Posted by: readsetu | ઓક્ટોબર 26, 2018

કાવ્યસેતુ 95

दिव्य भास्करमें 2011 से प्रकाशित हो रही मेरी कोलम काव्यसेतुमें  प्रकाशित दि. 167-2013   लेख 95       

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 95 > 16 જુલાઇ 2013

તલસાટનો તાળો – લતા હિરાણી

જિંદગીનો એ રીતે બસ અર્થ મર્માળો મળે

કે શિયાળો પણ મળે તો ખૂબ હૂંફાળો મળે !

કોયલોને બાગમાં જો મહેકતો માળો મળે

વૃક્ષની હર ડાળ પર ટહુકાનો સરવાળો મળે !

સ્નેહભીનો કોઇનો જો સ્પર્શ સુંવાળો મળે

ભર ઉનાળે વિસ્તરેલો કોઇ ગરમાળો મળે !

એક આખું આયખું કોરાં રહી જીવી ગયાં

આંખની ભીનાશમાં એ વાતનો તાળો મળે !

હાથમાં મારાં તમારી આ હથેળી લઉં અને

ધોમધખતા રણ વચાળે દ્વિપ હરિયાળો મળે !!   ……… દિવ્યા રાજેશ મોદી

એક હૂંફાળી, મર્માળી કવિતા એટલે દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ ‘ટહુકાનો સરવાળો’. શિર્ષક છે ‘ટહુકાનો સરવાળો’ પણ સરવાળો કરવાને બદલે ગુણાકાર કર્યો હોય તો વધારે ભરપૂર ન લાગે !! અથવા એને સરવાળો કે ગુણાકાર જેવા શબ્દ વગર પણ રાખ્યું હોય તો !! પણ એ તો કવયિત્રીની ઇચ્છાની વાત છે, આપણી નિસ્બત એના ટહુકા સાથે અને એમાં વસેલી ભીનાશ સાથે છે જે આ કવિતામાં ભરપૂર મળે છે.

આખું ય કાવ્ય કહો કે ગઝલ, અપેક્ષાનું કાવ્ય છે. હૂંફનો, પ્રેમનો તલસાટ શબ્દે શબ્દમાં વ્યક્ત થાય છે. જિંદગી જીવવી છે પણ અર્થપૂર્ણ… બસ એમ જ જીવી જવાનું કવયિત્રીને મંજૂર નથી. કદાચ આ હર એક માનવીની ઝંખના હશે પણ પછી એ જડ જે જાડી ચામડીનો કેમ બની જતો હશે ? સંજોગો એને એવો બનાવતા હશે કે એના સંસ્કારો ? જે હોય તે અહીં તો કવયિત્રીની અભીપ્સા છે …. એ શિયાળામાં કડકડતી ઠારી નાખતી ટાઢને બદલે એક હૂંફાળી ઠંડી ઇચ્છે છે. વૃક્ષની ડાળ પર કોયલ ટહૂક્યા કરતી હોય એવો માળો એ એનું સપનું છે. કોઇનો ભીનો સ્પર્શ, સ્નેહથી ભર્યો ભર્યો મળે તો બીજું શું જોઇએ ? ભર તડકે જાણે વિસ્તરલા ગરમાળાની છાંયા !! સ્પર્શ એ એક જુદી જ અનુભુતિ છે. કોઇને કંઇ પણ આપો, ગમે તેટલી કિંમતી ભેટ આપો પણ એક સ્નેહભીના સ્પર્શની તોલે કશું ન આવે. મીઠો સ્પર્શ જે તાકાત આપે છે, જે હિંમત આપે છે તે અમૂલ્ય છે. સ્પર્શમાં ડૂબતાંને બચાવવાની તાકાત છે.

‘એક આખું આયખું કોરાં રહી જીવી ગયાં, આંખની ભીનાશમાં એ વાતનો તાળો મળે !’ આ કોરા રહેવાની વાત વગરનો કોઇ કવિ હશે ખરો ? આ કદાચ એક સાર્વત્રિક ભાવના છે. સતત સ્નેહ, પ્રેમની ઝંખના માનવીની મૂળભુત જરૂરિયાત ખરી પણ પણ જે મળે એ ઓછું પડે, કોરા રહેવાની અનુભુતિને કાવ્યનું જન્મસ્થાન ગણી શકાય ? અહીં પણ એ જ વાત છે. આખી જિંદગી કોરીધાકોર વીતી ગઇ અને આંખની ભીનાશ એની સાક્ષી પુરાવે છે. જો કે… આટલું જ નથી.. અધૂરપની આટલી અમથી વાત પછી તરત આશાના કિરણો ફૂટે છે. ‘હાથમાં તમારી હથેળી મળે અને મને ધોમધખતા રણ વચ્ચે એક હરિયાળો ટાપુ મળી જાય..’ હજી કોઇના હૂંફાળા હાથની અપેક્ષા છે એટલે આયખું જેટલું કોરું ગયું એટલું ભલે પણ પંથ હજી લાંબો કાપવાનો બાકી છે અને એ જ મજાની વાત છે.

સરવાળે આખી ગઝલ સુખની કે સુખની અપેક્ષાની છે, હૂંફની વ્હાલની અપેક્ષાની છે. થોડોક ઝુરાપો છે ને ચપટીક ભીનાશ પણ છે. એ માટે જુદી જુદી કલ્પનાઓ અને પ્રતીકોનો સરસ મજાનો ઉપયોગ થયો છે. હૂંફાળો માળો અને એમાં કોયલનું ટહુકવું આ પ્રતીકો એ સ્પષ્ટ રીતે આ ગઝલને એક સ્ત્રીની ગઝલ દર્શાવે છે.

અહીં કંઇક ખુશી, કંઇક ઉદાસીના મિશ્રભાવથી  ભરી શ્યામ સાધુની એક ગઝલ યાદ આવે છે.

તારો વિચાર બારીના પડદે ઝૂલી ગયો

દૃશ્યોનો ભેદ એ પછી દરિયે ડૂબી ગયો.

બે ડાળી વચ્ચે જાણે કે તડકો ગુલાબ છે

મોસમનો રંગ કેટલો મીઠ્ઠો બની ગયો !

પથ્થરની જેમ હાંફતા પીળા શહેરમાં

મારા સમયના  મોરનો ટહુકો તૂટી ગયો.

આકાશ આમતેમ વિખરાઇ જાય પણ

એકાદ સૂર્ય ઊગવું આજે ભૂલી ગયો.

એકાંતનો પરિચય એ રીતે થયો

સૂનકાર તારી યાદની જેમ જ ઊભી ગયો !

 

   

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: