Posted by: readsetu | માર્ચ 18, 2019

કાવ્યસેતુ 370

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 370 > 12 માર્ચ 2019

આ નહીં ચાલે ! – લતા હિરાણી  (મૂળ લેખ)

મને તેં હાંસિયામાં કાઢી નાખી છે

મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે.

તું કડવી વાણી બોલે છે સતત તો પણ

પીડાને તારી મધની જેમ ચાખી છે.

તું આરસ પર ભલેને ચિત્ર દોરે છે

મળ્યા છે તે ઉઝરડાની ઝાંખી છે.

વધુ મારાથી કોઈ ચાહશે નહીં ને !

તેં બકબક એટલે મારી સાંખી છે.

પ્રણયના કબૂતરને ઉડાડયું છે

નગરમાં એટલે તો સંખ્યા પાંખી છે. – રૂપાલી ચોકસી યશવી

 

પ્રેમી મોં ફેરવી લે તોય પ્રેમિકા તુમ હમેં પ્યાર કરો યા ના કરો, હમ તુમ્હે પ્યાર કિયે જાયેંગે ગાય અને જીવ્યા કરે એવી ફિલ્મી સિચ્યુએશન જીવનમાં પણ હોય છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મમાં (જૂની) કોઈ આદર્શ અંત બતાવે ને ખરેખર જીવનમાં એ ક્યાંક વાસ્તવને બદલી નાખે અથવા વાસ્તવ ખુદ બદલાઈ જાય એવું બને. આજકાલ ફિલ્મો વધારે પ્રેકટીકલ બનતી જાય છે. હવે ફિલ્મોમાં દેવદાસ શોધ્યા જડે એમ નથી અને એ જ સત્ય છે. દેવદાસ વાર્તામાં જ હોય, હકીકતમાં નહીં ! પણ એ ખરું કે પ્રેમમાં બરાબર ડૂબ્યા પછી પાર ન ઉતરાય તો કોરા થવાનું બહુ અઘરું છે, જો ખરેખર પ્રેમ કર્યો હોય તો ! બેવફાઇ કે અવગણના મળે ત્યારે એ વચ્ચેનો સમયગાળો બહુ અઘરો છે. ન ઇધર કે, ન ઉધર કે ! તૂટી જવાય તોય માયા તોડી ન શકાય.

રચનામાં નાયિકાની દશા કાંઈક આવી છે. પ્રેમીની અવગણના સહેવી કઠિન બની છે ને તોયે મન એ પીડા મધની જેમ ચાખ્યા કરે છે. મને તેં હાંસિયામાં કાઢી નાખી છે / મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે આટલું એને  સ્પષ્ટ દેખાય છે તોય કહે છે, વધુ મારાથી કોઈ ચાહશે નહીં ને ! તેં બકબક એટલે મારી સાંખી છે. પોતે જેને પ્રેમ કરે છે એને પોતાનાથી વધુ કોઈ ચાહી શકે નહીં એની એને ખાતરી છે, વળી એય વિશ્વાસ છે કે મારી સાથે જે  આછોપાતળો સંબંધ એ રાખે છે એનું કારણ એ જ છે !! પણ પોતાની વાતને બકબક શું કામ ગણવી એ સવાલ જરૂર થાય. આ એક શબ્દ કવિતાના ભાવને નબળો પાડી દે છે. બકબકને બદલે વાતો જેવો સાદો શબ્દ સહજપ્રાપ્ય છે. એમ તો પ્રેમના કબૂતરને ઉડાડવાનું પ્રતીક પણ જરાય નવું નથી…  એ કવયિત્રીની મરજી પર છોડીએ.   

શરૂઆતના શબ્દો મને તેં હાંસિયામાં કાઢી નાખી છે / મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે. અત્યારના સમયને એકદમ અનુરૂપ છે અને કોઈના દર્દને, પીડાને કવિતામાં વ્યક્ત કરવાની ઇચ્છાને આવકારવાની હોય. કવિતા કરવી છે ? ક્યાં છે તારા જખ્મો ? પીડા વગર કવિતા ક્યાંથી ? રામાયણ જેવા મહાકાવ્યના જન્મનું નિમિત્ત ક્રૌંચવધ ! જીવન હો કે કવિતા, પીડા જ શરૂઆત અને પીડા જ અંત !

જ્યારે બંને પક્ષે પ્રેમ એની પૂર્ણ અવસ્થામાં હોય ત્યારે દુનિયામાં એ સિવાય બીજું કશું હોતું નથી પણ એક પક્ષે વધ ને બીજા પક્ષે ઘટ થાય ત્યારે લાગણીના હિસાબકિતાબ શરૂ થઈ જાય છે, સમીકરણો મંડાવા લાગે છે. હૈયાની પાટી પર પડેલા નાના અક્ષરો હથેળીની રેખા બનવા જાય એ પહેલાં જ એમાં ગૂંચો સર્જાય છે, ને પરિણામમાં હૈયાહોળી સિવાય બીજું કશું નથી મળતું. પ્રેમમાં સવાલ જ્યારે ઓછીવત્તી લાગણીનો, મનની સચ્ચાઈનો આવે ત્યારે અભિવ્યક્તિમાં અવરોધની અને સંવાદમાં સંઘર્ષની આંચ આપોઆપ પ્રવેશી જાય છે. સામાન્ય વાતચીત પણ આડે રસ્તે ફંટાઈ જાય છે. પ્રેમમાં અવરોધ ક્યારેક સમાજ ને ક્યારેક પોતે કે પોતાના બની જાય છે. આખરે આ બધું જીવનનો જ એક ભાગ છે. રોપાયેલું બીજ પાંગરવાને બદલે ખાખ થઈ જાય ત્યારે યાદ રહે, ફરી બેઠા થવાની ને જીવવાની ઈચ્છા જાળવી રાખવી મહત્વનું બની જાય છે કેમ કે જીવન સૌથી અગત્યનું છે.

 

            

 


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: