાઇ લાગી કેમ કે હા કહેતાં જ આવનાર વ્યક્તિએ સામે વિદ્યાર્થીઓમાં જગ્યા લઇ લીધી. પાટલી પર ગોઠવાઇ જનાર મહાશય, એક વિદ્યાર્થી જ છે એ પછીથી એમને ખબર પડી. ઉપરાઉપરી ફેઇલ થવાને કારણે પાઠક વિદ્યાર્થીને બદલે લેક્ચરર લાગતો હતો.

પ્રો. હિરાણીને વિદ્યાર્થીઓ માટે ખુબ પ્રેમ, શિક્ષણ કાર્ય માટે પૂરો આદર અને ધગશ તથા પોતે હજી આ દુનિયામાંથી જ આવેલા હોવાથી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ એમના મનમાં તાજી હતી. એમણે પાઠક વિશે થોડી જાણકારી મેળવી.

પાઠક, મને નિરાંતે મળને !!

ક્યારે આવું સર ?

કાલે બપોર પછી મારે ફ્રી પિરિયડ છે.

પાઠક એમને મળવા ગયો. પોતે લગભગ એની ઉંમરના જ હતા એટલે વિશ્વાસ મેળવતાં વાર ન લાગી.  લવફેઇલ્યોરની કહાણી હતી. છોકરીએ દગો દઇને બીજો પ્રેમી શોધી લીધો હતો. થોડુંક પ્રો. હિરાણી જાણી ચુક્યા હતા. બાકીનું પાઠકે દિલ ખોલીને કહી દીધું. એકવાર બિચારો આપઘાતનો પ્રયત્ન પણ કરી ચુક્યો હતો. ભણવામાં ક્યાંય દિલ નહોતું લાગતું પણ પિતા માનતા નહોતા. ભણવાના કિંમતી વરસો બગાડી એ પોતાના બાપ સાથે બદલો લેતો હતો. મોટેભાગે એના જર્નલ સબમિટ નહોતા થતા અને એની ગાડી પાટા પરથી ઉતરેલી જ રહેતી.

પ્રો. હિરાણીએ એના બેચાર દોસ્તોને બોલાવ્યા. તમે એના દોસ્ત છો તો મંડી પડોને ! બધા એની એક એક જર્નલ તૈયાર ન કરી આપો ?

અમે તો કરીએ સર, પણ એ ચલાવે કોણ ? અક્ષર ન ઓળખાઇ જાય ?

અરે, હું કંઇ સીઆઇડી ઇન્સ્પેક્ટર થોડો છું તે મને ખબર પડે ? કામ શરુ કરી દો. એની સાઇન લઇ લેજો. બાકીનું બધું મારી પર છોડો.

સ્ટાફરૂમમાં આ બાબતે ચર્ચા ચાલી. કોઈના જર્નલ કોઈ લખી દે, આમ કેમ ચાલે ? (એ હજુ કમ્પ્યુટર યુગ નહોતો) પ્રો. હિરાણી પોતાની વાતમાં મક્કમ રહ્યા.

હું તો ચલાવીશ જ. એક છોકરાની જિંદગીની ગાડી પાટા પર લાવવાનું કામ છે. એના જર્નલ્સ કોઇ લખી દેશે એનાથી આભ નથી તૂટી પડવાનું. એકવાર એ ખાડામાંથી બહાર નીકળવો જોઇએ. એમ કરતાં એ ભણતો થશે તો આવતા વર્ષે એ જાતે લખવાનો જ છે.

અંતે દલીલ બધાને ગળે ઉતરી ગઇ. દોસ્તોએ દિલ દઈને મદદ કરી. એકવાર બધું સમુસૂતરું પાર ઉતર્યું એટલે પાઠક નિરાશામાંથી બહાર આવ્યો. કડવો અનુભવને દિલમાંથી દૂર કરીને એણે ભણવામાં દિલ લગાવ્યું. ગાડી એની મંઝિલ પર પહોંચી ગઇ.

પ્રો. હિરાણીની તંદ્રા તુટી.

સર, આ મારી પત્ની મુદ્રા અને મુદ્રા, આ મારા પ્રિય સર !! એ ન હોત તો હું તને ન મળ્યો હોત. બાજુમાં ઉભેલી પત્નીની ઓળખાણ કરાવતાં પાઠકે કહ્યું.

એના કરતાં એમ કહો કે તમને મુદ્રા જેવી સુંદર પત્ની ન મળી હોત !! પ્રોફેસર કહ્યા વગર ન રહી શક્યા. મુદ્રા હસી પડી.

 ક્યાં છો આજકાલ ?

ધનંજય મશીન ટુલ્સમાં સિનિયર એન્જિનિયર તરીકે કામ કરું છું.

બહુ સરસ. કૉંગ્રેચ્યુલેશન્સ…

હળવેથી હિરાણીસરે પૂછ્યું, લવમેરેજ ને ?

સારું થયું મુદ્રાની પાંપણો શરમથી ઢળી ગઇ હતી નહીંતર પાઠકના હોઠો પર વેરાયેલા રહસ્યમય સ્મિત અને છુપા ઇશારા બદલ એણે ઘરે જઇને પતિનો કૉલર પકડ્યો હોત….

Advertisements

Responses

  1. […] via એક શિક્ષકની વાત — સેતુ ~ લતા જ. હિરાણી […]

  2. જગદીશ ભાઈ માટે માટે બહુ જ વધી ગયું. આ વાત અરવિંદ મીલ પહેલાંની ને?

    • આભાર સુરેશભાઇ. હા, પહેલાની… એમની કારકીર્દીના છેલ્લા બે વરસ પણ અધ્યાપનમાં રહ્યા. એના પણ સરસ પ્રેરક અનુભવો છે.


readsetu ને પ્રતિસાદ આપો જવાબ રદ કરો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: