Posted by: readsetu | ઓક્ટોબર 16, 2018

કાવ્યસેતુ 351

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 351 > 16 ઓક્ટોબર 2018

હું ધરાઆધાર છુંલતા હિરાણી

વ્યર્થ ના માનો, ઠરેલી રાખનો અંગાર છું 

પ્હાડને ચીરી શકુ, કુંપળ શી નાજુક ધાર છું. 

વેગથી પછડાઉ તો, રાખુ પથ્થરની તમા

વીજળીની ધાક વચ્ચે, ધોધનો આકાર છું.

મૌન ના રહેશો સભામાં ચીર હરતા જોઇને

દ્રૌપદીના કેશ ખુલ્યા તો નર્યો સંહાર છું.

જો  અહમથી પાળશો તો વેદનાનો ભાર છું

ને વહાવો આંખથી તો વ્હાલ અપરંપાર છું. 

ઝાંઝવાની જાત જેવું મૃગ આભાસી નથી 

શક્તિના અવતાર જેવી સો કથાનો સાર છું આરતી શેઠ

શક્તિપૂજાના દિવસો ચાલી રહ્યા છે અને આ શક્તિના મહિમાની કવિતા.

આપણી પાસે અનેકાનેક ઉદાહરણ છે કે જ્યારે સ્ત્રીની સહનશક્તિનો અંત આવી ગયો અને એણે હુંકાર કર્યો ત્યારે ધારેલા પરિણામો આવ્યા છે. દ્રૌપદીની પ્રતિજ્ઞાથી માંડીને અહલ્યાના ધૈર્ય સુધીની કથા શક્તિની અને માત્ર શક્તિની કથા છે. સર્જન અને સંહાર બેય શક્તિના સ્વરૂપ છે, બંનેનું આ પૃથ્વી પર સરખું માહાત્મ્ય છે. એક વગર બીજાનો અર્થ નથી અને જુઓ, સ્ત્રી આ બંને કરી શકે છે. કુદરતે પુરુષને સંહારની શક્તિ આપી છે પણ સર્જનની નહીં. જ્યારે સ્ત્રી પાસે સર્જનની અદભૂત શક્તિ છે. એ બાળકને જન્મ આપી શકે છે. સૂર્ય પાસેથી વરદાન મેળવીને કુંતી કર્ણને જન્મ આપી શકે છે, પાણીમાં વહાવીનેય એના જીવનને બચાવી શકે છે તો પોતાના કેશ રકતથી રંગવાની પ્રતિજ્ઞા લઈને દ્રૌપદી આખા કૌરવકુળનો નાશ કરાવી શકે છે.

ધીરજ ધરવામાંય સ્ત્રીની શક્તિનો વિકલ્પ નથી. અખૂટ ધીરજ એ સ્ત્રીની એક અદભૂત શક્તિ છે. અત્યંત કઠિન આ કામ છે પણ સ્ત્રી પાસે એ તાકાત છે. અહલ્યાની કથા આપણે પૌરાણીક વાર્તામાં ખપાવી શકીએ પણ વાસ્તવિક જિંદગીમાં આપણી આજુબાજુ  એવા અનેક ઉદાહરણ મળી આવશે કે જ્યાં સ્ત્રીની ધીરજને સલામ કરવી પડે. શક્તિના આ બંને સામસામેના છેડા છે અને એની વચ્ચે જીવન આખું વણાયેલું છે. આ વાત શબ્દોની નથી, જીવતા જીવનની છે અને એટલે જ માનવજાત સદીઓથી શક્તિપૂજા કરતી આવી છે.

પહાડના કાળા ખડકોની ધારમાંથી ઊગી નીકળતી કુમળી કૂંપળ આ વાતની સાહેદી પૂરે છે તો વીજળીના ધોધમાંથી પેદા થતી વીજળી આ શક્તિની સાખ પૂરે છે. બાળક ઉપર અપરંપાર વહાલ વેરતી માતા પૃથ્વી પરનું સૌથી સુંદર    દૃશ્ય છે તો પોતાના બાળક માટે જ અનેક વેદનાઓ, સીતમ સહી લેતી માતા સ્નેહનો સાક્ષાત અવતાર છે. એ કોમળમાં કોમળ અને કઠોરમાં કઠોર બની શકે છે.

કોઈએ કહ્યું છે કે ઈશ્વરને સામાન્ય માણસ વધારે પ્રિય છે એટલે એણે સામાન્ય માણસો જ વધારે પેદા કર્યા છે. હું આ વાત સાથે સંપૂર્ણ સહમત છું અને આપણે આ સામાન્યો જોઈને ધારણા બાંધી લઈએ છીએ કે સ્ત્રી બિચારી છે અથવા નિર્બળ છે. માત્ર સામાન્યના સમૂહને જોઈને ધારણા બાંધવાની હોય તો આ જ વાત પુરુષ માટે પણ એટલી જ લાગુ પડે. સ્નાયુબળ હોવા છતાં અનેક ક્ષેત્રે, અનેક બાબતે એ ‘બિચારા’ની જિંદગી જીવતો જ હોય છે. એને બિચારો બનાવવા માટે એક માવાની પડીકી કે સિગારેટ કે દારૂની એકાદ પ્યાલીયે કાફી છે !

યાદ રહે, ધોરણો પ્રસ્થાપિત કરનારા લોકો અસામાન્ય હોય છે. એમાં અહલ્યા અને દ્રૌપદી હોય, એમાં અર્જુન અને કર્ણ હોય. એમાં ગાંધારી અને ભીષ્મ હોય, એમાં કિરણ બેદી અને અબ્દુલ કલામ હોય ! આ જ છે સચ્ચાઈની કથા, શક્તિની કથા.


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: