Posted by: readsetu | ઓક્ટોબર 2, 2018

કાવ્યસેતુ 350

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 350 > 2 ઓક્ટોબર 2018

કાવ્ય અને ગાંધીજી – લતા હિરાણી 

એક દિ’ એક કૃશ કાવ્ય

પહોંચ્યું ગાંધી આશ્રમે, નજરે એમને નિહાળવા

બાપુ તો કાંતી રહ્યા તાં’ દોરો એમનો,

રામ ભણી લંબાવતા.

ક્યાંથી દેખાય એને કાવ્ય

ઊભું જે બારણે વાટ જોતું

ને નથી પોતે ભજન એ ખ્યાલે ઝંખવાતું.

ખોંખારો ખાધો કાવ્યે

ને જોયું બાપુએ આડી નજરે

એ ચશ્માના કાચમાંથી જેણે નરક પણ જોયું હતું.

‘કાંત્યુ છે તેં કદી ?’ પૂછ્યું બાપુએ.

‘ક્યારેય મેલાં ઉપાડ્યા છે માથે ?’

‘ક્યારેય ધુમાડો ખાધો છે, વહેલી પરોઢના ચૂલાનો ?’

‘ભૂખમરો વેઠયો છે કદી ?’

કાવ્ય કહે, ‘મારો જન્મ થયો તો જંગલમાં, કોઈ શિકારીના મુખમાં

ને ઉછેર માછીમારને ઝૂંપડે’.

છતાં મને કોઈ કામ ન આવડે, હું તો બસ ગાઉં

પહેલાં મેં ગાયું રાજદરબારોમાં

ને ત્યારે હતું હું મદમસ્ત, સૌંદર્યપૂંજ

પણ હવે રઝળું છું શેરીઓમાં, અડધું ભૂખે ચોડવાતું.

‘સારું છે’ કહ્યું બાપુએ, વંકા સ્મિત સાથે

પણ મૂકી દેવી પડશે આ ટેવ

ઘડી ઘડી અઘરું બોલવાની.

જઈને ખેતરમાં સાંભળ, કોસ હાંકનારા બોલે છે શું ?

અને કાવ્ય થઈ ગ્યું ધાનનો દાણો

ખેતરમાં રાહ જોતો કે ક્યારે ખેડુ આવે

ને તાજે છાંટણે ભીંજાયેલી કોરી ધરતીને ખેડે !  – કે. સચ્ચિદાનંદની મલયાલી કવિતા. અનુવાદ – માવજીભાઇ

ગાંધી કાવ્યોને શોધમાં અચાનક મળી ગયું. લાંબુ છે ને મને લખવાની જગ્યા ઓછી રહેશે એમ લાગવા છતાંય ગમી ગયું ને લઈ લીધું. ગાંધીજીના સિદ્ધાંતો અને આદર્શો વ્યક્ત કરતાં કરતાં કવિ કે. સચ્ચિદાનંદે કવિઓની જમાતને બરાબર લપેટમાં લીધી છે !

આમ તો અત્યારે કવિતાને સારા દિવસો આવ્યા છે એમ કહી શકાય. અલબત્ત ‘વાહ વાહ’ને ઝંખતી થોડી ખરી ને થોડી ઉપલક ગઝલો/રચનાઓને આ લાગુ પડે એમ પણ કહી શકાય. સમગ્ર કાવ્યજગત કે ગંભીર કવિતા માટે હજુ અઘરું છે.  પણ આ કાવ્યનો હાર્દ કવિના સ્વભાવને સ્પર્શે છે, એના પર ચોટ કરે છે. અઘરા અઘરા શબ્દોના પ્રયોગ કરનારા કવિઓ હજુ વિદ્યમાન છે. ભાવકને સમજાય, ન સમજાય પણ પોતાની શબ્દોની ભભક ન છોડવી, એ ક્યારેક કરુણાજનક પણ લાગે છે અને ‘હશે’ કહી એમને માફ કરવા સિવાય બીજું શું થઈ શકે ?

ગાંધીજીની વાત મને ગમે છે ;  હે કવિ, દુખીઓના દુખ અનુભવો, પીડિતોની પીડામાં જાતને ધરબો, મહેનતકશ ઈન્સાનોના પરસેવામાં નહાઓ, આ ધરતી પર પથરાયેલા દુખોનો જાત અનુભવ લઈને પછી પ્રગટો કવિતામાં ! તો એ કવિતા સત્યના વિકલ્પે આવીને ઊભી રહેશે !’

કોશિયાને પણ સમજાય એવી ભાષા વાપરવી જોઈએ એવું ગાંધીજીએ અમથું કહ્યું હશે ?    

   

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: