Posted by: readsetu | માર્ચ 5, 2019

Kavyasetu 103

दिव्य भास्कर दैनिक में 2011 से प्रकशित हो रही काव्यास्वाद की कोलम काव्यसेतु

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 103 > 10 સપ્ટેમ્બર 2013

દીકરી મારી લાડકવાયી – લતા હિરાણી     

દીકરીની વિસ્મયભરી આંખોમાં છે
પ્રશ્નો, આશ્ચર્ય અને ભોળપણ
એના પ્રશ્નો
મને મૂંઝવી દે છે
એના ફૂલોના ઢગલા જેવા હાસ્યને સૂંઘીને                                                                                                        હું જીવવા માટેના શ્વાસ
એકઠા કરી લઉં છું
કદાચઆવતી કાલે
એનું હાસ્ય
આટલું બધું સુગંધિત નહીં હોય………… શેફાલી રાજ

એક સાવ નાનકડું, ખોબલામાં સમાઈ જાય એવડા શેફાલી રાજના આ કાવ્યમાં પોતાના લાડકા સંતાનનો નિર્ભેળ પ્રેમ અને પછી પોતાની આવતી કાલની વ્યથા ચિતરાયેલ છે.. જો કે વ્યથા પણ ફૂલોની પાંખડીની જેમ વેરી દીધી છે. સ્હેજ પણ ભાર વગર છેલ્લી પંક્તિમાં એ એટલી સહજતાથી અને સાંકેતિક રીતે મૂકાઇ છે કે શબ્દો અહીં કાવ્યત્વને સ્પર્શી જાય છે !!

બાળપણ એટલે જ વિસ્મયનું વિશ્વ !! કીડીને ચાલતી જોઇને કે પાંદડાને હલતું જોઇને ય એની આંખો આનંદ અને મુગ્ધતાથી છલકાઇ ઊઠે !! વહેતું પાણી કે હવાની લહેરો એને રોમાંચિત ન કરી મૂકે તો જ નવાઇ !! ઊડતા પતંગિયાની પાછળ દોડાદોડ કરતી નાની નાની પગલીઓ કે ફૂલોની સુગંધને ખોબામાં ભરવા મથતી નાની નાની કૂમળી હથેળીઓ આસપાસના વાતાવરણનેય વ્હાલપથી ભરી દે છે. એક રંગીન કાગળ કે ચોકના ટુકડાની મિરાતને ખિસ્સામાં સાચવવા મથતું બાળપણ અમીર ગરીબના ભેદને ક્યાંય ખીણમાં ફેંકી દે છે. યાદ આવે છે એક જૂની હિન્દી ફિલ્મનું ગીત ‘બચપન કે દિન ભી ક્યા દિન થે, ઉડતે ફિરતે તિતલી બનકે….’

આ કાવ્યમાં દીકરીની આંખોમાંનું વિસ્મય માતાને રોમેરોમ સુખથી ભરી દે છે અને પ્રશ્નો પણ સર્જે છે, મુંઝવણ પણ ખડી કરી દે છે.. અલબત્ત આજે એ દીકરીના ભોળપણથી ભર્યા પ્રશ્નો છે પણ સવાલ આખરે સવાલ છે અને જેનો જવાબ નથી એવા સવાલ સહેવા સહેલા નથી !! મને યાદ આવે છે પરદેશથી આવેલા એક યુગલની વાત. પોતાના ભાઇને ત્યાં નવા બાળકની ખુશાલી પ્રસંગે એની દીકરી માતાને પૂછે છે, ‘મા, આ આન્ટીએ બાળકનું શા માટે પ્લાન કર્યું ? એનો એટલો જ નાનકડો ભાઇ જવાબ આપી દે છે, ‘Every girl have to have a baby !!’ દરેક છોકરીને બાળક હોવું જ જોઈએ ! સ્વાભાવિક છે કે આવા સવાલો મા-બાપને મૂંઝવે જ… જો કે અહીંયા કવિની મૂંઝવણ અલગ છે. દીકરીની આવતીકાલ કેવી હશે ? દરેક ભારતીય માતાને મૂંઝવતો સવાલ !

દીકરીના ફૂલોના ઢગલા જેવા ફેલાયેલા હાસ્યમાંથી મીઠા શ્વાસ વીણી લેવાના છે, સાચવી રાખવાના છે. એ સંઘરેલ પ્રાણવાયુ આવતી કાલે કદાચ કામ લાગે… આ ફૂલો ભર્યું હાસ્ય આમ જ જળવાઇ રહેશે ? સુગંધ સલામત રહેશે ? કોઇ ખાતરી નથી… કદાચ નહીં જ રહે એની પૂરી આશંકા છે… બાળપણ જશે, એની નિર્દોષતા જશે.. યુવાની આવશે અને એની સાથે એના બધા જ વાવાઝોડાં, વમળો લઇને આવશે.. એ ક્યાંક પોતાની નવી જિંદગીમાં પરોવાશે અને પછી એ જીવન કેવું હશે ? ચિંતા અને ભયમિશ્રિત લાગણીઓ એને ઘેરી વળે છે અને માની ચિંતાઓમાં એક નવું તત્વ ઉમેરાય છે.  દીકરી નહીં હોય ત્યારે પોતાની પાસે શું બચ્યું હશે ? એક આખી જિંદગી જીવ્યાનો થાક.. અને એ વખતે પેલી સચવાયેલી સુગંધ મનના એકાદ ખૂણાને જરૂર સુવાસિત કરી શકશે….

દીકરી વિશેના આ કાવ્ય પછી આપણને સાંઇ મકરંદ દવેની આ કવિતા યાદ આવ્યા વગર ન જ રહે… અલબત્ત એમાં કોઇ આશંકા વગરનો, નિર્ભેળ આનંદ જ છે….

પ્રભુએ બંધાવ્યું મારુ પારણું રે લોલ / પારણીયે ઝૂલે ઝીણી જ્યોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

નભથી પધારી મારી તારલી રે લોલ / અંગે તે વ્હાલ ઓતપ્રોત રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

લેજો રે લોક એનાં વારણા રે લોલ / પુત્રી તો આપણી પુનાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઓસરિયે, આંગણિયે, ચોકમાં રે લોલ / વેણીના ફૂલની વધાઈ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ગૌરીનાં ગીતની એ ગુલછડી રે લોલ / દુર્ગાના કંઠનો હુંકાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

બાપુની ઢાલ બને દિકરો રે લોલ / કન્યા તો તેજની કટાર રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

ઉગમણૅ પ્હોર રતન આંખનું રે લોલ / આથમણી સાંજે અજવાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.

રમતી રાખો રે એની રાગિણી રે લોલ / આભથી ઊંચેરો એનો રાસ રે,
અદકા અજવાળા એની આંખમાં રે લોલ.  

 

 

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: