Posted by: readsetu | સપ્ટેમ્બર 29, 2018

કાવ્યસેતુ 349

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 349 > 25 સપ્ટેમ્બર 2018

સુખનાં સરનામાં – લતા હિરાણી 

નિરંતર પહેરતાં મન વસંત ભીની મજા! 

વળી સબળ હૂંફથી સભર પી શિયાળા બધાં 

દિવસપન વાવતાં ભરબપોર વૈશાખમાં! 

કુતૂહલ ભરી ઊડે બસ જુદા નભો શોધતાં! 

ન પાનખર પાથરે, બસ અથાક તૃષ્ણા ચણે. 

કદી સમય હાંફતો અકલ દોટ સંગે ઘણો 

પરે નિયમ સૃષ્ટિના પરમતા  ધરી શ્ચાસમાં

અનાગત પળો ભરે સહજ ઘૂંટ પીયૂષના

કરે જ નકશી, હતાં થર અતીત પીડા તણાં

જરા નરમ ટીપતાં મન ચડેલ ભારીપણાં

રસાયણ ઉજાસની અનુપ ઘાટ મૂલ્યો ઘડે!

રચાય પડ ખોતરી બસ કલા થકી કાળના! 

નવો સમય ફૂટતો તવ ક્ષણો ધરી કોખમાં 

સજીવન બની સજે નવયુઞો કલાકારથી! 

સોનેટ લખનારી, સંસ્કૃત છંદોમાં કાવ્ય રચનારી બહુ ઓછી કવયિત્રીઓ. સંધ્યા ભટ્ટ, દક્ષાબહેન વ્યાસ ખરાં. બીજાં કેટલાક નામો યાદ આવે છે પણ અહીં એ લખીશ અને કોઈ રહી જશે તો ! એટલે જવા દો….  ભારતી પ્રજાપતિ એમાંના એક છે. મનના અકળ અગોચર વિશ્વને વર્ણવતું આ સોનેટ કવયિત્રીએ પૃથ્વી છંદમાં સરસ રીતે ઢાળ્યું છે. મનની લીલાઓ અહીં શબ્દોમાં લહેરાય છે.  

મનને નવાં નવાં વસ્ત્રો જોઈએ. અખૂટ ઇચ્છાનું એ જ તો જન્મસ્થાન છે. બાહ્ય સાધનો હોય કે કુદરતના બદલાતા રૂપો, મન હંમેશા નિત્ય નવું ઝંખશે. અનુભૂતિઓમાં પણ નાવીન્ય ! વસંતના રસોત્સવની ભીનાશ અંગે ઓઢી ન ઓઢી ત્યાં શિયાળાની હૂંફ માટે મન અધીરું થઈ જાય. વૈશાખનો તાપ દિવસને દઝાડે ને સાંજને ઠારે, પણ એનું રૂપ જુદું ! ઋતુઓની લીલા માનવીના મનને ઇંદ્રધનુષના રંગે રંગતી રહે. નવા નવા કુતૂહલો પ્રગટાવતી રહે ! એને જોવાની, માણવાની સૂઝ, સમજ ને દૃષ્ટિ જેનામાં હોય એના માટે !

ઇચ્છાના મૃગની દોડ થંભવી અશક્ય છે. સાધુ સંતો પણ એમાંથી બાકાત નથી રહી શકતા. મન પંખી  સદાય તૃષ્ણાના ચણ ચણ્યા કરે છે. સમયની ગતિ સાથે મનનો વેગ સ્પર્ધા કર્યા કરે છે ને તોય ક્યારેક હારી જાય છે, છે ને ઇચ્છાઓની દુનિયાની બલિહારી ! વર્તમાનને ઉવેખીને, આજે કરેલા કાર્યોને ભૂલી જઈને,  કાલ્પનિક ભાવિના અમૃતપ્યાલા ભરી ભરીને પીવા એ મનુષ્યનો સ્વભાવ છે. એટલે જ તો દાર્શનિકો વર્તમાનમાં જીવવાની સલાહ આપે છે, સંતો સદાય કર્મફળનો વિચાર કરવાનું કહે છે.

પીડાનું ટાંકણું માનવીના બરડપણાને કોતરે છે, નરમ બનાવે છે. એમાંથી એક સુરેખ આકાર ઘડે છે, જો માનવી એને સાચા સ્વરૂપમાં સ્વીકારે તો ! બાકી ભગવાનને ગાળો દેવામાં પણ પીડાનો પર્યાય શોધતા લોકો ઓછા નથી. એકલું સુખ આમ તો કોઈને મળતું નથી ને કોઈને મળે તો એ છકી જાય ! અહીં સુખની વ્યાખ્યા સમજવી પડે ! કેમ કે કરોડોની સંપતિમાં આળોટતા માણસને સુંવાળી સેજ સંતાપ્યા કરે ને ઊંઘની ગોળી લેવી પડે અને સામે ફૂટપાથ પર નીંદરની મહેફીલ જામી હોય તો સુખ કોને કહેવાય એ વિચારવું પડે. સો વાતની એક વાત કે બધું પેકેજમાં મળે છે. એકલું સુખ નહીં ને એકલું દુખ નહીં. કયું મોટું ગણવું ને કયું નાનું, એ આપણી દૃષ્ટિ પર નિર્ભર છે.   

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: