Posted by: readsetu | સપ્ટેમ્બર 18, 2018

કાવ્યસેતુ 348

दिव्य भास्करमें 2011 से प्रकाशित हो रही मेरी कोलम – काव्यसेतु 348 > 18 सप्टेम्बर 2018

જીવવાનો હક  – લતા હિરાણી

ભેદ આવો તો ના રખાય પ્રભુ

આ તરફ પણ નજર નખાય પ્રભુ

સાંભળ્યુ છે તેં બોર ચાખ્યા’તા

એવડા આંસુ પણ ચખાય, પ્રભુ !

ચીર પૂર્યા’તા કદી તેં મારા

પીડ મારી નહીં પુરાય પ્રભુ ?

રાત, રસ્તો, રૂતુ કે રાંધણિયું

હર જગા મારાથી દઝાય પ્રભુ

મારી દીકરી જુવારા વાવે છે

ક્યાંક મારા સમી ન થાય પ્રભુ 

તો શું થયું કે હું નથી પથ્થર

માણસાઈને ના અડાય પ્રભુ ?

વેણ કર્કશ જણાશે મારા પણ

વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ ? – પ્રણવ પંડ્યા

સ્ત્રીઓની અવદશાનું ફરી એક કાવ્ય. જેનું જીવન પીડા અને ફરિયાદોથી ભરેલું ન હોય એવી કોઈ સ્ત્રી વગરનો સમયનો કોઈ ટુકડો નથી. સીતાથી માંડીને આજ સુધીના યુગ પર દૃષ્ટિપાત કરી જુઓ ! આવાં ઉદાહરણો આજુબાજુમાં જ મળી આવશે. સ્ત્રીઓનો પક્ષ તાણ્યા કરવાનો મીઠો આરોપ મારા પર થાય છે. એટલે જ કહું છું, આજુબાજુ નજર કરો ! શું શહેર કે શું ગામડું ? કવિ ભલે પોતાના વેણને કર્કશ કહે, એને હક છે પણ આખીયે રચનાનો પ્રધાન સ્વર કોમળ છે. આંસુના આછા દોરે કવિએ શબ્દોને પરોવ્યા છે. ફરિયાદનો સૂર આકરા બન્યા વગર, નજાકતથી, જરા જુદી રીતે  કવિતામાં વ્યક્ત થાય ત્યારે ચોક્કસ કલમ પકડાઈ જ જાય. ઈશ્વરના દરબારમાં કોઈ ભેદભાવ ન હોય, સૌ સમાન જ હોય એવી સાદી સમજ આપણામાં બાળપણથી સંતો, ગુરુઓએ રોપવાની કોશિશ કરી છે. વાત સાચી હોય અને એનો સ્વીકાર કરવાના સર્વે પ્રયત્નો ચાલુ હોય તોય જ્યારે પગ નીચે આવેલો રેલો દઝાડવા માંડે ત્યારે આક્રોશનો સૂર ઊઠે.   

ભેદભાવ સહેવો અઘરો છે. સ્ત્રી એને સદીઓથી સહેતી આવી છે. ઘરમાં કે બહાર પુરુષવર્ગ દ્વારા આચરવામાંઆવતો ભેદભાવ કાંટાની જેમ વાગે છે અને ઈશ્વરને કહેવાઇ જાય છે કે આવું શા માટે ? પ્રભુ, તારું પલ્લું જરા તો સરખું કર. આ બાજુયે નજર નાખ પ્રભુ ! અહીંયા શબરીઓ ઠેબે ચડે છે ને સૂંડલીમાં આંસુઓ ભરી તારી વાટ જુએ છે. અપમાનો ને અવગણનાઓ સહી થાકી હવે, ક્યાંક તો એને ઈજ્જતનું વસ્ત્ર ઓઢાડ પ્રભુ !   

દાઝવાની કોઈ રૂતુ કે રીત નથી. તમામ પળ, તમામ સ્થળ દઝાડતી વરાળ બનીને સ્પર્શે છે. અમારે પથારીમાં પીડાવાનું ને રસોડામાં સીઝાવાનું. શું આમ જ જિંદગી પૂરી થશે ? મારું તો ઠીક, આયખું આમાં ગયું પણ આ દીકરીના લલાટે તેં શું લખ્યું છે ? પ્રભુ એને તો બચાવજે ! મારી સામે નહીં પણ એની સામે તો જોજે ! તારા સ્પર્શથી અહલ્યામાં ચેતન આવ્યું, હું તો ખુદ એક ચેતનવંત વ્યક્તિ છું પણ સંબંધોમાં લલાટે જડતા લખાઈ છે…. તારા સ્પર્શને તરસું છું પ્રભુ !

વાત એ જ અને પ્રતીકો પરંપરાગત હોવા છતાં એની રજૂઆત સ્પર્શી જાય છે અને એથી આ રચના તાજગીભરી બને  છે. સ્ત્રી આ વિશ્વની ધરી છે. એક સ્ત્રી વિનાના કોઈ ઘરની કલ્પના પણ ભૂત જેવી ભાસે. પાયામાં છે સ્ત્રી જેના પર આખા કુટુંબની ખુશીનો આધાર છે… જેમ દલિત એમ સ્ત્રી, સદીઓથી એમના પર જુલમ થયો અને હવે સમય ધીરે ધીરે પલટાય છે. લોકોમાં આ બાબતે જાગૃતિ આવતી જાય છે. જો કે પરિવર્તનનો પવન ફૂંકાય ત્યારે સૂકા ભેગું લીલું પણ ઊડી જાય એવું બને ! અને એ સ્વીકારવું રહ્યું. એટલે જ તેના અવળા પરિણામો પણ કળાય છે. સ્વીકાર અને વિરોધનાં પલ્લાં સમતોલ થાય અને એમાંથી સમજણ પ્રગટે એમાં વાર તો લાગે જ.

માણસજાતની પ્રકૃતિમાં સ્વાર્થ વણાયેલો છે. એ એનો જન્મજાત સ્વભાવ છે. ન્યાય કરવો અને સ્વાર્થ ન જોવો એ કેળવવાની બાબત છે. ગુણો કેળવવા એ ક્યારેય સહેલું નથી રહ્યું. એટલે જ રામ-રાવણ કે મહાભારતના યુદ્ધો માનવજાતે જોયા છે અને કદાચ આ પરંપરા ચાલ્યે રાખવાની અને એ દહેશત સાથે જ જીવવાનું.  બસ, કોઈક ખૂણે સારપનો દીવો પ્રગટી જાય એનો સંતોષ માનવાનો. 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: