Posted by: readsetu | સપ્ટેમ્બર 14, 2018

કાવ્યસેતુ 83

दिव्य भास्करमें 2011 से प्रकाशित हो रही मेरी कोलम काव्यसेतुमें  प्रकाशित दि. 234-2103   लेख – 83       

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ  83 > 23 એપ્રિલ 2013

હરખનું ગાણું  –  લતા જ. હિરાણી

કોડિયાં એલી નહીં રે મીં તો જેગવી દીધાં તન

જંપવા દેતું હોય લગીરે, તોય આ મારું મન.

સાંજ પડે ને વાયરે કોનાં પગલાં ભીનાં વાય

દોડવું મારે નહીં ને અલી દોડું દોડું થાય

હીંચવા માંડે ઘર ભરીને ગાણાનું ગવન ……

ટોડલાં મૂઆં ટહુકે મારે શરમાવાનું રયું

નેવાં ઊઠી ડોકિયું કરે, રોજનું આ તો થ્યું

ભીંતમાં ગરું તોય તે યાંથી આવશે રે સાજન …

કોક જો આવે હાથનું ભરત મેલી ઊભી થઉં

ફળિયું મારી મોર્ય લળીને જોવે પછી હઉં

’ઇ’ હશે તો દોટ મેલીને પરખી લ્યે પવન …….. ઊજમશી પરમાર

કવિતા જ્યારે ગીત સ્વરૂપે આવે છે, સૂરમાં પલોટાઇને  આવે છે ત્યારે એ કાન દ્વારા વધુ પીવાય છે. આ ગીત સૂરબધ્ધ થયું છે કે નહીં એની તો જાણ નથી પણ કવિએ પોતે તો નિજાનંદે જરૂર ગાયું હશે..

કવિની નાયિકા કોડિયાં નહીં, તન ‘જગવી દે’ છે. અહીં ‘જગવી દીધા’ જેવો ગામઠી પ્રયોગ પણ ખૂબ રસપ્રદ બની ગયો છે. પિયુની વાટ તનમનમાં જે આગ લગાડે છે એનું અહીં મસ્ત નિરૂપણ છે. આટઆટલી પ્રતિક્ષા મનને ક્યાંથી જંપવા દે ? દિવસ તો માંડ વીતે છે ને સાંજ પડે કોઇના ભીનાં પગલાં વાયરાની સાથે વાય છે, હૈયાની આરપાર ઊતરી જાય છે અને મનને દોડવું ન હોય તોય દોડું દોડું થાય છે. જોકે આ તો માત્ર કહેવાની વાત છે. નાયિકાને તો દોડવું જ છે પિયુની પાસ, પણ એ અઘરું છે એટલે આવું કહે છે.

પહેલી કડીની છેલ્લી પંક્તિ છે, ‘હીંચવા માંડે ઘર  ભરીને ગાણાનું ગવન’…. ગવન એટલે ગ્રામ્ય પ્રદેશોમાં ચણિયા પર પહેરાતો કબજો યાને બ્લાઉઝ. આ ગવન માટે બીજોય સરસ ગામઠી શબ્દ છે, ‘કમખો’.. ગવનમાં ફાટફાટ ગાણાં ભર્યા છે ને એનાથી આખુંયે ઘર હીંચવા લાગે છે. ગવન શબ્દનો પ્રયોગ નિર્દેશ કરે છે કે નાયિકાની છાતીમાં આનંદ દાબ્યો દબાતો નથી. એ એટલો ઉછળે છે, છલકાય કે એનાથી ઘર આખું ઝૂલે છે. પ્રેમમાં ડૂબેલી વ્યક્તિની આ જ દશા હોય છે.

આટઆટલી ઝંખના છતાં નાયિકા બધું ઉઘાડેછોગ તો કહી/કરી નથી શકતી. એ કહે છે, ‘આ ટોડલા મૂઆ ટહુકે છે, મારે શરમાવાનું રયું’. ટોડલે મોર ચિતરેલા છે અને એય એના મનની જેમ પિયુની પ્રતીક્ષામાં ટહૂક્યા કરતા હોય એવું એને લાગે છે. એ એને મીઠુંયે લાગે છે ને એની એને શરમ પણ આવે છે. અરે, ટોડલાં તો શું, આ નેવાંય ઊઠીને ઘરમાં ડોકિયું કરે છે. ને વળી આ કોક ‘દિની વાત નથી….રોજનું થયું છે. કરવું તો શું કરવું ? એને થાય છે, હું ભીંતમાં ગરું તોય ત્યાંથી સાજન તો આવશે. હું શરમાઇને જઇશ ક્યાં ? સાજનના આવવાની અતૂટ શ્રદ્ધા અહીં ભળાય છે. અહીં ‘ગરું’ એટલે ‘ઘુસવું’ કે અંદર જવું’. ‘ગરવું’ શુદ્ધ કાઠિયાવાડી શબ્દ છે ને આ પ્રેમગીતમાં એની એક જુદી જ સુગંધ છે.

નાયક આવે તો સ્વાભાવિક જ ફળિયામાં પહેલાં પ્રવેશે. નાયિકા કહે છે કોઇ જો આવે તો હાથનું ભરત મેલીને ઊભી થઉં પણ એ જ્યારે આવશે ત્યારે મારી મોર્ય (પહેલાં) ફળિયું લળીને એનો આદર સત્કાર કરશે. અરે, પવન પણ દોડીને એને ઓળખી જશે..  પોતાની પહેલાં આ બધાં એની પાસે પહોંચી જશે !!! પિયુની પ્રતિક્ષાની અત્યંત મધુર ને ઉત્કટ ભાવના અહીં વ્યક્ત થઇ છે….

કવિના આ ગીતમાં કેટકેટલાં પ્રતિકો જીવંત બની ઊઠ્યાં છે. કાવ્યમાં નિરૂપેલાં બધાં જ પ્રતિકોમાં પૂરેપૂરા માનવીય ભાવોનું આરોપણ થયું છે. વાયરાની સાથે પગલાં વાય છે અને ગાણાનું ગવન ઘર ભરીને હીંચ્યા કરે છે. ટોડલાં ટહૂકે છે ને નેવાં ડોકિયાં કરે છે. અરે, ફળિયુંયે લળી લળીને જુએ છે. કવિતાના શબ્દો ગાનને એકદમ અનુરૂપ છે. આખાય કાવ્યનો એક અખંડિત લય છે અને એમાં વહે છે મીઠો પ્રતિક્ષા રસ….. જોબનનો આ કદીય ન ખૂટનારો ભાવ છે. અહીં મને આશ્લેષ ત્રિવેદીની ગઝલ યાદ આવે છે.

ઓઢીને લીલોતરી બેઠા છીએ / એક ટહુકાને સ્મરી બેઠા છીએ.

ખૂટતા રંગો ભરી દે તું હવે / સ્વપ્ન જેવું ચીતરી બેઠા છીએ.

અંત એનો શું હશે કોને ખબર ! / વારતા તો આદરી બેઠા છીએ.

મોર ગહેક્યા, વાદળો પણ ઝરમર્યા / આજ કોને સાંભરી બેઠા છીએ

 

 

 

 

 

 

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: