Posted by: readsetu | સપ્ટેમ્બર 11, 2018

પ્લાસ્ટીક નહીં

પ્લાસ્ટીક નહીં                                                                                                                     લતા હિરાણી

રેણુકાબહેન દવેનો વિચારણીય તંત્રીલેખ વાંચીને કેટલુંક કહેવાનું એટલે કે લખવાનું મન થયું.

પ્લાસ્ટીકનો રાક્ષસ ધીમે ધીમે આપણને બધાને ગળી જવા આવી જ રહ્યો છે અને તોય આપણે જાગતા નથી એ નવાઈની અને એક પ્રજા તરીકે શરમની વાત છે. પ્લાસ્ટીકનો નાશ થતો નથી અને એ જમીનને બગાડે છે, ધરતીના નવાણોને રોકે છે અને એની અનેક અસરો વિષે અનેક વાર લખાતું રહે છે. આપણે જેમ છાપું વાંચીને પસ્તીમાં મૂકી દઈએ છીએ એમ જ આ માહિતી પણ વાંચીને કે વાંચ્યા વગર જાણે પસ્તી ભેગી કરી દઈએ છીએ.

હમણાં અમે સોસાયટીના બે-ત્રણ લોકો એક આવેદનપત્ર લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને મળવા ગયેલા. અમારી વાત આ પ્રમાણે હતી. મ્યુનિસિપાલીટીની ગાડી, જે કચરો લેવા આવે છે તેમાં ભીના અને સૂકા કચરા માટે બે વિભાગ હોય છે ખરા પણ ઘરોમાંથી આવતો કચરો અલગ નથી હોતો, વળી રસોડાનો ભીનો કચરો લોકો પ્લાસ્ટીકની થેલીઓમાં બાંધીને નાખે છે એટલે સરવાળે બધું શૂન્ય ! આ ગાડીમાંથીય અંતે બધો કચરો ભેગો જ કચરો ઠલવાય છે પીરાણાના ડુંગર પર, જ્યાંની અસહ્ય દુર્ગંધ આસપાસના લોકોનું જીવવું હરામ કરી દે છે માટે અમારી માગણી હતી કે

 1. એક ગાડીમાં ભીના અને સૂકા કચરા માટે બે વિભાગવાળી વ્યવસ્થા બંધ થવી જોઈએ.
 2. ભીના કચરા માટે લીલા રંગની અલગ જ ગાડી હોય, જેમાં માત્ર ભીનો કચરો લેવાય. આ ગાડી રોજ આવે.
 3. સૂકા કચરા માટે બ્લ્યુ કે બીજા કોઈ કલરની ગાડી અઠવાડિયામાં બે કે ત્રણ દિવસ આવે.
 4. ભયજનક કચરો જેમ કે વધેલી દવાઓ, નુકસાનકારક રસાયણો, ઈંજેક્ષનની સિરિંજો, હોસ્પીટલનો કચરો વગેરે માટે જુદી જ વ્યવસ્થા.
 5. ભીના કચરામાંથી ખાતર બને એવી વ્યવસ્થા.
 6. ભીના કચરા અને સૂકા કચરાને લેનાર કર્મચારીઓને ચોક્કસ યુનિફોર્મ અને હાથમોજાં અપાય. તેઓને કડક સૂચના અપાય કે ભીના કચરાની સાથે સૂકો કચરો ન જ લે અને સૂકા કચરા સાથે ભીનો કચરો ન જ લે.
 7. તેઓ એ બાબતમાં પણ કડક રહે કે ભીનો કચરો જો પ્લાસ્ટીકની થેલીમાં બાંધેલો હશે તો નહીં લેવામાં આવે.

મને ખૂબ આનંદ છે કે કમિશ્નરશ્રી અમારી વાતો સાથે સંપૂર્ણ સહમત હતા અને એમને પણ અમદાવાદને સ્વચ્છ બનાવવામાં દિલી રસ હતો. એમની વાતો પરથી એ જણાઈ આવતું હતું પરંતુ એમના તરફથી જે પ્રશ્નો હતા એ વિષે આપણે વિચારવું પડે !

 1. ભીના કચરાને ખાતરમાં ફેરવવા માટેના યોજના થઈ રહી છે.
 2. પીરાણાના ડુંગર પર સરસ બગીચો બનાવવાની યોજના થઈ રહી છે.
 3. મ્યુનિસિપાલિટી બધું કરવા તૈયાર છે. અમદાવાદને ઇન્દોરની હરોળમાં મૂકવું છે. લોકોનો આમાં સહયોગ ખૂબ જરૂરી છે.
 4. લોકો પોતે સમજીને ભીનો કચરો અલગ રાખે, પ્લાસ્ટીકમાં ન બાંધે તો આનો અમલ થઈ શકે.
 5. અત્યારે ભલે એક જ ગાડીમાં પણ ભીનો-સૂકો કચરો અલગ લેવાની વ્યવસ્થા હોવા છતાં લોકો બધુ ભેગું નાખે છે. એમને અટકાવવા માટે દરેક સોસાયટી લેવલ પર લોકોને સમજાવવા માટે કોઈએ તૈયારી બતાવવી પડે.
 6. અમુક વિસ્તારોમાં લોકો સફાઈ કામદારો સાથે ઝગડવા આવે છે અને સફાઈ કામદારો એમની સાથે કામ પાડવામાં પાછા પડે છે.

આ વિષય અંગે બીજી વાતો થઈ. અમને લાગ્યું કે તંત્રની પૂરી તૈયારી છે, આપણે લોકોને જગાડીશું તો કામ થશે જ. જ્યારે સરકાર તરફથી જ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઇ હોય ત્યારે અધિકારીઓને પરિણામ બતાવવામાં રસ હોય એ સ્વાભાવિક છે.  આપણે આવું કરી શકીએ.

 1. સોસાયટી લેવલ પર એક કમિટી બનાવીએ.
 2. દરેક સોસાયટીમાં ભીનો અને સૂકો કચરો અલગ ડબ્બાઓમાં જ એકઠો થાય એવી વ્યવસ્થા ગોઠવીએ.
 3. બંને કચરો ભેગો નાખનાર કે ભીનો કચરો પ્લાસ્ટીકમાં બાંધનારનો કચરો ન જ લેવાય એવી વ્યવસ્થા ગોઠવીએ.
 4. આવું ન કરે એના માટે દંડની જોગવાઈ હોવી જોઈએ. દંડ અને સજા વગર લોકો પાસેથી કામ લેવું અઘરું છે.  
 5. સ્વચ્છતા અભિયાન માટે જાગૃત લોકોનું એક ગ્રૂપ બનાવીએ જેઓ આ વ્યવસ્થા ગોઠવવામાં અને એનો અમલ કરવામાં મદદરૂપ થાય.
 6. આવા લોકોનું વોટ્સ એપ ગ્રૂપ પણ હોય. પોતાના વિસ્તારમાં રસ્તા પર ગમે ત્યાં કચરો નાખેલો હોય, કોઈ કચરો ફેંકતું હોય તો એનો ફોટો પાડી જવાબદાર અધિકારીને મોકલી આપે.
 7. કોઈ એક વિસ્તાર આગેવાની લઈને સંપૂર્ણ સ્વચ્છ બને તો એ આદર્શ બીજા અનેક લોકોને પ્રેરશે.

ઘણા સમયથી મેં સંકલ્પ લીધેલો છે કે બહારથી પ્લાસ્ટીકની થેલી/ઝબલું ન લેવું. ઘરમાં ઓલરેડી આવી ગયેલી કે બીજાઓએ લાવેલી થેલી હું પર્સમાં રાખું છું. (મારી અનિચ્છા છતાં ઘરમાં જે આવી જ ગયું હોય એ વાપરી લઉં છું. નવું ન આવે એની તકેદારી રાખું છું) બહારથી જે લાવવું હોય એ એમાં જ લાવું છું. ક્યારેક થેલી રાખવાનું ભુલાઈ ગયું હોય અને કોઈ ચીજ લાવવાનું રસ્તામાં યાદ આવે તો હું મારી જાતને એ દંડ આપું છું કે ભલે બીજો ધક્કો થાય. ફરી બહાર જવું પડે તો ભલે પણ દુકાનેથી કે શાકવાળા પાસેથી પ્લાસ્ટીક નહીં, નહીં અને નહીં જ.

તથાગત > સપ્ટે – ઑક્ટો 2018માં પ્રકાશિત  

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: