Posted by: readsetu | સપ્ટેમ્બર 28, 2018

લગ્નેતર સંબંધો અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

લગ્નેતર સંબંધો અંગે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

પ્રતિભાવ – લતા હિરાણી 28-9-2018

પ્રવાસમાંથી આવીને ઘણા દિવસે આજે છાપું જોયું. ઉપરના સમાચાર વાંચી મનમાં વિચારોનું વાવાઝોડું ધસી આવ્યું.

શું મુદ્દો છે અને શું ચુકાદો એ તો બધા જાણે જ છે એટલે એની વિગતમાં નહીં જાઉં.

ચુકાદો એ છે કે લગ્નેતર સંબંધો હવે ગુનો નહીં ગણાય. એનો કેંદ્રવર્તી વિચાર છે કે સ્ત્રીના શરીર પર માત્ર તેનો અધિકાર છે. તે પતિની મિલકત નથી. તે અસંતુષ્ટ હોય તો બીજા સાથે સંબંધ બાંધી શકે છે, અર્થાત વ્યક્તિસ્વાતંત્ર્ય મહત્વનું છે. આ બાબતમાં સ્ત્રી અને પુરુષ બંનેનો સમાન અધિકાર છે.  

આ મુદ્દો કાયદો બને છે ત્યારે એના બીજા પાસા પર પણ વિચારવું જોઈએ.

મૂળ વાત એ છે કે આપણા માનનીય ન્યાયાધીશોએ લગ્નેતર સંબંધમાં માત્ર વ્યક્તિની સ્વતંત્રતા અને વ્યક્તિના અંગત સુખ-દુખને જ પ્રધાન માન્યું છે પરંતુ આમાં બાળકોનો વિચાર ક્યાં ???????

આવા સંબંધોથી કે લગ્નજીવનના ભંગાણથી સૌથી વધુ સહન કરવું પડતું હોય તો તે બાળકોને, જેનો કાંઇ જ વાંક નથી હોતો સિવાય કે તે બિચારાં ‘આવા માબાપના સંતાન’ છે !! બાળકો કે જેની ઉપર આવતીકાલનું સમાજજીવન નિર્ભર છે, બાળકો કે જે પોતાના માતાપિતાનું ભવિષ્ય છે, બાળકો કે જે આવતીકાલના સમાજની, દેશની, વિશ્વની ધુરા સંભાળવાના છે તેનો આ ચુકાદામાં કોઈ જ વિચાર નથી ! આશ્ચર્યની વાત છે !!

બની શકે કે બાળકોનો વિચાર કરવો હોય તો વ્યક્તિસ્વાતંત્ર્યની આધુનિક વિભાવનાને બાજુ પર હડસેલી દેવી પડે. પરંતુ બાળકોનો વિચાર નહીં કરીને આપણા સૌનું ભવિષ્ય બાજુ પર હડસેલાઈ જાય છે એનું શું ? વ્યક્તિના અંગત જીવનની સ્વતંત્રતાને માન્યતા આપીને આખા સમાજની તંદુરસ્તીને અમાન્ય કરવા જેવી આ વાત છે. આના વિરોધમાં ઘણી દલીલો લોકો કરી શકે પણ કોઈ બાબત જ્યારે કાયદો બને ત્યારે એના લાંબાગાળાના પરિણામો હોય છે એ ન ભૂલવું જોઈએ. 

લગ્નજીવનના સારા-નરસા પાસાનું પરિણામ બાળકને ભાગે સૌથી વધુ હોય છે કેમ કે સાચો-ખોટો વ્યવહાર એ તો દરેક વ્યક્તિની પોતાની નીપજ છે. પોતાનો નિર્ણય છે. સુખ-દુખ એ પોતાના નિર્ણયનું પરિણામ છે (સામેના પાત્રનો ખોટો વ્યવહાર, આત્યંતિકતા એ બધી બાબતો ખરી) પરંતુ બાળકનો એમાં કોઈ જ વાંક નથી હોતો. પતિ સામે કે સાસુ સામેના ગુસ્સા બદલ બાળકને થપ્પડ પડે છે ત્યારે બાળક લાચાર અને નિર્બળ હોઇ એણે સહન કરવા સિવાય કોઈ છૂટકો નથી હોતો. આપણે જાણતા હોઈએ કે ન જાણતા હોઈએ પણ બાળકમાં એ ક્ષણથી આપણે વિદ્રોહના બીજ વાવી જ દઈએ છીએ. સતત આવા ક્રૂર વ્યવહારનું પરિણામ બાળકના વ્યક્તિત્વને ખૂબ નેગેટીવ બનાવી દે છે.

જ્યારે સ્ત્રી કે પુરુષ આમ લગ્નબાહ્ય સંબંધ બાંધે ત્યારે સ્વાભાવિક છે કે એનું અંગતજીવન ક્લેશભર્યું બને. એમ પણ ખરું કે અંગતજીવન ખરાબે હોય ત્યારે આવા સંબંધો બંધાય. આમાં ક્યાંય એક ને એક બે જેવો હિસાબ નથી હોતો. આ બધુ એટલું ગૂંચવાડાભર્યું છે કે એના સાચા કારણ માત્ર એ વ્યક્તિ પોતે જ જાણતી હોય. આમાં શાના કારણે શું પરિણામ છે એ નિર્ણય બીજા કોઈએ આપવો મોટાભાગે ખોટો બની રહે અને એ બાબતમાં વધારે જવાનો મારો વિચાર પણ નથી.   

પતિ-પત્ની વચ્ચે વિસંવાદ એ ઘરઘરની બાબત છે. ચોવીસ કલાક સાથે રહેવાનુ હોય ત્યાં મતભેદો થાય એ સહજ છે. એને કેવી રીતે લેવા એ દરેકની સમજદારી ઉપર આધાર રાખે છે. કોઈ પતિ કે પત્નીને પૂછો કે એ પોતાના જીવનસાથીથી સંતુષ્ટ છે ? તો પૂરી સચ્ચાઈથી ‘હા’માં જવાબ મળવો અઘરો જ છે. એનો અર્થ એ નથી કે એવું હોય તો બીજા સંબંધો બાંધવા.

સમાધાન કર્યા વગર જિંદગીમાં એક ડગલું ભરવું પણ અશક્ય છે. એ ચાહે પોતાની નોકરી-ધંધો હોય કે બીજા સામાજિક સંબંધો કે કાંઇપણ ! જો આપણે બધે સમાધાન કરી શકતા હોઈએ તો બાળકો માટે કેમ નહી ? દરેક બાબતમાં એક્સ્ટ્રીમ કેસો હોય, અપવાદો હોય એને આપણે બાજુ પર રાખીએ પરંતુ મૂળ બાબત બાળકોની છે કે જે આમાં સૌથી વધુ અને કોઈ વાંક વગર સહન કરે છે એના માટે આપણે કાંઇ વિચારી શકીએ ?

લોકો એવું સમજતા હોય છે અને નથી પણ સમજતા. બાળક માટે ભોગ આપવાની વૃત્તિ માતામાં વધારે હોય છે અને ઘણી જ્ગયાએ નથી પણ હોતી. આ બધા વ્યક્તિગત પ્રશ્નો થયા અને વ્યક્તિગત વિવેકથી જ એનો નિર્ણય લેવાય. આ વિવેક એ આપણા સમાજજીવનનો, કુટુંબજીવનનો પાયો છે. એ શીખવી ન શકાય. એ વાતાવરણમાંથી અને વડીલો પાસેથી શીખવા મળે તો હવે આવતી પેઢીના વડીલોનું પણ એ જ વર્તન હશે કે પોતાના સુખ ને પોતાની ઇચ્છા જ સર્વોપરી !

મૂળ મુદ્દો આ ચુકાદા સામે છે કે થોડાક લોકો મળીને એવી બાબતમાં કાયદો બદલાવી નાખે કે જેમાં માત્ર વ્યક્તિગત સ્વતંત્રતાનો જ વિચાર અપનાવાય અને ભોગ બનનાર બાળકનો જરાય વિચાર ન થાય એ કેવું ? મને ખબર છે મારી સાથે સહમત થનારા લોકો ઓછા જ હશે પણ જો તમે સહમત હો તો આ વિચારને ફેલાવો એમ હું ઈચ્છું. મારી નિસ્બત માત્ર અને માત્ર બાળકો માટે છે એની ખાસ નોંધ લેવી.

જેમને પોતાની સ્વતંત્રતા મહત્વની હોય એ લગ્ન ન કરે અથવા લગ્ન કરે તો બાળકો પેદા ન કરે. બાકી જો બાળક પેદા કર્યું તો પછી માબાપની બાળક માટે કેટલે મોટી જવાબદારી બની જાય છે એ હજુ શીખવાની બાબત છે એનું આશ્ચર્ય અને દુખ બંને છે.

આ બાબતે હજુ ઘણું લખી શકાય પણ અત્યારે આટલું જ.


Responses

  1. ન્યાલયના આ નિર્ણય વિષે અનેક વિવરણો વાંચ્યા,દરેકનો પોતાનો મત છે,હોય,સ્વિકરીએ.પણ આપે જે મુદ્દો ઉઠાવ્યો તે
    ક્યાંય ન જોયો!!! હરેક મત(ચુકાદા અંગે)વાંચતી વખતે મનમાં ઉઠેલ કેઃ કેમ ક્યાંય પેલા નિર્દોષનો ઉલ્લેખ સરખો નથી દેખાતો
    કે જેને ભાગે સૌથી વધુ સહેવાનું આવશે??!!! બેન,આપે કહ્યું કે””મારી સાથે સહમત થનારા લોકો ઓછા જ હશે” એ થોડાંમાંની એક હું.
    આ મુદ્દાના મહત્વના મુદ્દાની આપની છણાવટ અને આપની “નિસ્બત” સૌ સમજે એ પ્રાર્થના.

  2. તમારો ખૂબ ખૂબ આભાર વિમલબહેન.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: